લંડનઃ વિશ્વમાં વસતાં તમામ માનવીઓમાં સ્વિસ સ્ત્રીઓ સૌથી લાંબુ સરેરાશ ૭૯.૦૩ વર્ષનું આયુષ્ય ધરાવે છે. જ્યારે પુરુષોની બાબતમાં ઓસ્ટ્રેલિયન પુરુષો સૌથી વધુ સરેરાશ ૭૯.૦૩ વર્ષનું અને સ્ત્રીઓ સરેરાશ ૭૮.૯ વર્ષનું જીવન ધરાવે છે. વિશ્વમાં દીર્ઘાયુષ સાથેના ૧૫ મહત્ત્વપૂર્ણ દેશોમાં બ્રિટિશ પુરુષ (૭૨.૩૩ વર્ષ) અને સ્ત્રીઓ (૭૬.૪૩ વર્ષ) છઠ્ઠો ક્રમ ધરાવે છે. યુએસએના પુરુષો (૭૬.૦૮ વર્ષ) અને સ્ત્રીઓ (૭૧.૫૭ વર્ષ) આઠમા ક્રમે છે.
યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા ખાતે ડો.માઈકલ ગિલોટ અને તેમના સાથી વિજ્ઞાનીઓએ ‘પોપ્યુલેશન સ્ટડીઝ’ જર્નલના પેપરમાં દીર્ઘાયુષની ભારે સંભાવના ધરાવતા યુરોપ, નોર્થ અમેરિકા અને એશિયાના ૧૫ દેશના ડેટાનો ઉપયોગ કર્યો હતો, જેમાં નોર્વે, જાપાન, સ્પેન, ડેનમાર્ક અને બેલ્જિયનનો સમાવેશ થયો હતો. સંશોધકોએ જણાવ્યું હતું કે અપેક્ષિત આયુષ્યની તેમની માપણી આજના લોકો કેટલું લાંબુ જીવી શકે તેનું સ્પષ્ટ ચિત્ર આપે છે.
સ્વિસ સ્ત્રીઓનાં સરેરાશ ૭૯.૦૩ વર્ષનાં આયુષ્યની સરખામણીએ ઓસ્ટ્રેલિયા (૭૮.૯ વર્ષ) અને નોર્વે (૭૮.૬૧ વર્ષ)ની સ્ત્રીઓ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને આવે છે. સ્વાદિષ્ટ વાનગીઓ માટે જાણીતું ઈટાલી સરેરાશ ૭૨.૧૪ વર્ષનાં આયુષ્ય સાથે છેલ્લેથી બીજા અને પોર્ટુગલ (૬૯.૧૯ વર્ષ) આખરી ૧૫મા ક્રમે આવે છે. પુરુષોમાં યુરોપિયન દેશો સ્વીડન (૭૪.૦૨ વર્ષ) અને સ્વિટ્ઝર્લેન્ડ (૭૩.૭ વર્ષ) અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે જ્યારે, પોર્ટુગલ (૬૪.૭૭ વર્ષ) આખરી ૧૫મા ક્રમે છે.
અભ્યાસના સહલેખક અને ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના ડો. કોલીન પાયનેએ જણાવ્યું હતું કે,‘ અત્યાર સુધી એવી માન્યતા પ્રચલિત હતી કે જાપાન અને નોર્ડિક દેશોની સ્ત્રી અને પુરુષો આરોગ્ય, સ્વસ્થતા અને સૌથી લાંબા જીવન સંદર્ભે સૌથી આગળ છે પરંતુ, ઓસ્ટ્રેલિયા પણ હવે આ સ્થાને છે. પરિણામોને લાંબા સમયની સ્થિરતા સાથે ગણો સંબંધ છે. ઓસ્ટ્રેલિયા લાંબા સમયથી ઉચ્ચ જીવનશૈલી ધરાવે છે. પૂરતા આહાર જેવી સાદી બાબતો અને કોઈ મોટો સંઘર્ષ જોવા ન મળે તેની પણ ભૂમિકા રહે છે.’
જાપાનમાં પુરુષો અને સ્ત્રીઓનું સરેરાશ અપેક્ષિત આયુષ્ય અનુક્રમે ૬૮.૫૨ વર્ષ (૧૪મો ક્રમ) અને ૭૨.૯ વર્ષ (૧૨મો ક્રમ) છે. આ અભ્યાસમાં દર્શાવેલું અપેક્ષિત આયુષ્ય યુકેના સત્તાવાર આંકડાથી અલગ પડે છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ અનુસાર યુકેમાં પુરુષો સરેરાશ ૭૯.૨ વર્ષ અને સ્ત્રીઓ સરેરાશ ૮૨.૯ વર્ષ જીવે છે. આ તફાવત વયજૂથ કોહોર્ટ લાઈફ એક્સપેક્ટન્સી (CLE) અપેક્ષિત આયુષ્ય પદ્ધતિના કારણે જોવા મળે છે. સામાન્યપણે અપેક્ષિત આયુષ્ય કોઈ એક સમયના મૃત્યુદરને આધારિત હોય છે. વ્યક્તિના અપેક્ષિત આયુષ્યની સરખામણી તેમના ગ્રાન્ડપેરન્ટ્સની સાથે કરવામાં આવે છે. CLE પદ્ધતિમાં ૫૦,૬૦ કે ૭૦ વર્ષ અગાઉના મૃત્યુદર સહિત જીવનક્રમ પણ જોવામાં આવે છે. એક જ વર્ષમાં જન્મેલા અને એકસરખા સંજોગોમાં જીવેલા લોકોની સરખામણી કરવામાં આવે છે. જાપાનમાં ૩૦, ૪૦ અને ૫૦મા વર્ષે મૃત્યુદર ઊંચા રહે છે પરંતુ, ઓસ્ટ્રેલિયામાં આમ નથી.

