લંડનઃ કોઈ પણ પ્રાણી કે પક્ષી માટે જીવન જીવવાં ખોરાકની જરૂર રહે છે. તમે ચકલી તેના બચ્ચાંને કોળિયાં ભરાવતી હોય તે દૃશ્ય જોયું જ હશે. સિંહ જેવા વન્ય પ્રાણી પણ તેમના બચ્ચાંને શિકાર કરતા શીખવે છે. જોકે, સોમરસેટ, વેલ્સમાં પાણી ભરેલી ખાઈ પાસે હંસની જોડી તેના બચ્ચાને ખોરાક મેળવવા દોરી ખેંચી ઘંટડી વગાડતા શીખવે છે તે દૃશ્ય નિહાળવું અનુપમ છે.
હંસની જોડી ગ્રેસ અને ગેબ્રિએલ વેલ્સના બિશપ્સ પેલેસની ખાઈમાં નિવાસ કરે છે અને જુલાઈ મહિનામાં જ બચ્ચા લકીને જન્મ આપ્યો છે. ગત એક મહિનાથી હંસની જોડીએ બચ્ચાને ધીમેથી તરતાં જઈને લટકતાં દોરડાને પોતાની ચાંચમાં લઈ ખેંચતા દેખાડે છે. ગત ૨૧ ઓગસ્ટ, સોમવારની બપોરે નાનકડું હંસબાળ લકી દોરડું ખેંચી ઘંટડી વગાડતું જોવામાં આવ્યું હતું.
બિશપ્સ પેલેસ ખાતે હંસોની આ વિશિષ્ટ પરંપરા છેક ૧૮૭૦થી ચાલતી આવે છે. તે સમયે બિશપ એડનની એક પુત્રીએ ગેટહાઉસ ખાતે દોરડું લટકાવી હંસોને ઘંટ વગાડવાની રીત શીખવી હતી. ખાઈમાં બે સ્થળે આવું દોરડુ લટકાવાય છે. હંસ ભૂખ્યા થાય ત્યારે તેને ખેંચતાં દેખાય છે અને ઘંટનો અવાજ સાંભળી તેમને કેરટેકર દ્વારા ખોરાકના ટુકડા નાખવામાં આવે છે. ગ્રેસ અને ગેબ્રિએલ પહેલાં બ્રાયન અને વીન ૨૦૧૩થી આ ખાઈમાં હતાં. એપ્રિલ ૨૦૧૮માં બ્રાયનનું મોત થયાં પછી હંસલી વીન તેના ચાર બચ્ચાં સાથે ઓક્ટોબર ૨૦૧૮માં આ ખાઈ છોડી ગઈ હતી. ગ્રેસ અને ગેબ્રિએલને સ્વાન રેસ્ક્યુ સાઉથ વેલ્સથી અહીં લવાયાં હતાં. ગ્રેસે ચાર ઈંડા આપ્યાં હતા પરંતુ, માત્ર લકીએ જન્મ લીધો હતો. ખાઈના હંસો વિશે લોકોને માહિતી આપવા પેલેસના વહીવટદાર તરફથી ખાસ વેબપેજ ચલાવાય છે.

