૧૬ વર્ષીય ‘મત્સ્યકન્યા’ ગૌરવી સિંઘવીનો ‘ઈંગ્લિશ ચેનલ’ પાર કરવાનો નવો વિક્રમ

Wednesday 28th August 2019 07:19 EDT
 
 

લંડનઃ લેક સિટી ઉદયપુરની ૧૬ વર્ષીય ‘મત્સ્યકન્યા’ ગૌરવી સિંઘવીએ શુક્રવાર ૨૩ ઓગસ્ટે ‘ઈન્ગ્લિશ ચેનલ’ પાર કરીને નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. તે આ વર્ષે એક તરફ તરીને ઈંગ્લિશ ચેનલ પાર કરનારી વિશ્વની સૌથી યુવા તરણવીર બની છે. તેણે ડોવરથી ફ્રાન્સ સુધી ૩૮ નોટિકલ માઈલનું અંતર ૧૩ કલાક અને ૨૮ મિનિટમાં તરવા સાથે ભારતનું નામ રોશન કર્યું છે. તેણે આ સાહસ પૂર્ણ કર્યા પછી તિરંગો ધ્વજ લહેરાવી પોતાનો આનંદ પ્રદર્શિત કર્યો હતો. ગૌરવી ફેબ્રુઆરી ૨૦૨૦માં ૧૭મો જન્મદિન ઉજવશે. ગૌરવી ૧૭ કરતા ઓછી વયે ઈંગ્લિશ ચેનલ પાર કરનારી વિશ્વની ૨૯મી અને ભારતની આઠમી તરણવીર છે.

સર્પેન્ટાઈન સ્વિમિંગ ક્લબની સભ્ય ગૌરવી એકલી ઈંગ્લિશ ચેનલ તરનારી સૌથી યુવા સભ્ય છે. અગાઉ, સૌથી યુવાન સભ્ય નિક આડમ્સ હતો જેણે ૧૯૯૩માં ૧૬ વર્ષ અને ૧૧ મહિનાની વયે એકલા ફ્રાન્સ સુધી તરવાનું સાહસ કર્યું હતું. તેણે આ સાહસ ૧૪ કલાક અને ૧૨ મિનિટમાં પૂર્ણ કર્યું હતું. ગૌરવીની સાથે રહેલી ઓપ્ટિમિસ્ટ બોટના સપોર્ટ ક્રુના સભ્ય આડમ્સે અત્યાર સુધી ૧૫ વખત ઈંગ્લિશ ચેનલ તરીને પાર કરી છે. ક્રુના અન્ય સભ્યોમાં સર્પેન્ટાઈન સ્વિમિંગ ક્લબની ડીએડરા વોર્ડ (બે વખત એક તરફ તેમજ એક વખત ઈંગ્લિશ ચેનલને ટુ-વે તરનારાં) અને ત્રણ વખત ચેનલ પાર કરનારા કેવિન બ્લિકનો પણ સમાવેશ થયો હતો. ગૌરવીની માતા શુભ અને પિતા અભિષેક સિંઘવી તેમજ કોચ મહેશ પાલિવાલ પણ બોટમાં હતાં.

ગૌરવીએ ૧૪ વર્ષની વયે મુંબઈના વર્લી કોલિવાડાની નજીક સી લિન્કથી ગેટવે ઓફ ઈન્ડિયા સુધીનું ૪૭ કિલોમીટરનું અંતર નવ કલાક અને ૨૩ મિનિટમાં પાર કર્યું હતું. તેને ત્યારે પણ ઈંગ્લિશ ચેનલ તરવા જવું હતું પરંતુ, આ માટે ૧૬ વર્ષ હોવાં જોઈએના નિયમના કારણે તે થઈ શક્યું ન હતું. ગૌરવીએ આ ઉનાળાના ઘણા મહિના સર્પેન્ટાઈન ક્લબ સાથે રોજ પાંચથી છ કલાક તરવાની પ્રેક્ટિસમાં ગાળ્યાં હતાં.

ઉદયપુરમાં ગૌરવીનાં દાદા ડો. મહેન્દ્ર સિંઘવી અને દાદી શ્રીમતી ઉષા સિંઘવીએ કોમ્પ્યુટરની ઓનલાઈન લિન્ક મારફત પૌત્રીના સાહસને ગર્વ સાથે નિહાળ્યું હતું. ઉષા સિંઘવીએ જણાવ્યું હતું કે ગૌરવીને બાળપણથી જ ઈંગ્લિશ ચેનલ તરવાનું સ્વપ્ન હતું. ગૌરવી ૩૮ માઈલનું અંતર કાપી પાછી ફરવા પણ માગતી હતી પરંતુ, તેને પરવાનગી મળી ન હતી.

સર્પેન્ટાઈન ક્લબનું કહેવું છે કે ગૌરવીની આ સફળતા પાછળ તેનો પ્રેરણાદાયી મહામંત્ર ‘સ્વપ્ન સેવો, સખત પરિશ્રમ કરો, પોતાનામાં વિશ્વાસ રાખો અને છેતરપિંડી ન કરો’ની મોટી ભૂમિકા છે. ગૌરવીની માતાએ પણ તેને સતત પ્રોત્સાહિત કરવામાં કોઈ કસર છોડી નથી. ૧૭ ડીગ્રી જેટલા નીચા તાપમાનના જળમાં ઈંગ્લિશ ચેનલ તરનારી ગૌરવી રાજસ્થાનની બીજી તરણવીર બની છે. અગાઉ, ૨૦૦૩માં ઉદયપુરની ભક્તિ શર્માએ આ સિદ્ધિ હાંસલ કરી હતી.


comments powered by Disqus