BAPS વાર્ષિક ચેરિટી ચેલેન્જ દ્વારા NSPCC અને અન્ય માટે ભંડોળ એકત્ર કરાયું

Wednesday 01st May 2019 06:16 EDT
 
 

તા.૨૮ એપ્રિલને રવિવારે યોજાયેલી BAPS એન્યુઅલ ચેરિટી ચેલેન્જમાં નોર્થ-વેસ્ટ લંડનના બાળકોથી માંડીને વડીલો સહિત ૧,૦૦૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો. કેટલાંક ઉમદા હેતુ અને લોકલ ચેરિટી માટે મનોરંજનની સાથે ફંડ એકત્ર કરવાના ઉદ્દેશથી BAPS સ્વામીનારાયણ સંસ્થા દ્વારા યોજાયેલી આ ચેલેન્જમાં સમગ્ર યુકેના ટાઉન અને શહેરોના લગભગ ૩,૦૦૦થી વધુ લોકો જોડાયા હતા. આ ફંડનો ઉપયોગ BAPS બાળકો, યુવાનો, પરિવારો અને વડીલોની સેવા માટેની અનેકવિધ શૈક્ષણિક, સામાજિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે કરાશે.

આ વર્ષની ચેરિટી ચેલેન્જ દ્વારા દ્રષ્ટિની ખામીવાળા એશિયનોને ટોકિંગ ન્યૂઝપેપર્સની સુવિધા પૂરી પાડતી કિરણ ટોકિંગ ન્યૂઝપેપર્સ અને જીવને જોખમરૂપ તેમજ લાંબાગાળાની બીમારીથી પીડાતું બાળક ધરાવતા પરિવારને મદદ પૂરી પાડતા રેઈનબો ટ્રસ્ટ નામની નોર્થ અને વેસ્ટ લંડનની બે ચેરિટીને તેમની વિશિષ્ટ કામગીરી બદલ સહાય અપાશે.

આ ઈવેન્ટ દ્વારા બાળકોને દુર્વ્યવહાર, ઉપેક્ષા અને હાનિ સામે રક્ષણ પૂરું પાડતી અને તેના માટે અભિયાન ચલાવતી યુકેની અગ્રણી તેમજ BAPSની નેશનલ ચેરિટી પાર્ટનર NSPCC (નેશનલ સોસાયટી ફોર ધ પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ ચીલ્ડ્રન)ને સહાય અપાશે.

NSPCC ના હેડ ઓફ ચાઈલ્ડ પ્રોટેક્શન અવેરનેસ ક્રિસ ક્લોક, મેયર ઓફ બ્રેન્ટ કાઉન્સિલર અર્શદ મેહમુદ, મેયર ઓફ હેરો કાઉન્સિલર કરીમા મારીકર, લીડર ઓફ ધ બ્રેન્ટ કાઉન્સિલ કાઉન્સિલર મુહમ્મદ બટ્ટ અને સાંસદ બોબ બ્લેકમેન તથા કેટલાંક મહાનુભાવોની ઉપસ્થિતીમાં સવારે ૯ વાગે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો.

ઉપસ્થિત લોકોને સંબોધતા ક્રિસ ક્લોકે બાળકોને સુરક્ષિત રાખવાની બાબતે BAPS અને NSPCC વચ્ચેની ભાગીદારી અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું, ‘અમે બાળકોને સલામત રાખવાની બાબતે પેરન્ટ્સ માટે વર્કશોપનું પણ આયોજન કરી રહ્યા છીએ.’

સાસંદ બોબ બ્લેકમેને સભાને સંબોધી હતી અને લંડન મેરેથોનના વિકલ્પ (BAPS એન્યુઅલ ચેરિટી ચેલેન્જ)ની વિગતો આપતા જણાવ્યું હતું કે તેમાં યુવાનો અને વડીલો સૌ ભાગ લઈ શકે છે.

ઉદઘાટન સમારોહ બાદ વોકર્સ, જોહર્સ અને રનર્સ ૧૦ કિ.મી.ની ચેલેન્જ પૂરી કરવા માટે મંદિરની સામે આવેલા ગીબન્સ રિક્રિએશન ગ્રાઉન્ડ પર પહોંચ્યા હતા. બાળકોએ દોડના માર્ગમાં આવતી વિવિધ મનોરંજન પ્રવૃત્તિઓમાં ભાગ લઈને મંદિરની આસપાસની સંખ્યાબંધ સર્કીટ પૂરી કરી હતી.

૯ વર્ષીય શ્રેયા પટેલે જણાવ્યું હતું,‘ મારા મિત્રો સાથે ચાલવાની મને ખૂબ મઝા આવી. ઘણાં બાળકો સાથે ચાલતા હતા અને બાળકોનું જીવન બહેતર બનાવતી ચેરિટી માટે નાણાં એકત્ર કરવા સૌ ઉત્સુક હતા.’

BAPSના અગ્રણી વોલન્ટિયર ડો. મયંક શાહે જણાવ્યું હતું,‘ એપ્રિલના ઠંડા હવામાનમાં પણ યુવાનો અને વડીલોનું સમર્પણ અને પ્રતિબદ્ધતા અદભૂત હતા.’


comments powered by Disqus