ઈરાન પર પ્રતિબંધોથી ભારત મુશ્કેલીમાં

Tuesday 30th April 2019 12:30 EDT
 

ઈરાન પર અમેરિકી પ્રતિબંધોના કારણે ભારત ફરી એક વખત મુશ્કેલીમાં મૂકાયું છે. અમેરિકાએ ઈરાન પાસેથી ઓઈલ નહિ ખરીદવા ભારત સહિતના દેશોને મનાઈ ફરમાવી છે. આમ તો, અમેરિકાએ ગયા વર્ષે નવેમ્બરમાં ઈરાનના ક્રૂડ ઓઈલની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ ઇરાન પાસેથી પેટ્રોલિયમ ખરીદીના વિકલ્પો શોધવા ભારત સહિતના દેશોને સમય આપ્યો હતો અને આ છૂટ બીજી મેએ પુરી થઇ રહી છે. આ પછી ઈરાન પાસેથી ઓઈલ ખરીદનારા દેશો પર પણ પ્રતિબંધો લાદવાની ધમકી અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ઉચ્ચારી છે. ઈરાને પણ વળતાં પગલાં તરીકે વિશ્વમાં ૩૦ ટકા ઓઈલની હેરફેર માટે મહત્વના જળમાર્ગ હોર્મુઝની ખાડી બંધ કરી દેવાની ધમકી આપી છે.
ઇરાન પાસેથી ઓઇલ ખરીદતા દેશોમાં ૩૫ ટકા હિસ્સા સાથે ચીન પ્રથમ ક્રમે છે. જ્યારે ભારત ૨૭ ટકા હિસ્સા સાથે બીજા ક્રમે છે. ભારતની ઊર્જા જરૂરિયાતોને પૂરી કરવા માટે ઇરાન ભારે મહત્ત્વ ધરાવે છે કારણ કે તે ભારતનું ત્રીજું સૌથી મોટું ઓઇલ સપ્લાયર છે. ઇરાન ભારતને પેટ્રોલિયમની આયાતમાં બાર્ટર સિસ્ટમ અને રૂપિયામાં ચૂકવણી જેવી છૂટછાટ પણ આપે છે ત્યારે ઇરાનથી ઓઇલની આયાત બંધ થતાં ભારતને ભારે નુકસાન થઇ શકે છે. ગયા વર્ષે ઇરાન સાથેનો પરમાણુ કરાર રદ કર્યા પછી અમેરિકાએ ઇરાન ઉપર આર્થિક પ્રતિબંધો લાગુ કર્યાં ત્યારે ભારતે અમેરિકાની ઉપરવટ જઇને ઇરાન પાસેથી ઓઈલ ખરીદવાનું ચાલુ રાખ્યા પછી અમેરિકાએ છેવટે ભારતને પ્રતિબંધોમાંથી છૂટ આપી હતી. અમેરિકાના આ નિર્ણયથી ભારત સહિત વિશ્વમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ભડકે બળવાનું જોખમ સર્જાયું છે.
પોતાના હિતોને જ સર્વોપરી માનતું અમેરિકા સ્વાર્થ સાધવા માટે જ મિત્રો બનાવે છે અને મિત્રતાની કિંમત પણ વસૂલે છે. અમેરિકાએ ભારતને યુરેનિયમની ખરીદી, યુએનની સિક્યુરિટી કાઉન્સિલમાં કાયમી સ્થાન અને છેલ્લે અઝહર મસૂદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રયાસોમાં સમર્થન આપ્યું છે અને હવે એ તેની કિંમત વસૂલી રહ્યું હોય તેમ દેખાય છે. અમેરિકા સાથેના સારાં સંબંધોમાં ભારતીય હિત સમાયેલું છે તેમાં શંકા નથી. આ સંબંધો દ્વિપક્ષીય વ્યાપાર ઉપરાંત, ભારતની આર્થિક, વૈજ્ઞાનિક, ટેકનિકલ અને વ્યૂહાત્મક તાકાતમાં વધારો કરે છે. ભારતનો અમેરિકા સાથે વ્યૂહાત્મક ભાગીદારીનો સંબંધ અવશ્ય છે, પરંતુ વિશ્વમાં અટુલા ન પડી જવાય તે માટે અન્ય દેશો સાથે પણ આવી વ્યૂહાત્મક ભાગીદારીનો સંબંધ જાળવવો આવશ્યક છે.
અમેરિકાનો ઇરાદો ઇરાનમાંથી થતી પેટ્રોલિયમ નિકાસ સાવ જ અટકાવવાનો છે, પરંતુ તેવું શક્ય નથી કેમ કે ઇરાન દ્વારા દૈનિક ૨૫ લાખ બેરલ ઓઈલની નિકાસ થાય છે. જો ઇરાનમાંથી ઓઇલ નિકાસ બંધ થાય તો તે ગાબડું સાઉદી અરેબિયા અને તેના સહયોગીઓ પણ પૂરી શકે તેમ નથી. હવે તો સાઉદી અરેબિયાએ પણ ક્રૂડ ઉત્પાદન વધારવા ઇનકાર કર્યો છે. વળી, ભારત ઈરાન સાથેના દ્વિપક્ષીય સંબંધો, રાજદ્વારી સમીકરણોને પણ નજરઅંદાજ કરી શકે તેમ નથી. ઇરાનથી ઓઈલ આયાત કરવા ઉપરાંત, ભારત તેના ઓઇલ પ્રોજેક્ટમાં સહયોગ આપે છે. ઇરાને ચાબહાર બંદરના વિકાસ અને ઉપયોગમાં ભાગીદારીની ભારતને તક આપી છે. ભારતની ગણતરી ચાબહાર પોર્ટ થકી અફઘાનિસ્તાન અને યુરોપીય દેશો સાથે વેપાર-વણજ વધારવાનો છે. ચીન અને પાકિસ્તાન દ્વારા વિકસિત ગ્વાદર (પાકિસ્તાન) પોર્ટની સામે ઇરાનમાં ભારત દ્વારા નિર્માણાધીન વ્યૂહાત્મક ચાબહાર પોર્ટ પ્રોજેક્ટ પર પ્રતિબંધોની કોઇ અસર નહિ થાય તેવું આશ્વાસન અત્યારે તો અમેરિકાએ આપ્યું છે. આમ હવે તો, અમેરિકા અને ઈરાન શું પગલાં લે છે તેની રાહ જ જોવી રહી. જોકે, ભારતને પ્રતિબંધમાંથી નવી છૂટ મળે તે માટે વાટાઘાટો ચાલી રહી છે ત્યારે કાળીડિબાંગ રાતમાં પ્રકાશનું એક કિરણ પણ દેખાય છે.


comments powered by Disqus