BAPSના વડા પૂ. મહંત સ્વામીની ૧૧ દિવસની યુએઈની મુલાકાત ખૂબ સફળ રહી હતી. અગાઉ, ૨૨મીએ પૂ. મહંત સ્વામીએ નિત્યક્રમ મુજબ પ્રાતઃપૂજા કરી હતી. જેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોએ લાભ લીધો હતો અને તેમના દર્શન કર્યા હતા. સાંજે પૂ. મહંત સ્વામીની નિશ્રામાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. તેની થીમ ‘સેલિબ્રેટિંગ હાર્મની’ હતી. તેમાં અબુધાબીમાં બનનારા મંદિર માટે વિશેષ મદદ કરી હોય અથવા કરવાના હોય તેવા ભક્તો-ભાવિકો, મહાનુભાવોનું પૂ.મહંત સ્વામીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ઈંગ્લિશ ચેનલ પાર કરનારા હર્ષદ મહેતાના પુત્ર વિહાન મહેતા સહિત સૌને પૂ.મહંત સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા. પ્રાસંગિક પ્રવચનમાં સૌએ પોતાની લાગણી રજૂ કરી હતી. આશીર્વચનમાં પૂ. મહંત સ્વામીએ કહ્યું,‘ હાર્મની અહીં પ્રત્યક્ષ દેખાય છે, કલ્પના કરવાની જરૂર નથી.
૨૩મીએ સાંજે ‘ધ વેલ્યુ ઓફ સર્વિસ’ થીમ હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં પધારેલા મહાનુભાવોનું સન્માન કરાયું હતું. ૨૪મીએ ‘વેલ્યુ ઓફ ફેઈથ’ થીમ હેઠળ સભા યોજાઈ હતી. ૨૫મીએ પૂ. મહંત સ્વામીએ દુબઈમાં ગુરુ નાનક દરબારની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે દર્શન કર્યા હતા. આ શીખ ગુરુદ્વારાની સામે જ છ ક્રિશ્ચિયન ચર્ચ આવેલા છે. તેના પાદરીને ખબર પડતાં તેઓ તરત જ પૂ. મહંત સ્વામીને મળવા આવ્યા. યોગાનુયોગ એક આરબ અધિકારી પણ ત્યાં આવી ગયા અને તેમને મળ્યા અને પૂ. મહંત સ્વામીના મુખમાંથી શબ્દો સરી પડ્યા,‘ આ હાર્મની (સમરસતા) છે.’
૨૫મીએ ‘ધ વેલ્યુ ઓફ હ્યુમિલીટી’ થીમ હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. ૨૬મીએ સવારે ‘એસેમ્બલી ઓફ ગ્રેટિટ્યુડ‘ થીમ હેઠળ સભા યોજાઈ હતી. તેમાં યુએઈના શાસકો અને અધિકારીઓનો અને ખાસ કરીને સ્વયંસેવકોનો આભાર માનવામાં આવ્યો હતો. પૂ. મહંત સ્વામીએ કહ્યું,‘ હજુ તો મંદિર બનવાનું છે પણ તે પહેલા આપણને મંદિર દેખાય છે. મંદિર થશે ત્યારે તો શું થશે?
પૂ. મહંત સ્વામી ૨૯ એપ્રિલને સોમવારે અમદાવાદ પરત પહોંચ્યા હતા.

