મહુવાઃ બારડોલીના વહુ અને ઉકા તરસાડીઆ યુનિવર્સિટી (યુટીયુ)ના માનદ્ પ્રાધ્યાપિકા ડો. રોઝી પટેલે રાજધાની દિલ્હીમાં યોજાયેલી મિસિસ ઇંડિયા ૨૦૧૯ બ્યૂટી કોન્ટેસ્ટમાં બ્યૂટી વીથ બ્રેઇનનો તાજ જીતીને ગુજરાતના ગૌરવમાં એક છોગું ઉમેર્યું છે.
પાટનગરમાં ૧૮થી ૨૦ એપ્રિલ દરમિયાન યોજાયેલા કોન્ટેસ્ટના ગ્રાન્ડ ફિનાલેમાં ડો. રોઝીએ ગુલાબી રંગનાં વસ્ત્રો સાથે રેમ્પ વોક કર્યું હતું. આ પછી ટોપ-ફાઇવમાં સ્થાન મેળવીને એક્ટર કૃણાલ કપૂર, એકટ્રેસ મહિમા ચૌધરી, મ્યુઝિશ્યન સમીર નસવાલાના પ્રશ્નોના ઝડપી અને તર્કબદ્ધ જવાબ આપીને જ્યુરી મેમ્બર્સ ઉપરાંત સાથી સ્પર્ધકો અને દર્શકોના દિલ જીતી લીધા હતા. ડો. રોઝીને તેમના સરળ, સૌમ્ય વ્યક્તિત્વ અને વિચક્ષણતા માટે બ્યૂટી વીથ બ્રેઈનનો ખિતાબ એનાયત થયો હતો.
ગુજરાતની સ્ત્રીશક્તિનું પ્રતિબિંબ એવા ડો. રોઝી પટેલની તાજપોશી સમગ્ર ગુજરાતની નારીઓ માટે પ્રતિષ્ઠા અને પ્રેરણાની વાત છે. વિજેતા ઘોષિત થયા બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે સ્ત્રીઓને પોતાનામાં રહેલી શક્તિ ઓળખીને તેને બહાર લાવવા માટે અનુરોધ કર્યો હતો. ડો. રોઝી પટેલે આ ખિતાબ પરિવારજનોને સમર્પિત કરતા સ્વીકાર્યું હતું કે સ્પર્ધામાં ભાગ લેવા માટે તેના પરિવારજનો તેમજ યુનિવર્સિટી દ્વારા જબરદસ્ત સમર્થન મળ્યું હતું.
ડો. રોઝીએ કહ્યું હતું કે દરેક સ્ત્રી તેમની પ્રેરણાસ્ત્રોત છે અને દરેક બાળક તેમના માટે આશાનું રૂપ છે. સુંદરતાની સાથોસાથ ઉચ્ચ બૌદ્ધિક્તાનો સમન્વય ધરાવતા ડો. રોઝી પટેલ શિક્ષણ, સમાજ અને કળા પ્રત્યે વિશેષ લગાવ ધરાવે છે. હાલ તેઓ શિક્ષણને મજબૂત બનાવવા માટે ઉકા તરસાડીઆ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક પ્રશિક્ષણ કેન્દ્ર ચલાવે છે. તેમણે ગુજરાત રાજ્યના ઇ-ગવર્નન્સનો ઊંડો અભ્યાસ કરીને પીએચ.ડી.ની પદવી મેળવી છે.
સામાજિક સેવક અને યોગ પ્રશિક્ષક
ડો. રોઝી પટેલના બારડોલી ખાતે આવેલા લીલાછમ ઘરમાં દરેક પક્ષી, પશુ અને પ્રાણી માટે સ્થાન છે. તેમનો જીવન મંત્ર છે કે મારો દિવસ તો જ આથમી શકે જો મારા ઘરની આસપાસમાં વસતાં દરેક જીવને ખોરાક, પાણી અને આરામ મળી રહ્યો હોવાની ખાતરી થઈ શકે. આજની ઘડીએ પણ તેમના ઘરે નવ પશુઓનું પ્રેમથી જતન થાય છે. આ ઉપરાંત તેઓ એક પ્રખર ભાષાવિદ્, ઓલ ઇંડિયા રેડિયો (એઆઇઆર)ના ઉદઘોષિકા, લેખિકા,
યોગ પ્રશિક્ષક તેમજ સામાજિક કાર્યકર્તા તરીકે સક્રિય છે.

