આ દેશમાં રામરાજ્ય તો છે જ પણ એ રામ રાજ્ય માણસને ભોગવતા આવડવું જોઈએ. આ લેખમાં એક બહેને લાઈબ્રેરીમાં વૃદ્ધ દંપતિની વાત સાંભળી આપણે ઓશિયાળા કેમ ? આ બાબત પર ચર્ચા કરી છે. આ દેશમાં પોતાના હક્ક પ્રમાણે બધાને પેન્શન મળતું હોય છે. મારા ધારવા પ્રમાણે કોઈ પણ પેન્શનરને વીકનું ઓછામાં ઓછું ૧૫૦ પાઉન્ડ પેન્શન મળતું હોય છે. વૃદ્ધ માતાપિતા ઘણાં વર્ષોથી ઈંગ્લેન્ડમાં રહેતા હોય તો તેમની પાસે પોતાનું મકાન હોય અને તે પણ ફ્રી થઈ ગયેલું હોય તો તે ૧૫૦ પાઉન્ડમાંથી આરામથી જીંદગી વીતાવી શકે. પણ કંજૂસ માણસો એ ૧૫૦ પાઉન્ડમાંથી વીકના ૨૦ પાઉન્ડ પણ વાપરતા હોતા નથી અને દીકરા-વહુઓ સામે લાચાર બનીને રહે છે. માતા-પિતાને દીકરા વહુ સાથે ફાવતું ન હોય તો વૃદ્ધાશ્રમમાં રહેવાની સગવડ છે. પરંતુ, એમને સમાજનો, સગાંવહાલાનો અને પરિવારનો ડર લાગે છે. એમાં કોઈનો ડર રાખ્યા વિના વૃદ્ધાશ્રમમાં રહેવા જતા રહેવું જોઈએ.
બીજી વાત એ છે કે બહેને લાઈબ્રેરીમાં વૃદ્ધ દંપતિની વાત સાંભળી. આપણે એમનો કે વહુનો વાંક કાઢી ન શકીએ. એ તો સો ટકા સાચી હકીકત શું છે તે જાણ્યા પછી ખબર પડે. આ દુનિયામાં બધાને પૈસા વહાલા છે. પણ અમુક વૃદ્ધ માતા-પિતા પૈસા ખર્ચતા નથી અને ઓશિયાળા થઈને રહે છે, એમાં વાંક કોનો ? રામરાજ્યનો કે આપણો ?
બીજું, તા.૧૩.૪.૧૯ના ગુજરાત સમાચારમાં મારે પણ કંઈક કહેવું છે કોલમમાં લેસ્ટરના મુકુન્દ આર સામાણીએ ‘પૈસાના અભાવે સંતાનોને સજા’ લેખ લખ્યો છે. અમુક પૈસાદાર માતાપિતાને પૈસાનું ખૂબ અભિમાન હોય છે. તે પૈસાથી પોતાના દીકરા-દીકરીને દબાણમાં રાખે છે. તેઓ મોટા થયા પછી માતા પિતાના લાચાર બને છે અને માતાપિતા પોતાના દીકરા-દીકરીની જીંદગી બરબાદ કરી નાખે છે.
બીજી બાજુ એવું પણ બને છે કે પોતાના માબાપના પૈસાને ઠોકરે મારીને પોતાના પગ પર ઉભા રહીને જીંદગી જીવે એવા દીકરા-દીકરી પણ હોય છે.
મારા મત મુજબ તો જેમના માતાપિતા પૈસાદાર હોય અને તેમને દબાણમાં રાખવા માગતા હોય તો તેમણે પોતાની મહેનતથી આગળ વધવું જોઈએ અને માબાપને કહેવું જોઈએ કે તમારા પૈસાની અમારે જરૂર નથી.
