વિશ્વભરમાં ભારત, અમેરિકા, બ્રિટન, ચીન, રશિયા, ન્યૂ ઝીલેન્ડ સહિતના દેશોએ અનેક ચહેરા સાથે આતંકવાદનું વરવું સ્વરૂપ અનુભવ્યું છે. છેલ્લે ભારતના પડોશી શ્રીલંકામાં પણ ઈસ્ટર સન્ડેના દિવસે ત્રણ ચર્ચ અને ત્રણ ફાઇવ સ્ટાર હોટલ સહિત આઠ સ્થળોએ બોમ્બ બ્લાસ્ટમાં ૨૫૩થી વધારે નાગરિકોનાં મૃત્યુ થયાં છે. વિસ્ફોટો કરવા ઇસ્ટરનો તહેવાર પસંદ કરાયો અને દેવળોને નિશાન બનાવાયાં એ જોઈએ તો આ હુમલા પાછળ ઇસ્લામિક સ્ટેટ (ISIS-આઈએસ) અને અલ કાયદા સાથે સંકળાયેલું સંગઠન હોવાના અનુમાનો સાચાં છે. ન્યૂ ઝીલેન્ડના ક્રાઇસ્ટ ચર્ચની મસ્જિદમાં હુમલાનો બદલો લેવા શ્રીલંકાના ચર્ચમાં હુમલા કરાવ્યાની જવાબદારી કટ્ટર ઇસ્લામિક વિચારધારાને વરેલાં કુખ્યાત આતંકવાદી સંગઠન આઈએસએ સ્વીકારી છે. શ્રીલંકા સરકારનું માનીએ તો દેશના જ અન્ય આતંકવાદી સંગઠન નેશનલ તૌહિત જમાત (NTJ)નો તેને સાથ મળ્યો છે. ધ લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ એલમ (LTTE)ના લગભગ ૩૦ વર્ષના લોહિયાળ સંઘર્ષ બાદ સ્થપાયેલી શાંતિ પછી હવે શ્રીલંકાનું વાતાવરણ ફરી ડહોળાયું છે. ઇસ્ટર સન્ડે સીરિયલ બ્લાસ્ટ પછી પણ થયેલા વિસ્ફોટ સ્પષ્ટ કરે છે કે પરિસ્થિતિ હજુ સુધરી નથી.
કોઈ પ્રકારની આતંકવાદી યોજના રાતોરાત ઘડાતી નથી. હકીકતમાં થોડા સમય અગાઉ જ વિદેશી ગુપ્તચર એજન્સીઓએ પણ નેશનલ તૌહિત જમાત સંગઠન શ્રીલંકામાં હુમલા કરશે તેવી ચેતવણી આપી હતી. ભારતીય ગુપ્તચર એજન્સીઓ અને ગુજરાત એટીએસ દ્વારા પણ આ માહિતી શ્રીલંકાને અપાઈ હતી.શ્રીલંકાની સરકારે ચેતવણીને ગંભીરતાથી ન લીધી તેનું પરિણામ નજર સમક્ષ છે. શ્રીલંકાના વરિષ્ઠ પ્રધાન રજિત સેનારત્નેએ ખુલાસો કર્યો છે કે આતંરરાષ્ટ્રીય ગુપ્તચર એજન્સીઓએ આપેલી હુમલાની ચેતવણી વડા પ્રધાન રનિલ વિક્રમાસિંઘે સુધી પહોંચી શકી નહિ. વડા પ્રધાને પણ કહ્યું છે કે પોલીસને સંભવિત હુમલાઓ અંગે જાણકારી હતી, પરંતુ કેબિનેટને માહિતી અપાઈ નહિ. જો આ સાચું હોય તો ગંભીર બાબત છે. અન્ય મહત્ત્વની બાબત એ છે કે શ્રીલંકામાં શ્રેણીબદ્ધ આત્મઘાતી હુમલામાં ગુજરાત કનેક્શન પણ બહાર આવ્યું છે. બે વર્ષ અગાઉ ઘડાયેલા શ્રીલંકા બ્લાસ્ટના પ્લાનમાં ગુજરાતમાંથી ઝડપાયેલા ઈસ્લામિક સ્ટેટના બે આતંકવાદી સામેલ હોવાનું જાણવા મળ્યું હતું. શ્રીલંકાના વડા પ્રધાને પણ એ વાતે અફસોસ વ્યક્ત કર્યો છે કે ભારતે ગુપ્તચર ઇનપુટ આપ્યા હોવા છતાં શ્રીલંકા હુમલો રોકી શકયું નહિ. હવે તો ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળાં મારવાં જેવી હાલત છે, દરોડા પડી રહ્યાં છે, ધરપકડો થાય છે અને વિસ્ફોટક શસ્ત્રસરંજામ મળી રહ્યો છે. એક સાથે ૮૯ બોમ્બ મળી આવતા આતંકીઓનું નિશાન માત્ર કોલંબો જ નહિ, અન્ય શહેરો પણ હોઈ શકે તે સ્પષ્ટ થયું છે.
શ્રીલંકામાં તમિળ રાજ્યની સ્થાપના માટે LTTE દ્વારા સંઘર્ષ (૧૯૭૬-૨૦૦૯)માં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા. શ્રીલંકામાં અલાયદા મુસ્લિમ રાજ્યની માગણી થતી રહી છે, જેના કારણે બૌદ્ધ અને મુસ્લિમો વચ્ચે વર્ગવિગ્રહ શરૂ થયો હતો. વિશ્વભરમાં ઈસ્લામવાદી વિચારધારાતરફી કટ્ટર અભિયાન ચાલે છે તેમાં સાઉદી અરેબિયા પાસેથી ભરપૂર નાણાં મળી રહે છે તે જગજાહેર છે. શ્રીલંકાના આતંકી વિસ્ફોટોમાં પણ ત્યાંનો શ્રીમંત પરિવાર સંકળાયેલો છે. લક્ઝરી હોટલ શાંગરી-લા અને સિનેમન ગ્રાન્ડમાં બ્લાસ્ટ કરનારા બે ઉદ્યોગપતિ ભાઇ ઇન્સાફ અને ઇલ્હામ ઇબ્રાહિમ છે. શ્રીલંકાના શ્રીમંત પરિવારોના સંતાનો પણ ઇસ્લામિક સ્ટેટમાં સામેલ થાય છે. ઇસ્લામિક સ્ટેટનો વ્યાપ ઈરાક, સીરિયા કે લેબેનોન પૂરતો રહ્યો નથી. છેલ્લા ઘણાં સમયથી યુરોપના દેશોમાં આતંકવાદી હુમલાનું પ્રમાણ વધ્યું છે, જેની પાછળ ઇસ્લામિક સ્ટેટનો હાથ છે. ઇસ્લામિક સ્ટેટ અને અલ કાયદા સહિતના આતંકવાદી સંગઠનો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સહિત દક્ષિણ એશિયામાં જાળ ફેલાવી રહ્યાં છે. આ ચિંતાનો મુદ્દો છે, ચેતવણીનો સંકેત છે.
