સની દેઓલ ભાજપમાં જોડાતા જ ગુરદાસપુરની ટિકિટ મળી

Wednesday 01st May 2019 07:15 EDT
 
 

બોલિવૂડના લોકપ્રિય અભિનેતા સની દેઓલ ૨૩મીએ ભાજપમાં જોડાઈ ગયા હતા. તેમણે સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન અને ભાજપ નેતા પીયૂષ ગોયલની હાજરીમાં ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો હતો. ભાજપમાં જોડાયાના થોડા જ સમયમાં સની દેઓલને ગુરદાસપુરની બેઠકની ટિકિટ આપવામાં આવી હતી. સની દેઓલની સાથે ભાજપે ચંદીગઢ બેઠક પર હાલના સાંસદ કિરણ ખેરને રિપિટ કર્યાં છે. હેમા માલિની હાલ મથુરાથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી
રહ્યા છે.
પિતા અટલજી સાથે અને હું મોદી સાથે સની દેઓલે ભાજપનું સભ્યપદ સ્વીકાર્યા પછી કહ્યું હતું કે, મારા પિતા અટલજી સાથે જોડાયા હતા જ્યારે હું નરેન્દ્ર મોદી સાથે જોડાવા આવ્યો છું. હું આગામી ૫ વર્ષ મોદીને વડા પ્રધાન તરીકે જોવા માગું છું.
ઉલ્લેખનીય છે કે, ભાજપે ગુરુદાસપુર લોકસભા બેઠક પરથી સન્ની દેઓલને ઉમેદવાર બનાવવાની જાહેરાત કર્યાં પછી ગુરુદાસપુરથી ચાર વખત સાંસદ તરીકે ચૂંટાયેલા દિવંગત અભિનેતા વિનોદ ખન્નાનાં પત્ની કવિતા નારાજ થયાં હતાં.
ભાજપની ટિકિટની રાહ જોતાં અને ગુરુદાસપુર બેઠક પરથી ચૂંટણી લડવા ઇચ્છુક કવિતા ખન્નાએ કહ્યું હતું કે, અભિનેતા સન્ની દેઓલને ગુરુદાસપુર બેઠકથી ટિકિટ મળવાથી તેઓ તેમની સાથે ‘છેતરપિંડી’ થઈ હોવાનો અનુભવ કરી રહ્યાં છે. કવિતાએ કહ્યું કે, તેઓ હવે અપક્ષ ચૂંટણી લડવા સહિતના અન્ય વિકલ્પો પર પણ વિચારણા કરે છે.


comments powered by Disqus