અભિનેતા પટકથાકાર કાદર ખાનનું નિધન

Thursday 03rd January 2019 08:31 EST
 
 

બોલિવૂડના પીઢ અભિનેતા અને ફિલ્મ પટકથા લેખક કાદર ખાનને શ્વાસ લેવા સંબંધી તકલીફ ઊભી થતાં કેનેડામાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ૮૧ વર્ષના હતા. તેમને શ્વાસની તકલીફ વધતાં તબીબોએ રેગ્યુલર વેન્ટિલેટરમાંથી બાઈવેવ વેન્ટિલેટર તરફ ખસેડયા હતા, પણ મેડિકલ ટ્રીટમેન્ટ તેમને બચાવી શકી નહોતી. મહાનાયક અમિતાભ બચ્ચન સહિત અન્ય કલાકારોએ સોશિયલ મીડિયા પર કાદર ખાનના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના પણ કરી હતી. જોકે તેઓનું ૩૧ ડિસેમ્બરની રાત્રે કેનેડામાં અવસાન થયું હતું.
કાદર ખાનનો જન્મ અફઘાનિસ્તાનના કાબૂલમાં થયો હતો. તેમનો પરિવાર મુંબઈ આવીને વસી ગયો હતો. અહીં કાદર ખાને સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને પ્રોફેસર બન્યા હતા. પ્રોફેસર હોવા સાથે તેઓ નાટકો માટે પટકથા લખતા થયા હતા. તેમણે આશરે ૨૦૦ જેટલી ફિલ્મો લખી અને ૩૦૦ ફિલ્મોમાં એક્ટિંગ કરી હતી.
રાજેશ ખન્નાએ તેમને ‘જવાની દીવાની’ ફિલ્મ માટે લેખક તરીકે બ્રેક આપ્યો હતો. ૧૯૭૩માં તેમને ફિલ્મ ‘દાગ’થી અભિનયની તક મળી હતી. તેમને ‘ધરમવીર’, ‘કુલી’, ‘હિંમતવાલા’, ‘મુકદર કા સિકંદર’, ‘અમર-અકબર-એન્થની’, ‘અગ્નિપથ’ જેવી ફિલ્મોના સંવાદ અથવા પટકથા લખી હતી. એંશીના દાયકામાં કાદર ખાને વિલન, ચરિત્ર અભિનેતા, ડાયલોગ રાઈટર અને પટકથાકાર તરીકે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સિક્કો જમાવ્યો હતો.
૯૦ના દાયકામાં કાદર ખાન – ગોવિંદાની જોડી કોમેડીની ઓલ ટાઇમ આઇકોનિક જોડી બનીને બહાર આવી હતી. બન્ને સાથે મળી ‘દુલ્હે રાજા’, ‘કુલી નંબર વન’, ‘આંખે’, ‘રાજા બાબુ’ જેવી ફિલ્મો સાથે કરી હતી. કાદર ખાનને ૯ વાર બેસ્ટ કોમેડિયનનો ફિલ્મ ફેર મળ્યો હતો.


comments powered by Disqus