મિથુન ચક્રવર્તીને ઓળખ આપનારા મૃણાલ સેનની ચિરવિદાય

Friday 04th January 2019 08:30 EST
 
 

ફિલ્મોમાં સમાજનું પ્રતિબિંબ પ્રદર્શિત કરનારા અને બોલિવૂડને મિથુન ચક્રવર્તી જેવા અભિનેતા આપનારા દિગ્ગજ ફિલ્મ નિર્માતા - નિર્દેશક મૃણાલ સેનનું ૩૦મીએ નિધન થયું હતું. દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત પ્રખ્યાત નિર્દેશક મૃણાલ સેન ૯૫ વર્ષના હતા. ‘નીલ આકાશેર નીચે’, ‘ભુવન શોમ’, ‘ખંડહર’, ‘પ્રતિનિધિ’, ‘મૃગયા’ જેવી ફિલ્મોથી ઓળખ મેળવનારા સેનને પદ્મભૂષણ સન્માન મળ્યું હતું. વર્ષ ૨૦૦૦માં તેમને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને ઓર્ડર ઓફ ફ્રેન્ડશિપ સન્માનથી સમ્માનિત કર્યાં હતાં. ૨૦૦૫માં તેમને ‘દાદા સાહેબ ફાળકે’ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. મૃણાલ સેનની વિદાયથી બોલિવૂડ જગતે દુઃખ વ્યક્ત કર્યું હતું. અમિતાભ બચ્ચન સહિતના કલાકારોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
મૃણાલ સેનના પરિવારના એક સભ્યએ કહ્યું હતું કે, ઉંમરને લગતી બીમારીઓના કારણે રવિવારે સવારે સાડા દસ વાગ્યે અવસાન થયું હતું. રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત મૃણાલ સેનને સમાજના સત્યને રૂપેરી પડદે કલાત્મક ચિત્રણ કરવાથી ઓળખ મળી હતી. ૮૦ વર્ષની ઉંમરે ૨૦૦૨માં તેમણે પોતાની છેલ્લી ફિલ્મ ‘આમાર ભુવન’ બનાવી હતી. ‘મૃગયા’ ફિલ્મમાં પહેલી વખત મિથુન ચક્રવર્તીએ અભિનય કર્યો હતો.


comments powered by Disqus