જગત જમાદાર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આખા વિશ્વમાં અને ખાસ કરીને ભારત અને યુદ્ધઘેલા પાકિસ્તાન વચ્ચે શાંતિની સ્થાપના કરાવીને નોબેલ પ્રાઈઝ અંકે કરી લેવાના અભરખા સેવે છે, પરંતુ ઘરઆંગણે જ નવી અશાંતિની આફતમાં ફસાઈ ગયા છે. અમેરિકી કોંગ્રેસે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે અમેરિકાના બંધારણનું ઉલ્લંઘન કરવાના આક્ષેપસર તેમના વિરુદ્ધ મહાભિયોગ - ઈમ્પીચમેન્ટની કાર્યવાહી આરંભી છે. અમેરિકાના બંધારણ અનુસાર હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બહુમતીથી પ્રમુખ વિરુદ્ધ મહાભિયોગ પ્રક્રિયા શરૂ કરી શકાય છે. જો મહાભિયોગની કાર્યવાહી સુપેરે પૂર્ણ થાય તો ટ્રમ્પને બદનામી સાથે સત્તા છોડવાનો વારો આવશે અથવા ૨૦૨૦ની ચૂંટણીમાં તેમના વિજયની મહેચ્છા ધૂળમાં મળી જશે. પોતાના રાજનીતિક પ્રતિસ્પર્ધી જો બીડેનની કારકીર્દિને ખતમ કરી નાખવા માટે વિદેશી મદદ હાંસલ કર્યાનો પ્રમુખ ટ્રમ્પ સામે આરોપ છે. મતલબ કે તેમણે ચૂંટણી જીતવા માટે બહારના દેશોની મદદ મેળવી છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ ઉપ પ્રમુખ જો બીડેન અમેરિકામાં ૨૦૨૦ની પ્રમુખપદની ચૂંટણીમાં ટ્રમ્પને ટક્કર આપી શકે તેમ છે.
અમેરિકી કોંગ્રેસના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર નેન્સી પેલોસીએ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ પર દેશને છેતરવાનો આરોપ લગાવ્યો છે. આરોપોની તપાસ હાઉસની કમિટી દ્વારા કરાશે અને ટ્રમ્પે બંધારણીય જવાબદારીનું ઉલ્લંઘન કર્યું છે કે નથી કર્યું તેના અહેવાલના આધારે પ્રમુખ વિરુદ્ધ કાર્યવાહી મુદ્દે મતદાન કરાશે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ડેમોક્રેટ્સનું સંખ્યાબળ વધુ હોવાથી તે ગૃહમાં ઈમ્પીચમેન્ટની વૈતરણી પાર કરી જશે તેમાં શંકા નથી, પરંતુ સેનેટમાં રિપબ્લિકન્સની સંખ્યા વધારે છે અને આરોપ પસાર કરાવવા માટે બે તૃતિયાંશ બહુમતની જરૂર રહે છે.
ડેમોક્રેટ્સનો આરોપ છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના નવા ચૂંટાયેલા પ્રમુખ વોલોદીમીર ઝેલેન્સ્કીને પૂર્વ ડેમોક્રેટિક ઉપપ્રમુખ જો બીડેન અને તેમના પુત્ર હંટર વિરુદ્ધ બિઝનેસમાં ભ્રષ્ટાચારની તપાસ શરૂ કરવા દબાણ કર્યું હતું અને જો તેમ ન કરાય તો યુક્રેનને મળતી આર્થિક મદદ અટકાવવા તેમજ સૈન્ય કાર્યવાહીની ધમકી પણ આપી હતી. દેખીતું છે કે ટ્રમ્પ પોતાના ઉપર લાગેલા આરોપોને સ્વીકારશે નહિ. જોકે, તેમણે યુક્રેનના પ્રમુખ સાથે વાતચીત કરી હોવાનું તો સ્વીકાર્યું છે.
એમ કહેવાય છે કે અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઇએના અધિકારીએ જ આ ભંડાફોડ કર્યો અને અને તેણે વાતચીતનું ટેપિંગ આપવા પણ જણાવ્યું હતું. ભારે દબાણના પગલે વ્હાઈટ હાઉસે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી સાથે ટ્રમ્પની ૨૫ જુલાઈની વાતચીતની સમરી જાહેર કરવી પડી છે, જેમાં અમેરિકી પ્રમુખે ઝેલેન્સ્કીને ડેમોક્રેટિક પ્રતિસ્પર્ધી બીડેનની તપાસ કરવા કહ્યું હોવાનું જણાવાયું છે.
૨૦૧૬ની પ્રમુખપદની ચૂંટણીમાં પણ તેમના વિજય સામે પ્રશ્નાર્થ ઉભો થયો હતો. જોકે, યુક્રેનના પ્રમુખ સાથે વાતચીતની ટ્રાન્સ્ક્રીપ્ટ્સ જાહેર કરાયા પછી રશિયાને પુતિન અને ટ્રમ્પની વાતચીત જાહેર ન કરવા અપીલ કરવી પડી છે. રશિયાની દલીલ છે કે લોકશાહી રીતે ચૂંટાયેલા બે દેશના વડાઓ વચ્ચેની રાજદ્વારી વાતચીતને જાહેર કરાવી ન જોઈએ. એ તો હકીકત છે કે આવી વાતો જાહેર થાય તો ઘણા રહસ્યો બહાર આવી શકે છે.
ટ્રમ્પ માટે તો લેને ગઈ પૂત ઔર ખો આઈ ખસમ જેવો ઘાટ થયો છે. પહેલા ઉત્તર કોરિયાના સરમુખ્યતાર શાસક કિમ જોંગ ઉન સાથે શાંતિની પહેલનો હાથ લંબાવ્યો ત્યારે પણ નોબેલ પ્રાઈઝ મેળવવાનો જ અભરખો હતો. જોકે, કિમે મિસાઈલોના પરીક્ષણોથી તેને ધૂળમાં મેળવી દીધો, ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થીની ઘેલછા પણ માથે પડી પડી છે અને હવે ઈમ્પીચમેન્ટની કાર્યવાહી આવી પડી છે. ટ્રમ્પ હવે શું કરું તો નોબેલ પ્રાઈઝ મળે તેની વિમાસણમાં છે.