BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ કેન્યાના નૈરોબી ખાતે બિરાજમાન છે. તેમની નિશ્રામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજા અને સાયંસભામાં હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને તેમના દર્શન અને આશીર્વાદનો લાભ લઈ રહ્યા છે. ૨૪મીને મંગળવારે પ્રમુખ સ્વામી શતાબ્દિ દિનની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં પ્રમુખ સ્વામી શતાબ્દિ મહોત્સવની ઉજવણી થઈ રહી હોય તેવું દ્રશ્ય સંવાદરૂપે ભજવાયું હતું. તેમાં પૂ. પ્રમુખ સ્વામીના વિવિધ ગુણોનું ગાન કરાયું હતું. આશીર્વચનમાં પૂ. મહંત સ્વામીએ હરિભક્તોને કહ્યું, ‘પ્રમુખ સ્વામીના એક સેકંડના દર્શન પણ આપણને તૃપ્તિ પમાડે. એમનું જીવ જ પરોપકાર હતું.’ ૨૬મી અને ૨૭મીએ વચનામૃત દ્વિશતાબ્દિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તે નિમિત્તે ગ્રંથ પાલખી યાત્રા યોજાઈ હતી અને વચનામૃતની હસ્તલિખિત પ્રતોની અને હરિકૃષ્ણ મહારાજની તુલા વિધિ કરવામાં આવી હતી. વધુમાં, વચનામૃતના આધારે ‘સદપુરુષનો મહિમા’ વિષય પર સંવાદની પ્રસ્તુતિ થઈ હતી. ૨૮મીએ બાળદિનની ઉજવણી કરવામાં આવી હતી. સવારની સભામાં બાળકોએ કીર્તનો રજૂ કર્યા હતા. બાળકોએ ‘બ્રહ્મવિદ્યાની કોલેજ’ વિષય પર સંવાદ ભજવ્યો હતો. ૨૯મીએ ઘરસભા દિન ઉજવાયો હતો. પ.પૂ. પ્રમુખસ્વામીએ હરિભક્તોને આજ્ઞા કરેલી છે કે ઘરના સભ્યો ભેગા થઈને સભા કરે તો ઘરના ઘણાં પ્રશ્રો હલ થઈ જાય. કાર્યક્રમમાં ઘરસભાના મહત્ત્વને દર્શાવતો સંવાદ ભજવાયો હતો. બાદમાં ઘરસભા અંગે પૂ. મહંત સ્વામી સાથે પ્રશ્રોત્તરી પણ થઈ હતી. પૂ. મહંત સ્વામીએ હરિભક્તોના પ્રશ્રોનું નિરાકરણ કર્યું હતું. તેમણે કહ્યું હતું, ‘ખરેખર મહિમા હોય તો ઘરસભા ભરાય જ. ઘરસભા કરવી એ તો ગુરુની આજ્ઞા છે.’