રૂઢિચુસ્ત ઇસ્લામિક સલ્તનત સાઉદી અરેબિયામાં મહિલાઓ માટે જાહેરમાં સમગ્ર શરીરને ઢાંકતો કાળા રંગનો બુરખો પહેરવાનો રિવાજ છે અને તેને ધર્મનિષ્ઠાના પ્રતીક તરીકે જોવાય છે. સાઉદી અરબમાં મહિલાઓ ઉપરનાં નિયંત્રણો અને ભેદભાવ એકથી વધુ વખત માટે દુનિયામાં ચર્ચાનો વિષય બનેલા છે. ત્યારે અત્યારે ટ્વિટર ઉપર સાઉદીની બુરખા વગરની મહિલા અલ ઝાલુદની તસવીરો ભારે સનસનાટી મચાવી રહી છે. ઝાલુદ સહિત કેટલીક કેટલીક મહિલાઓ મુસ્લિમ પરિધાન અબાયા સામે જંગે ચઢી છે અને પશ્ચાદ પરિવેશનાં ટ્રાઉઝર અને જેકેટ પહેરીને મોલની બહાર ફરતી દેખાય છે. મનાહેલ અલ ઓતૈબી નામક એક સામાજિક કાર્યકર પણ બુરખો છોડીને પશ્ચિમી વસ્ત્રોમાં રસ્તાઓ ઉપર ફરતી દેખાય છે. અબાયા એટલે હિજાબ સામે અહીં મહિલાઓનો વિરોધ અવાજ ઉઠ્યો હોય તેવું પહેલીવાર નથી બન્યું.
તમને શું તકલીફ છે?
રિયાધના રસ્તા અને મોલમાં કેટલીક મહિલાઓ જીન્સ અને ટોપ પહેરીને ફરતી નજરે પડે છે, પણ તેમને લોકો કંઈક વિચિત્ર રીતે જુએ છે. તેમને નારાજગીનો સામનો પણ કરવો પડે છે. કેટલાકે તો તેમને આવો ડ્રેસ જોઈને પોલીસને બોલાવવાની ધમકી પણ આપી. અહીં કાળા રંગના પરંપરાગત બુરખા પહેરવાનું ચલણ છે અને તેને મહિલાઓની પવિત્રતાની રીતે જોવામાં આવે છે. હકીકતમાં સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને થોડાક દિવસ અગાઉ એક ટીવી ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મહિલાઓને ડ્રેસકોડમાં છૂટ અપાશે. આ પોશાક ઇસ્લામમાં અનિવાર્ય નથી, પરંતુ ત્યાર પછી કોઈ ઔપચારિક નિયમ બનાવાયો ન હોવાનું કહેવાય છે. જોકે પ્રિન્સે આટલું કહેતાં જ ઘણી મહિલાઓએ બુરખા પહેરવાનું બંધ કરી દીધું છે. ૩૩ વર્ષની એચઆર તજજ્ઞ મશાલ અલ ઝાલુદ મોલમાં ટ્રાઉઝર અને નારંગી ટોપમાં ફરતી દેખાઈ ત્યારે ભીડમાંથી ઘણા બધા લોકોએ તેને ધમકી આપી અને કહ્યું કે પોલીસમાં ફરિયાદ કરીશું. જવાબમાં જાલુદે કહ્યું કે ખુદ પ્રિન્સે કહ્યું છે કે કાયદો સ્પષ્ટ છે અને શરિયામાં લખ્યું છે કે મહિલાઓ શાલીન અને સન્માજનક કપડાં પહેરે. એમાં એવું નથી કહેવાયું કે તેમણે કાળો બુરખો કે કાળો હિજાબ પહેરવો જોઈએ. મહિલાઓને આઝાદી મળી રહી હોય તો લોકોને કેમ તકલીફ પડી રહી છે? સાઉદી અરબમાં ૬ મહિનાથી મહિલાઓએ સોશિયલ મીડિયામાં બુરખાથી આઝાદીનું અભિયાન શરૂ કર્યું છે.