બુફેનું મેનુ - અષ્ટક

Wednesday 02nd October 2019 06:58 EDT
 
 

લીધી પ્લેટ સફેદ નેપકિનને કાંટા અને વાડકી

ઉભો લાઈનમાં વિચાર કરતો છે ભૂખ લાગી ઘણી

મારી જીભલડી હવે સળવળે ખાસ્સી દુઃખે પાવડી

એવા સ્વાદભર્યા બુફે જમણ જ્યાં કુર્યાત સદા મંગલમ

વારો આખર આવિયો મુજ તણો કેવી હવે હાશ રે

ઉનો સૂપ અને કબાબ લઈને આરંભિયે ચાટને

ઝાઝા વેશ સલાડના અવનવા, લ્યો સેવપૂરીય છે

એવા સ્વાદભર્યા બુફે જમણ જ્યાં કુર્યાત સદા મંગલમ

ઢોસા ને ઈડલી વડાં રસમ ત્યાં આલૂ પરોઠા દહીં

પાસ્તા સોસ પિઝા ઈટાલિયન ને સ્પેગેટી ટોળે વળી

ને મેક્સિકન વાનગી ચટપટી ખાજો તમે પ્રેમથી

એવા સ્વાદભર્યા બુફે જમણ જ્યાં કુર્યાત સદા મંગલમ

પંજાબી ઢબ શાક, થાઈ પણ છે, એ કોપરાની કરી

પૂરી નાન વિશેષ બ્રેડ કૂલચા રોટી રૂમાલી રૂડી

ખાજો પેટીસ ઘૂઘરાં રસિકડા છે પાતરા ખાંડવી

એવા સ્વાદભર્યા બુફે જમણ જ્યાં કુર્યાત સદા મંગલમ

ચાલો ઉંધિયુ ખાઈએ સુરતની સ્વાદિષ્ટ એ વાનગી

શી મીઠાશ કતારગામ કુમળી લીલી રૂડી પાપડી

માંહી વેંગણ કંદને શક્કરિયા કેળાં બટાકા વળી

એવા સ્વાદભર્યા બુફે જમણ જ્યાં કુર્યાત સદા મંગલમ

બાસુંદી હલવો શિરો વિવિધશા શી ફોજ મિષ્ટાનની

કુલ્ફી કેક ગુલાબજાંબુ રબડી સાથે જલેબી ખરી

ને પીજો તમ જ્યૂસ ખૂબ નવલાં કેવા ફળો છે અહીં

એવા સ્વાદભર્યા બુફે જમણ જ્યાં કુર્યાત સદા મંગલમ

ત્યાં તો આવત પૂછવા યુવતી ‘ આરોગશો પાનકી’ ?

ના, ના બાનુ હવે ન ભૂખ અમને, ‘તો દૂધ લો કેસરી’

સોપારી મુખવાસ પાન મધુરાં ધાણા તણી દાળ શી

એવા સ્વાદભર્યા બુફે જમણ જ્યાં કુર્યાત સદા મંગલમ

( કવિ સ્નેહલ મઝમુદાર રચિત આ કૃતિ અમને સુધાબેન ઠકરારે મોકલી છે તે સાભાર સ્વીકારીને અત્રે રજૂ કરી છે.)


comments powered by Disqus