બુધવાર - ૨૭ માર્ચનો દિવસ હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સવારના જ ટ્વીટ કર્યું હતું કે તેઓ સવારે ૧૧.૪૫થી ૧૨.૦૦ની વચ્ચે એક મોટી જાહેરાત કરવાના છે. આ સાથે જ દેશના લોકોમાં ભારે ઉત્સુકતા સાથે કેટલાંક લોકોના જીવ પડીકે પણ બંધાઈ ગયા હતા કે મોદી કેવી જાહેરાત કરશે. આતુરતાનો અંત લાવતા તેમણે રાષ્ટ્રજોગ સંબોધનમાં ભારતે અંતરિક્ષમાં એક લો અર્થ ઓર્બિટ સેટેલાઇટને તોડી પાડવાનું સફળ પરીક્ષણ કર્યું હોવાની જાહેરાત કરી હતી. એન્ટિ સેટેલાઇટ (A-SAT) મિસાઈલ વેપનના સફળ પરીક્ષણ સાથે ભારત હવે અમેરિકા, રશિયા અને ચીન પછી અંતરિક્ષમાં આ પ્રકારની ક્ષમતા ધરાવતો ભારત વિશ્વનો ચોથો સુપરપાવર દેશ બન્યો છે. મિશન શક્તિ નામ હેઠળના આ પરીક્ષણને ભારતીય વૈજ્ઞાનિકોએ ફક્ત ૩ મિનિટમાં પરીક્ષણ સફળતાથી પાર પાડવા સાથે અવકાશક્ષેત્રે મહાશક્તિરૂપે ભારતનો ઉદય થયો છે. આ પરીક્ષણ સાથે જ ભારતે અંતરિક્ષમાં ઉપગ્રહોને આંતરવા અને તોડી પાડવાની ક્ષમતા પૂરવાર કરી છે તે ભારે ગૌરવની બાબત છે. આ પછી ભારતે પહેલી એપ્રિલે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે, જેમાં દુશ્મનના રડારને શોધી શકતા એડવાન્સ ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ સેટેલાઇટ (એમીસેટ) સહિત ૨૯ સેટેલાઈટ અવકાશમાં લોન્ચ કર્યા છે.
આપણે મિશન શક્તિની વાત કરીએ તો તે ભારતની સુરક્ષા, આર્થિક વિકાસ અને ટેક્નોલોજિકલ વિકાસની દિશામાં મહત્ત્વનું પગલું છે. એ-સેટ મિસાઇલ ભારતના અંતરિક્ષ કાર્યક્રમને નવી શક્તિ આપશે. વડા પ્રધાન મોદીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અંતરિક્ષમાં શસ્ત્રદોડના વિરોધી ભારતે પોતાની સુરક્ષા માટે આ સંરક્ષણ ક્ષમતા વિકસાવી છે. આ પરીક્ષણના કારણે કોઇ આંતરરાષ્ટ્રીય કાયદા અથવા તો સંધિનું ઉલ્લંઘન થતું નથી. અમે અમારી ક્ષમતાનો ઉપયોગ અન્ય સામે કરીશું નહિ.
અવકાશક્ષેત્રમાં અત્યંત પ્રભાવ ધરાવતા ભારતે અનેક દેશો અને ખાનગી કંપનીઓના સેટેલાઇટ અવકાશમાં લોન્ચ કર્યા છે. ભારત દ્વારા કરાતા સેટેલાઈટ લોન્ચિંગ પ્રમાણમાં સસ્તાં હોવા સાથે ટેકનોલોજિકલ વધુ ક્ષમતાના કારણે તેની માગ પણ વધી છે. ૨૦૧૪થી ભારતના અંતરિક્ષના વિવિધ મિશનમાં અત્યંત વધારો થયો છે. ભારત દ્વારા મંગળયાન મોકલ્યા પછી ગગનયાન અભિયાન પણ હાથ ધર્યું છે.
ભારતના મિશન શક્તિ અભિયાનની સફળતાના પગલે પાકિસ્તાનમાં ફફડાટ વ્યાપી ગયો છે. સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક પછી આ સ્પેસ સ્ટ્રાઈકથી પાકિસ્તાનમાં ફરી એક વખત ભયનો માહોલ ફેલાયો છે. આનું મહત્ત્વનું કારણ એ છે કે અત્યાર સુધી ભારત પર પરમાણુ બોમ્બ નાખવાની પોકળ ધમકીઓ આપતા પાકિસ્તાનની પરમાણુ તાકાત હવે ભયમાં આવી છે. જો પાકિસ્તાન પરમાણુ મિસાઈલ્સનો ઉપયોગ કરે તો પણ ભારત આ નવી ક્ષમતાના ઉપયોગથી તેને અધવચ્ચે જ નષ્ટ કરી શકશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. ભારતના સફળ અભિયાન પછી પાકિસ્તાને સુફિયાણી સલાહ પણ આપી છે કે અવકાશ માનવજાતનો સૌથી મોટો વારસો હોવાથી અવકાશમાં ભયનો માહોલ ઊભો થાય તેવી કામગીરીથી દેશોએ દૂર રહેવું જોઈએ અને કારણ વગરના અખતરા કરીને અવકાશમાં યુદ્ધનો માહોલ ન ઊભો કરવો જોઈએ. જોકે, હવે તે પણ ચીનની સહાયથી આવા પરીક્ષણમાં આગળ વધે તો નવાઈ નથી.
ચીને ૨૦૦૭માં જ આવો અખતરો કર્યો હોવાથી તેણે ભારતના અવકાશી અભિયાન અંગે ખૂબ જ સાવચેતીપૂર્વક પ્રતિક્રિયા આપી છે. એન્ટિ સેટેલાઇટ મિસાઈલ ટેક્નોલોજી ધરાવતું ભારત હવે ચીન કે પાકિસ્તાન સહિત દુશ્મન દેશના કોમ્યુનિકેશન તેમજ જાસૂસી સેટેલાઇટને જામ કરી શકે અથવા નષ્ટ કરી શકે છે. જોકે, ભારતની ‘પ્રથમ પ્રહાર નહિ’ની નીતિ સ્પષ્ટ છે. આમ છતાં, કોઈ અડપલું પણ કરી જાય તો સામનો કરવામાં તે પાછું નહિ પડે અને ટેકનોલોજી ક્ષમતાના નીતનવા સફળ પરીક્ષણો આ જ દર્શાવે છે.
