ચૈત્ર નવરાત્રિમાં શક્તિ સ્વરૂપા મા ભવાનીનું પ્રાગટ્ય થયું

Wednesday 03rd April 2019 05:52 EDT
 
 

૬ઠ્ઠી એપ્રિલ શનિવારે ચૈત્ર સુદ એકમ ગુડીપડવો, ચેટીચાંદ, શ્રી ઝુલેલાલ-દરિયાલાલ જયંતી, વાસંતી નવરાત્રિ પ્રારંભ થશે. ઋષિ પ્રણિતમાર્કંડ પુરાણ અનુસાર બ્રહ્મા, શિવ અને નારાયણ સહિતના દેવો જેને સતત પ્રાર્થે છે, નમસ્કાર કરે છે તે મા શક્તિની કૃપા પામવાનું પર્વ એટલે ચૈત્ર નવરાત્રિ. આ ચૈત્ર મહિનાના નવરાત્રિમાં આઠમના દિવસે શક્તિ સ્વરૂપા માં ભવાનીનું પ્રાગટય થયું હોવાથી ચૈત્ર નવરાત્રનું વિશેષ મહત્વ છે. ચૈત્ર નવરાત્રિ દરમિયાન ઘટસ્થાપન કરી માની આરાધના કરાય છે. આસુરી શક્તિઓનો નાશ થાય અને જીવનમાં મંગળ કાર્યો થાય તે માટે સમગ્ર નવ દિવસ માતાજીના સ્વરુપોની આરાધના કરાય છે. ચૈત્રી નવરાત્રિનું ઉત્તર ભારતમાં વિશેષ મહત્ત્વ છે. ઉત્તર ભારતમાં શક્તિપીઠોમાં ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસથી માતાની આરાધના શરૂ થાય છે. દેશવિદેશમાં માતાજીના મંદિરોમાં ખાસ પૂજન, હવન, ભજન કિર્તન અને સત્સંગ સહિ‌તના કાર્યક્રમો યોજાય છે. રામાયણ અને રામચરિત માનસનો પાઠ થાય છે. આ દિવસો દરમ્યાન શાકાહાર, સદ્આચરણ અને બ્રહ્મચર્ય સહિતના નિયમોનું પાલન કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં પ્રથમ દિવસે મા જગદંબાની વિશેષ પૂજા થાય છે. આંબાનાં પાન અને નારિયેળથી સજાવેલો કળશ દરવાજે રાખવામાં આવે છે. ગુજરાતમાં ચૈત્ર નવરાત્રિ દરમિયાન તીર્થધામ પાવાગઢ અને અંબાજીમાં માઇભક્તોની ભીડ ઉમટે છે. પાવાગઢ મહાકાળી માના દર્શને ચૈત્રના ધોમધખતા તાપમાં શ્રધ્ધાળુઓના ઘોડાપૂર રથ સજાવી લાલ ધજાઓ સાથે પગપાળા દર્શને જાય છે.


comments powered by Disqus