આફ્રિકાના મલાવી, મોઝામ્બિક અને ઝિમ્બાબ્વેમાં આવેલા વિનાશક ઈડાઈ વાવાઝોડાએ વેરેલા વ્યાપક વિનાશને પગલે પૂ. મોરારી બાપૂએ આ વિસ્તારને બેઠો કરી, ફરી ધબકતો કરવા માટે મદદ પહોંચાડવા માટે જાહેર અપીલ કરી હતી.
આફ્રિકાના આ ત્રણેય દેશોમાં વિનાશક વાવાઝોડાને પગલે ભયંકર વરસાદ ને પૂરને કારણે લાખો લોકોને માઠી અસર થઈ હતી. આ પ્રદેશમાં સેનિટેશનની ખરાબ હાલતને લીધે વાવાઝોડા બાદની સૌથી મોટી અસરમાં કોલેરા, મેલેરિયા અને ટાઈફોઈડનો રોગચાળાનું જોખમ વધી ગયું છે.
આ વિપત્તિજનક પરિસ્થિતિમાં રાહત કાર્યોના પ્રયાસોને મદદરૂપ થવા માટે શ્રી ચિત્રકૂટધામ તરફથી પૂજ્ય મોરારીબાપૂએ શ્રી રમેશભાઇ સચદેવના નેતૃત્વ હેઠળ ‘ગોડ માય સાઈલન્ટ પાર્ટનર’ ફાઉન્ડેશનની રચના કરી છે. પૂ. બાપૂની અપીલથી પ્રેરાઈને રામકથાના શ્રોતાઓ દ્વારા કુલ ૫૧ લાખ રૂપિયા (£૫૬,૦૦૦)ની સહાય પહોંચાડવાનું નક્કી થયું હતું. જેમાં લંડનસ્થિત શ્રી રમેશભાઇ સચદેવે રૂપિયા ૨૫ લાખ (£૨૭,૭૭૭) અને શ્રોતાઓ દ્વારા ૨૬ લાખ રૂપિયા (£૨૮,૮૮૮) જેટલી ધનરાશી એકત્ર કરાઇ. આ સેવા કાર્ય યોગ્ય રીતે સંપન્ન થાય તે માટે લંડનસ્થિત લોર્ડ ડોલર પોપટના નેતૃત્વ હેઠળ આ રકમની વહેંચણીની જવાબદારી સોંપાઇ. બાપૂની અપીલ દ્વારા એકત્ર થયેલ ભંડોળમાંથી મલાવી હિંદુ સેવા મંડળને £૨૦,૦૦૦, મોઝામ્બિકમાં ચાલતા રાહત કાર્યો માટે £૨૦,૦૦૦ અને ઝિમ્બાબ્વેમાં ચાલતાં રાહતકાર્યો માટે £૧૬,૦૦૦ની સહાય અપાઈ હતી.
પૂ. બાપૂના યોગદાનમાં ‘સત્ય પ્રેમ અને કરુણા’નો તેમનો સંદેશો પ્રતિબિંબિત થાય છે. પૂ. બાપૂના કહેવા મુજબ,‘આપણે એક જ પરિવારના નાગરિકો છીએ અને દુનિયાભરમાં જરૂરતમંદ કોઈને પણ મદદ કરવાની અને ખાસ કરીને આવી કુદરતી આપત્તિના સમયમાં સહાયરૂપ થવાની જવાબદારી તમામ લોકોની છે’.
મલાવીના હિંદુ સમાજે બ્લેન્ટાયરમાં આવેલા પૂરમાં બચાવ અને રાહત કામગીરીમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. પૂર હોનારત બાદ મલાવી હિંદુ સેવા મંડળે લોટના થેલા, બ્લેન્કેટ્સ, સોયા, તેલ, મીઠું, બીન્સ અને બકેટ્સ સહિત લાખો વસ્તુઓ પૂર અસરગ્રસ્તોને આપી હતી. હિંદુ મંડળે જણાવ્યું હતું કે તેમણે જેને વતન તરીકે અપનાવ્યું છે ત્યાં ચાલતા રાહત કાર્યોમાં મદદરૂપ થવાની તેમની ફરજ હોવાનું તે માને છે.
મોઝામ્બિક અને ઝિમ્બાબ્વેમાં ચાલતા રાહતકાર્યોનું સંચાલન યુકે સ્થિત ચેરિટી ‘યુનાઈટેડ પર્પઝ’ દ્વારા થઈ રહ્યું છે. આ ચેરિટી તેના ખર્ચ પાછળ માત્ર ૪ ટકા જેટલી જ રકમ વાપરતી હોવાથી લોકપ્રિય છે. એનો અર્થ એ કે બાકીની ૯૬ ટકા રકમ સીધી જરૂરતમંદ લોકોને પહોંચે છે.
પૂજ્ય બાપૂની અપીલ બાદ ગુજરાત સમાચાર/એશિયન વોઈસ સાથેની વાતચીતમાં બ્રિટિશ વડાપ્રધાનના રુવાન્ડા અને યુગાન્ડાના ટ્રેડ એન્વોય લોર્ડ ડોલર પોપટે જણાવ્યું હતું,‘ દક્ષિણી આફ્રિકાના દેશોની સહાય માટે થઈ રહેલા વૈશ્વીક પ્રયાસોથી તેઓ ગૌરવની લાગણી અનુભવે છે. આ આપત્તિ બાદ જે દેશો સૌ પ્રથમ મદદે આવ્યા હતા તેમાં યુ.કે પણ એક હતું. પૂ.બાપૂની અપીલથી અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને ભોજન, પાણી અને આશ્રય સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડવાના માનવતાવાદી રાહતકાર્યો કરી રહેલી ચેરિટીઓને સહાય થશે.
ઈડાઈ વાવાઝોડું અત્યાર સુધીમાં આ વિસ્તારને નુક્સાન પહોંચાડનારી સૌથી મોટી કુદરતી આફતો પૈકીનું એક છે. પૂ.બાપૂએ અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈને પૂરપીડિતોને મદદ કરવા બદલ સેંકડો વોલન્ટીયરોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

