મહાગઠબંધનઃ ધડાકો થશે કે સૂરસૂરિયુ?

Tuesday 02nd April 2019 08:59 EDT
 

લોકસભાની ચૂંટણીની હાલત ‘મૌસમ છલકે’ જેવી છે. વરસતા વરસાદમાં ગમે ત્યાં આશરો મળી જાય તેની શોધમાં રહેતા રાષ્ટ્રીય કે સ્થાનિક પક્ષોના સંભવિત ઉમેદવારોની આવી હાલત છે. પ્રચારસભાઓ ગાજવા લાગી છે. આવી પરિસ્થિતિમાં પ્રશ્નો અનેક પૂછાઈ રહ્યાં છે. કોની સરકાર આવશે, નરેન્દ્ર મોદી ફરી વડા પ્રધાન બનશે? રાહુલ ગાંધી મેદાન મારશે કે મમતા બેનરજી અને માયાવતી? પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે અને તેમના પ્રચારનું કેટલું વજન પડશે સહિતના પ્રશ્નો ઉમેદવારો અને મતદારો, એમ બંનેના મગજમાં ઊઠી રહ્યાં છે.
વર્તમાન લોકસભા ચૂટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના પાંચ વર્ષના લેખાજોખાં અવશ્ય લેવાશે પરંતુ, યક્ષપ્રશ્ન એ છે કે ભાજપનો સબળ સામનો કરે તેવો વિપક્ષ કયો છે? પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ કોલકાતામાં મહાગઠબંધનનો રણટંકાર કર્યો હતો. માયાવતી, અખિલેશ યાદવ, ચંદ્રાબાબુ નાયડુ, શરદ યાદવ સહિતના નેતાઓ અને કોંગ્રેસના પ્રતિનિધિઓએ હાજર રહી પ્રવચનો કર્યા અને લોકસભાની ચૂંટણીમાં સાથે રહી ભાજપ અને મોદી સરકારને હંફાવીશું તેવો હુંકાર પણ કર્યો.
વર્તમાનમાં ગઠબંધન કે મહાગઠબંધનની હાલત કેવી છે? બહુજન સમાજ પાર્ટીના સર્વેસર્વા માયાવતી અને સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવ એકબીજાની સાથે છે પરંતુ, કોંગ્રેસ તેમની સાથે નથી. કોંગ્રેસ તો ગઠબંધન માટે થનગને છે. પ્રિયંકા ગાંધી-વાડરા અને રાહુલ ગાંધીએ મનામણાના ભારે પ્રયાસો કર્યા પણ માયાવતીજી તૈયાર ન હોવાથી રાહુલ ગાંધીને ‘એકલો જાને રે’ની હાકલો કરવાની ફરજ પડી છે. માયાવતી અને અખિલેશ વચ્ચે પણ ફોઈ-ભત્રીજાનો જ સંબંધ છે. માયાવતી જે કહે તે અખિલેશ યાદવે સાંભળી લેવું પડે છે. સમાજવાદી પાર્ટીમાં પણ મુલાયમસિંહ યાદવ, તેમના પત્ની અને પુત્રવધુએ તો અખિલેશ સામે જ મોરચો માંડ્યો હોવાનું દેખાઈ આવે છે.
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ પાર્ટી અને મમતાદીદીનો દબદબો છે. મમતા બેનરજીને મન તો રાહુલ ગાંધી હજુ બાળક જ છે. કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષને નેતા ગણવા જ તેઓ તૈયાર નથી. કોંગ્રેસ પ્રત્યે તેમની સૂગ કે આભડછેટ એટલી ભારે છે કે તેમણે પોતાની પાર્ટીના નામમાંથી કોંગ્રેસનું લટકણિયું જ હટાવી દીધું છે. કોંગ્રેસને હવે ડાબેરી પાર્ટીઓ સાથે જોડાણ કરવું પડ્યું છે પરંતુ, તેમાં ‘પ્રથમ ગ્રાસે મક્ષિકા’ જેવાં ડખા થવા જ લાગ્યા છે. કર્ણાટકમાં જનતાદળ (સેક્યુલર) વચ્ચે સરકાર છે પરંતુ, બંને વચ્ચે તિરાડ છે.
આનાથી વિપરીત બાબત દિલ્હીમાં જોવાં મળે છે. ‘આપ’ નેતા અને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે જોડાણ માટે રાહુલ ગાંધીને ઘણી વિનવણી કરી છતાં કોંગ્રેસ તેમને મચક આપતી નથી. કોંગ્રેસનું દિલ્હી એકમ આવા જોડાણનો ભારે વિરોધ કરે છે કારણકે કેજરીવાલના કારણે જ તેમણે સત્તા ગુમાવવી પડી હતી. આંધ્રમાં ચંદ્રાબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી માટે જગન મોડન રેડ્ડી ભારે ધમકીરુપ બન્યા હોવાથી તેમણે કોંગ્રેસનો હાથ ઝાલવો પડ્યો છે. આ જ પ્રમાણે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને શરદ પવારના એનસીપી વચ્ચેનો સંબંધ મજબૂરીનો છે. કોંગ્રેસે કદી શરદ પવારને વિશ્વાસુ માન્યા નથી તે તો તેઓ કોંગ્રેસમાં હતા ત્યારથી જ જગજાહેર છે.
આખરે કહી શકાય કે મહાગઠબંધનની વર્તમાન પરિસ્થિતિ ‘શિયાળ તાણે સીમ ભણી અને કૂતરું તાણે ગામ ભણી’ જેવી છે. તેઓ એકબીજાની સાથે હોવાં કરતાં સામે વધુ છે. હવે મહાગઠબંધનનો ફટાકડો મોટો અવાજ કરશે કે સૂરસૂરિયું થશે તે તો પરિણામ જ કહી શકશે.


comments powered by Disqus