માતૃભાષા થકી જ ટકે છે આપણો સંસ્કાર-વારસો, પરંપરા, મૂલ્યો

સી. બી. પટેલ Tuesday 02nd April 2019 13:21 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજથી બસોએક વર્ષ પહેલાં ગુજરાતી ભાષાને શું શા પૈસા ચાર ગણવામાં આવતી હતી. ગુજરાતી ભાષા માટે ઉપહાસમાં કહેવાતુંઃ અબે-તબે કે સોલ હી આને, અઠે-કઠે કે આઠ, ઈકડે-તીકડે કે ચાર આને, શું શા પૈસા ચાર...
આ બધી આજે કંઇક અલગ વાત છે, હકીકત એ છે કે ૩૦મી જાન્યુઆરીના રોજ વિશ્વમાં ચીનથી માંડીને અમેરિકા અને મોંગોલિયાથી માંડીને આર્જેન્ટિના સુધી ગાંધી નિર્વાણ દિન - શહીદ દિન મનાવાયો. દરેક દેશમાં કાર્યક્રમના આયોજકો અલગ અલગ હતા, પરંતુ સમાન બાબત એ હતી કે આ તમામ સ્થળોએ એક ગુજરાતી રચનાનું શ્રદ્ધાપૂર્વક ગાન થયું હતું. અને તે રચના હતી ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ...’
નાગરી નાતે ભલે નરસિંહ મહેતાને ન્યાત બહાર મૂક્યા હોય, પરંતુ આ જ નરસિંહ મહેતાએ તેમની અનન્ય કૃષ્ણભક્તિ અને ઊંડા તત્વજ્ઞાન સાથે કંઇકેટલીય અમર કૃતિઓ સાદર કરીને ગુજરાતી ભાષાને ધન્ય ધન્ય કરી દીધી છે. પાંચ સદી પૂર્વેનું આ સર્જન આજે પણ - તમામ ભાષાભેદ ભૂલીને - લોકહોઠે રમે છે. ગુજરાતી ભાષાની આ બળકટતા હોવા છતાં અત્યારે હકીકત એ છે કે ખુદ ગુજરાતમાં, ખુદ ભારતમાં માતૃભાષામાં શિક્ષણના ક્ષેત્રે ચિંતાજનક માહોલ પ્રવર્તી રહ્યો છે.
ચારેક દસકા પૂર્વે માદરે વતન ભાદરણમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ શરૂ થઇ ત્યારે નગરજનોમાં આશાવાદના મોજા ઉછળતા હતા. ખોબા જેવડા નગરના નાગરિકો ત્યારે માનતા હતા - અને આજે પણ માને છે કે - સંતાનો અંગ્રેજી ભાષાનું શિક્ષણ મેળવે કે ઈંગ્લિશ મીડિયમ શાળાઓમાં એડમિશન મેળવે, યુનિવર્સિટીમાં ડિગ્રી મેળવે તો દેશમાં, અને સવિશેષ વિદેશમાં મોટા દરમાયાની નોકરી મળે. આ ગુજરાતમાં, ખાસ કરીને શિક્ષણ વિભાગમાં માતૃભાષાના સ્થાન વિશે અવનવા પ્રયોગો થયા. ઓલ્યા ડોસાએ ૧૦૦ વર્ષ પૂર્વે બુનિયાદી તાલીમ અંગે શિક્ષણ ક્ષેત્રે સંગીન રજૂઆત કરી હતી. માતૃભાષાની સાથે સાથે જ રાષ્ટ્રભાષાની આવશ્યક્તા પણ ગાંધીજી સમજતા હતા. તે ખાસ ઉલ્લેખનીય છે કે પરદેશમાં બેરિસ્ટરીના અભ્યાસ અને દક્ષિણ આફ્રિકામાં ધારાશાસ્ત્રી તરીકે તેમજ વૈચારિક ક્રાંતિ આણનાર વ્યક્તિ તરીકે નામાંક્તિ થયા પછી પણ તેમણે ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’ તો ગુજરાતી ભાષામાં જ લખવાનું યથોચિત ગણ્યું હતું.
ભારતમાં તેમ જ વિશ્વના અન્ય દેશોમાં તેની ઉપયોગિતાને ધ્યાને લેતાં અંગ્રેજી ભાષાને બાહ્યિક વ્યવહારમાં અપનાવવામાં કશું ખરાબ નથી. ઉચ્ચ શિક્ષણ અને વ્યાવસાયિક સિદ્ધિ માટે અંગ્રેજી અત્યંત આવશ્યક છે તેમ પણ હું સ્વીકારું છું, પરંતુ આપણામાંના ઘણા લોકો જાણતા નહીં હોય કે સવાસો વર્ષ પૂર્વે બ્રિટનમાં પણ માતૃભાષાના બદલે લેટિન કે ગ્રીક ભાષાને પ્રાધાન્ય આપવામાં આવતું હતું.
ચાલો... જરાક ભૂતકાળમાં ડોકિયું કરી લઇએ. બ્રિટનમાં હેરો બરો વિસ્તાર અત્યારે સવિશેષ સુવિખ્યાત છે. ત્યાં અત્યારે આપણા ભારતીયો, ગુજરાતીઓ જાજેરી સંખ્યામાં વસે છે. આ બરોમાં દસેક જેટલા હિન્દુ મંદિરો, જૈન દેરાસરો, બે શીખ ધર્મના ગુરુદ્વારા અને ઇસ્લામની ઉપાસનાના દસ આસ્થાકેન્દ્રો ધર્મપ્રેમીઓની જરૂરત સંતોષે છે. આ જ બરોમાં હેરો સ્કૂલ છે એ તો વળી ૨૦૦ વર્ષથી રાષ્ટ્રવ્યાપી નામના ધરાવે છે. પંડિત જવાહરલાલ નેહરુ પણ ત્યાં ભણી ચૂક્યા છે અને બીજા કેટલાય નામી-અનામી ભારતીય સંતાનો ત્યાં હાઇસ્કૂલ શિક્ષણ પામ્યા છે.
એક જમાનામાં વિન્સ્ટન ચર્ચિલ પણ હેરો સ્કૂલના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. મૃત્સદ્દીગીરીમાં વિશ્વતખતે નામના મેળવનાર આ રાજનેતાએ તેમના આત્મકથનાત્મક પુસ્તક ‘My Early Life’માં કબૂલ્યું છે કે હેરો સ્કૂલમાં અભ્યાસ દરમિયાન તેમને લગભગ ‘પાછલી પંગત’ના વિદ્યાર્થી લેખવામાં આવતા હતા. કેમ કે બીજા સહાધ્યાયીઓ લેટિન અને ગ્રીકમાં પાવરધા હતા. ચર્ચિલ લખે છે કેઃ મારા જેવા - અંગ્રેજી ભાષામાં વધુ રસ ધરાવનારાઓને - તેઓ ઠોઠ નિશાળિયા ગણતા હતા. જોકે તેમને કોઇને એ ખબર નહોતી અંગ્રેજી ભાષાનું શબ્દભંડોળ, વ્યાકરણ, તેના તાણાવાણા હું કે મારા મિત્રો બહુ સારી રીતે સમજી શક્યા હતા, પચાવી શક્યા હતા, તેને વાસ્તવિક જીવનમાં ઉપયોગમાં લઇ શક્યા હતા. આ બધું કારકીર્દિમાં અનેક પ્રકારે લાભકારક નીવડ્યું...
પ્રથમ અને બીજા વિશ્વ યુદ્ધના અરસા દરમિયાન અને તે પછી સર વિન્સટન ચર્ચિલે અંગ્રેજી ભાષામાં અફલાતુન ખેતી કરી અને કસદાર પાક લણ્યો. એંગ્લો-અમેરિકન એલાયન્સ મજબૂત અને વિશ્વવ્યાપી બન્યું તેના પાયામાં સર ચર્ચિલનો અંગ્રેજી ભાષા પરના પ્રભાવે નિર્ણાયક ભૂમિકા ભજવી હતી એ વાતનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકશે. તે જમાનામાં ફ્રેન્ચ અને અંગ્રેજી ભાષા વચ્ચે સ્પર્ધા થતી હતી. હવે આંતરરાષ્ટ્રીય સ્તરે, વેપારઉદ્યોગ, કાયદાશાસ્ત્ર, ઔષધશાસ્ત્ર (મેડિસીન), મનોરંજન, આંતરરાષ્ટ્રીય મુત્સદ્દીગીરી, ટેક્નોલોજી... એમ દરેક ક્ષેત્રે શ્રેષ્ઠ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તેમ જ જે તે ક્ષેત્રે પ્રગતિ સાધવા માટે અંગ્રેજી અનિવાર્ય છે. જોકે આમ છતાં આપણે એ ન ભૂલવું જોઇએ કે ચર્ચિલ ભાષા ક્ષેત્રે ક્રાંતિ આણી શક્યા તેનું મુખ્ય કારણ એ છે કે તેમનો અંગ્રેજી ભાષાનો - માતૃભાષાનો પાયો મજબૂત હતો. આ ભાષા થકી જ તેઓ ઉમરાવ પરિવારના દાદા-દાદી, પરિવારજનો સાથે સરળ અને સહજ રીતે વિચાર-વિનિમય કરી શકતા હતા. તેમની સફળતામાં અંગ્રેજી પરના તેમના પ્રભુત્વે પાયાનું યોગદાન આપ્યું છે તેવું એકથી વધુ અભ્યાસોમાં પુરવાર થયું છે.
માતૃભાષાની વાત ચાલી રહી છે, તો ચાલોને થોડીક મારી પણ વાત કરું. માર્ચ ૧૯૭૬ના દિવસોમાં ગુજરાતી ભાષા જાણવા - સમજવાની, તેના તાણાવાણા નીરખવાની મને સૌથી વધુ જરૂરત વર્તાઇ. શા માટે? મેં તે દિવસોમાં ‘ગુજરાત સમાચાર’નું સુકાન સંભાળ્યું હતું. તેના સંચાલનની જવાબદારી મારા ખભે આવી હતી. સદભાગ્યે તે વેળા બ્રિટનમાં વસતાં સંખ્યાબંધ ગુજરાતીભાષી સજ્જનો-સન્નારીઓ ઉપકારવશ થયા. મદદનો હાથ લંબાવ્યો. કુસુમબહેન શાહ, કવિ ડાહ્યાભાઇ પટેલ ‘દિનેશ’, ટી.પી. સૂચક, ભાનુશંકર ઓધવજી વ્યાસ, જયમંગલ, ડો. જગદીશ દવે, યોગેશભાઇ પટેલ, પંકજ વોરા, અન્ય સહાયકો.
મારો ગુજરાતી ભાષાનો પાયો પાકો કરવામાં મદદરૂપ થનારાઓની યાદી બહુ જ લાંબી થાય તેમ છે. આમ છતાં આંકડો માંડવો જ હોય તો એમ કહી શકાય કે લગભગ ૨૦૦ જેટલા ભાષાવિદોએ મારા ભાષા-જ્ઞાનને સંપન્ન-સમૃદ્ધ કરવામાં અત્યંત મહત્ત્વનું યોગદાન આપ્યું છે.
બાય ધ વે, કવિ ડાહ્યાભાઇ પટેલનો ઉલ્લેખ નીકળ્યો છે તો તેની સાથે સંકળાયેલો એક બીજો પણ સંદર્ભ ટાંકી જ લઉં. કવિરાજ તેમના ગાંધીપ્રેમ, ગાંધીકેન્દ્રીત સાહિત્યસર્જન માટે વિખ્યાત છે. તેમણે ‘મોહનભક્તિપદાવલિ’ રચના થકી આ મહામાનવના જીવન-કાર્યને અદભૂત અંજલિ અર્પણ કરી છે એમ કહું તો તેમાં લગારેય અતિશ્યોક્તિ નથી. તાજેતરમાં ‘અચલા’ સામયિકનો ફેબ્રુઆરી માસનો અંક મળ્યો. નિયમ પ્રમાણે ખૂબ ચીવટપૂર્વક વાંચ્યો. શિક્ષણજગતને સમર્પિત ‘અચલા’ સામયિકની ટેગલાઇન છેઃ શિક્ષણ જગતનું માર્ગદર્શક તથા પ્રેરણાદાયી સામયિક. જોકે હું આનાથી પણ એક ડગલું આગળ વધીને કહીશ કે શિક્ષણ કરતાં કેળવણી વધુ પાયાની જરૂરત છે, ઉપયોગી છે. અને તે અર્થમાં ‘અચલા’ જેવા સામયિકના વાચન થકી હું ઘણુંબધું પ્રાપ્ત કરું છું, જ્ઞાનસમૃદ્ધ બનું છું. આ સામયિકના તંત્રીલેખમાં ડો. મફતભાઇ પટેલે કવિ ડાહ્યાભાઇ પટેલ રચિત ‘મોહનભક્તિપદાવલિ’માંથી એક રચના સાદર કરી છેઃ ‘સહુ આફતાબ તણો તું સૂરજ છે.’ જે આપ સહુના આચમન માટે આ કોલમ સાથે રજૂ કરી છે. (જૂઓ બોક્સ)
ખેર, આ તબક્કે ડો. જગદીશભાઇ દવે, આપણા મેનેજિંગ એડિટર કોકિલાબહેન પટેલ અને જ્યોત્સનાબહેન શાહને અંગત વિનંતી કરવાની કે બ્રિટનસ્થિત જે કોઇ ગુજરાતી લેખકોએ સાહિત્યની ખેતી કરી હોય, ઉપજ ઉપાડી હોય તેમની યાદી તૈયાર કરીને ‘ગુજરાત સમાચાર’માં પ્રકાશિત કરો. સાથે સાથે જ ગુજરાતી ડાયસ્પોરા પ્રકાશન ક્ષેત્રે જેમણે અઢળક ખેડાણ કર્યું છે, અને આજે પણ પ્રશંસનીય પ્રદાન આપી રહ્યા છે તેવા ડો. બળવંત જાનીનો સંપર્ક કરીને તેમની પાસેથી દરિયાપારના દેશોમાં રહીને પણ ગુજરાતી સાહિત્ય સર્જન ક્ષેત્રે સક્રિય લેખકો-કવિઓની માહિતી મેળવી અને આપણા સાપ્તાહિકમાં પ્રકાશિત કરવી.
વાચક મિત્રો, ‘ગુજરાત સમાચાર’ના ગયા સપ્તાહના અંકમાં પાન ત્રણ ઉપર આંતરરાષ્ટ્રીય કલાકાર દેવ પટેલે ઠાલવેલા આક્રોશનો અહેવાલ વાંચ્યો હશે. હેરોમાં વસતાં કડવા પાટીદાર પરિવારનો આ કુળદીપક કહે છે કે હું ઘરમાં મારા દાદા-દાદી સાથે ગુજરાતીમાં વાત કરી શકું છું, અને આમાંથી મેં ઘણું બધું પ્રાપ્ત કર્યું છે એમ કહું તો તે જરા પણ ખોટું નથી. ‘સ્લમડોગ મિલિયોનેર’ ફિલ્મ થકી દેશ-વિદેશમાં જાણીતા થયેલા દેવની વાત સો ટચના સોના જેવી છે. જે વ્યક્તિ માતા-પિતા, અને સવિશેષ તો દાદા-દાદી કે તે પેઢીના પરિવારજનો સાથે - તે લોકો સમજી શકે તેવી ભાષામાં - સરળતાથી સંપર્કસેતુ સ્થાપી શકતા નથી, વાતચીત કરી શકતા નથી તેઓ પોતીકા સંસ્કાર, પરંપરા, મૂલ્યોના વારસાથી વંચિત રહી જાય છે, અજાણ રહી જાય છે. પેઢી - દર પેઢી વચ્ચે સંપર્ક સાધવામાં માતૃભાષા અત્યંત પાયાની જરૂરત છે. ત્રીસેક વર્ષ અગાઉ પ્રો. ભીખુભાઇ પારેખના સહયોગથી ‘ગુજરાત સમાચાર’ માતૃભાષાના પ્રચાર-પ્રસાર માટે, શિક્ષણ માટે પ્રવૃત્ત હતું. લંડન શહેરમાં તેમ જ આસપાસના સ્થળોએ આ વિશે નાનીમોટી બેઠકો યોજી હતી. દરિયાપારના દેશમાં વસવાટ વચ્ચે પણ ગુજરાતીને, ગુજરાતીતાને ધબકતી રાખવાના ઇરાદે અમે આ વ્યાપક અભિયાન હાથ ધર્યું હતું. આખરે તો આ આપણી માતૃ-ભાષા છે.
ગોવર્ધનરામથી માંડીને ગાંધી સુધીના સહુ કોઇએ ગુજરાતી ભાષાને લાડ લડાવ્યા છે. દલપતરામે ‘ગુજરાતી રાણી’ના વકીલ બનવામાં ગૌરવ માન્યું તો નર્મદે પણ ‘ડાંડિયો’ પીટ્યો જ હતોને?! જ્યારે ગુજરાતના નાથ સિદ્ધરાજ જયસિંહે તો આચાર્ય હેમચંદ્રના વ્યાકરણ ગ્રંથ ‘સિદ્ધ હેમ શબ્દાનુશાસન’ની નગરયાત્રા યોજી હતી. ગ્રંથ હાથીની અંબાડી પર બિરાજમાન હતો, અને રાજા?! પદયાત્રા કરતા હતા. માતૃભાષા પ્રત્યેના આદર, લગાવની આવી કોઇ ઘટના અન્ય કોઇ ભાષા માટે ઘટી હોય તો અવશ્ય મને જણાવશો. આવા આવા આશિકો ધરાવતી, ભવ્યાતિભવ્ય ભૂતકાળ ધરાવતી આપણી માતૃભાષાને અંગ્રેજી ભાષાના આક્રમણથી ઘસારો લાગી રહ્યો છે તે હકીકત છે.
વાચક મિત્રો, ભૂતકાળમાં પણ કહી ચૂક્યો છું અને આજે પણ ફરીથી કહીશ કે અંગ્રેજી શીખો, અવશ્ય શીખો, પણ ગુજરાતીને કોરાણે ધકેલીને નહીં. ઇંગ્લિશ આંતરરાષ્ટ્રીય સ્તરે સર્વસ્વીકૃત ભાષા છે અને તેની ઉપેક્ષા થઇ શકે જ નહીં, પરંતુ ઘરમાં - પરિવારજનો વચ્ચે હંમેશા ગુજરાતીમાં વાતચીત કરવાની આદત અપનાવો. ગુજરાતી બોલશો તો આપણી આગવી અસ્મિતાના દર્શન થશે. આપણા વર્ષોપુરાણા સંસ્કારવારસાનું આપોઆપ જતન-સંવર્ધન થતું રહેશે. વિશ્વમાં ક્યાંય પણ, કોઇ પણ દેશ પર નજર ફેરવશો તો સમજાઇ જશે કે માતૃભાષા વિના ઉદ્ધાર નથી. આ તબક્કે હું આપ સહુ શાણા-સમજદાર વાચક મિત્રોને એટલો જ અનુરોધ કરી શકું કે ઘરમાં ગુજરાતીમાં વાતચીત કરવાનો સરળ-સહજ વિચાર અમલમાં હજુ પણ માતૃભાષામાં ચેતનાનો સંચાર કરી શકાય તેમ છે. જરૂર છે બસ એક જ ચિનગારીની... (ક્રમશઃ)

એક જ દે ચિનગારી, મહાનલ!

(પ્રાર્થના)
- હરિહર ભટ્ટ
ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખર્ચી જિંદગી સારી
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી
મહાનલ... એક જ દે ચિનગારી
ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો,
સળગી આભઅટારી
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી
મહાનલ... એક જ દે ચિનગારી
ઠંડીમા મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી
વિશ્વાનલ! હું અધિક ન માગું,
માગું એક ચિનગારી
મહાનલ... એક જ દે ચિનગારી

-----------------------

સહુ આફતાબ તણો તું સૂરજ છે

- કવિ ડાહ્યાાભાઇ પટેલ ‘દિનેશ’

સહુ આફતાબ તણો તું સૂરજ છે
જગતની ઈમારત તણો તું બુરજ છે;
મુઠ્ઠીમાં તે દુનિયા તણી બાંધી આંધી,
ફિરસ્તા બની હે જહાંગીર ગાંધી.

ઢળ્યો આફ્રિકાથી ધરા પર તું પ્યારા,
ઝીલ્યા જખ્મ મહમૂદ સમા ધન્ય ધીરા,
ભીંજાઈ જમીં હા વહી રક્તધારા,
પુનઃ શો ઊઠ્યો થૈ શશી સૂર્ય તારા.

હજારો યુગોની અવિરત સફરમાં,
અજબ કૂચકદમ દાંડીની બેનમૂન છે;
રહીમ તારાં પૈગંબરી સૌ વચનમાં,
ખુદાની પરસ્તી ઈબાદત પૂજન છે.

કરી શી કરામત અલૌકિક નિરાલી,
સકલ જેલની થૈ નવેલી હવેલી;
દીધી તેં મદોન્મત મહોબતની પ્યાલી,
પીધી ત્યાં થઈ શી ગજબની ખુશાલી.

ડગ્યો ના સુમેરુ રણેથી કદાપિ,
સહુ જુલ્મીઓને શી શિકસ્ત આપી!
દઈ જિંદગી સત્યની આણ સ્થાપી,
શહાદની કહાણી અમર વિશ્વવ્યાપી.

ઊંડા ઈશ્ક-જખ્મે જિગર આ દ્રવે છે,
સદા બંદગીમાં ‘તું હિ તું’ સ્તવે છે;
તું ખાવિંદ માલિક પિયુ ભવોભવે છે,
‘દિનુ’ જાણભેદુ દીવાનો કવે છે.


comments powered by Disqus