• નવા ટાઈપ – ટુ ડાયાબિટીસના કેસોમાં ભારે ઘટાડો
નવા ટાઈપ – ૨ ડાયાબિટીસના નિદાનમાં ભારે ઘટાડો થયો હોવાનું ચેરિટી ડાયાબિટીસ યુકે દ્વારા જણાવાયું હતું. આ ઘટાડાને ભવિષ્ય માટે એક પ્રોત્સાહક સંકેત ગણાવીને ચેરિટીએ ઉમેર્યું હતું કે દર ત્રણ મિનિટે હજુ એક વ્યક્તિને આ રોગ હોવાનું નિદાન થાય છે. તે ઉપરાંત સ્થૂળતાની તકલીફ હજુ લોકો માટે જોખમરૂપ છે.
• દરરોજ થોડુંક ચાલવાથી પણ આર્થ્રાઈટીસથી છૂટકારો મળે
આર્થ્રાઈટીસ એટલે કે સંધિવાની તકલીફથી પીડાતા લોકો દર અઠવાડિયે તેમને જેટલી કસરત કરવાની ભલામણ થઈ હોય તેની અડધી કસરત કરે તો પણ તેમને આ રોગમાંથી છૂટકારો મળી શકે તેમ અભ્યાસમાં જણાયું હતું. દરરોજ ૧૦ મિનિટ કરતાં પણ ઓછું ચાલવાથી વૃદ્ધ લોકોમાં અપંગતા આવવાનું જોખમ ૮૫ ટકા જેટલું ઘટી શકે અને તેઓ જાતે હરીફરી શકે.
• સેમ્યુઅલ સ્મિથ્સ પબમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ
લોકો પરસ્પર વાતચીત કરતા થાય તેને પ્રોત્સાહન પૂરું પાડવાના પ્રયાસમાં રાષ્ટ્રવ્યાપી પબ ચેઈન સેમ્યુઅલ સ્મિથ્સ દ્વારા તેના તમામ પબમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. મૂળ નોર્થ યોર્ક્સના ટેડકાસ્ટરની આ ચેઈનના પબમાં આવેલા ગ્રાહકો ફોન કરવા માગતા હોય તો તેમણે ધૂમ્રપાન કરતાં લોકોની માફક પબની બહાર જવું પડશે.
• કાયદાની ખામીનો ગેરલાભ ઉઠાવતા વિદેશી વાહનચાલકો
યુકેમાં ડ્રાઈવિંગ ટેસ્ટ આપ્યા વિના બ્રિટિશ લાઈસન્સ મેળવવા માટે કાયદાની ખામીનો ઉપયોગ કરવાને લીધે વિદેશી વાહનચાલકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગયા વર્ષે બ્રિટન બહાર ટેસ્ટ આપનારા ૧૫૦,૦૦૦થી વધુ વાહનચાલકોએ સરકાર દ્વારા ચાલતા એક્સચેન્જ ડિલ હેઠળ લાઈસન્સ મેળવ્યા હતા.
• ક્વિને જાહેર માર્ગો પર ડ્રાઈવિંગ કરવાનું છોડ્યું
યુકેમાં ક્વિન એલિઝાબેથ દ્વિતીય જ એકમાત્ર એવાં વ્યક્તિ છે જેમને લાઈસન્સ વિના ડ્રાઈવિંગ કરવાની પરવાનગી છે. પરંતુ, હવે તો તેમણે પણ કાર ડ્રાઈવિંગ છોડી દીધું છે. આ વર્ષની શરૂઆતમાં ડ્યૂક ઓફ એડિનબરાને નડેલા અકસ્માત બાદ સિક્યુરિટી ટીમની સલાહને માનીને ક્વિન જાહેર માર્ગો પર ડ્રાઈવિંગ કરવાનું છોડી દેવા સંમત થયા હોવાનું મનાય છે. જાહેર માર્ગો પર હવે તે શોફર સાથેની કારમા જોવા મળશે.
