BAPS ના વડા પૂ. મહંત સ્વામી હાલ અમદાવાદ ખાતે બિરાજમાન છે. દરરોજ તેમની પ્રાતઃપૂજા અને સાયં સભામાં મોટી સંખ્યામાં ઉમટીને હરિભક્તો દર્શનનો લાભ લઈ રહ્યા છે. તા.૨૫ને મંગળવારે વચનામૃત આધારિત કાર્યક્રમમાં ‘રાજીપાનું અમૃત’ વિષય પર સંવાદ ભજવાયો હતો. તેમાં હરિભક્તો પૂ. પ્રમુખ સ્વામી અને પૂ. મહંત સ્વામીને રાજી રાખવા કેવા ઉચ્ચ મૂલ્યો સાથે જીવે છે તેની રજૂઆત થઈ હતી.
પૂ. મહંત સ્વામીએ આશીર્વચનમાં કહ્યું, ‘મારે સારા થવું છે અને યોગીબાપા અને પ્રમુખ સ્વામીની રીતે સારા થવું છે. આ વિચાર ચાવી છે. તેનાથી ઘણું બધું થાય.’ ૨૬મીએ ‘કર્તાપણાનો મંત્ર’ વિષય પર પૂ. ઈશ્વરચરણ સ્વામીએ પ્રવચન આપ્યું હતું. પૂ. મહંત સ્વામીએ આશીર્વચનમાં કહ્યું,‘ ભગવાનને નિરાકાર માનો તો તેઓ અતિશય કુરાજી થાય.’ ૨૭મીએ ગ્રામ્ય દિનની ઉજવણીમાં સવારે ગ્રામ્ય વિસ્તારના હરિભક્તોએ કિર્તન ગાયા હતા અને સાંજે નૃત્ય કાર્યક્રમ તથા સમીપ દર્શન યોજાયા હતા. ૨૮મીએ નીલકંઠ સ્મૃતિ દિનની ઉજવણીમાં નીલકંઠને વધાવતું નૃત્ય તેમજ તેમના વિશે તૈયાર થઈ રહેલી એનિમેશન સિરીઝનું ટ્રેલર દર્શાવાયું હતું. આ પ્રોજેક્ટ તૈયાર કરનારા સંતો-હરિભક્તોનું અભિવાદન કરાયું હતું.
૩૦મીને રવિવારે ગુરુપૂર્ણિમા પ્રતિકોત્સવની ઉજવણીમાં ‘ગુરુ સર્જન, પોષણ, લય કરનાર’ વિષય પર તેને અનુરૂપ પ્રસંગો, નૃત્ય, વીડિયો અને પ્રવચનો રજૂ થયા હતા. ગુરુ સારા સમાજનું નિર્માણ કરે છે. સદમૂલ્યો, ધર્મ અને ભક્તિનું પોષણ કરે છે. ગુરુ દૂષણો, વહેમ, અંધશ્રદ્ધા અને કુરિવાજોને દૂર કરે છે. પૂ. મહંત સ્વામીએ ક્હયું હતું કે જેને જેને સત્સંગ મળ્યો છે તે દિવ્ય છે. આ પ્રસંગે ૧૯,૦૦૦ જેટલાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ૧ જુલાઈને સોમવારે બાળ પ્રવૃત્તિ દિનની ઉજવણી કરાઈ હતી. તેમાં સંસ્થાની બાળ પ્રવૃત્તિની રજૂઆત થઈ હતી. અમદાવાદથી પૂ. મહંત સ્વામી વિચરણ માટે ભરૂચ જશે.













