વડીલો સહિત સહુ વાચક મિત્રો, તગડી તિજોરી ધરાવતા ચીને તાજેતરના વર્ષોમાં આફ્રિકન દેશોમાં અંદાજે ૬૦ બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. ચીનની આ ‘ઉદાર આર્થિક સહાય’ કેન્યા, ટાન્ઝાનિયા, મોઝામ્બિક, ઘાના જેવા દેશોમાં એક તબક્કે અત્યંત પ્રભાવશાળી બની હતી. કુદરતી સંપદાથી સમૃદ્ધ, પરંતુ આર્થિક મામલે હંમેશા ભીંસ અનુભવતા આફ્રિકન દેશો ચીન પર ઓળઘોળ થઇ ગયા હતા. ચાઇનીઝ ‘મદદ’ની ભૂરકીએ એવો તે જાદુ પાથર્યો હતો કે પશ્ચિમી દેશોએ દાયકાઓ સુધી (ખરા અર્થમાં) ઉદાર હાથે આપેલી સરકારી સહાય, મસમોટી કંપનીઓનું જંગી મૂડીરોકાણ, બ્રિટિશ અને અમેરિકન ચેરિટીઓએ કોથળા ખોલી કરેલી આર્થિક મદદ બધેબધું આફ્રિકી દેશો લગભગ ભૂલી ગયા હતા.
ચીન તરફથી આર્થિક મદદના નામે વહેતો થયેલો પ્રચંડ નાણાંપ્રવાહ અને એકાદ લાખ જેટલા સરકારી કર્મચારીઓ કે કામદારોની સહાયને જોતાં તો એમ જ લાગતું હતું કે અમેરિકા - બ્રિટન કે ફ્રાન્સ તો શું, આફ્રિકન દેશોની સરકારો અને પ્રજાજનો ભારત સાથેના સૈકાઓ જૂના અનુદાનને પણ વિસરી જાય તો નવાઇ નહીં. ચીનના પ્રમુખ શી જિનપિંગ અને તેના પ્રધાનમંડળના વરિષ્ઠ સભ્યો વારંવાર આફ્રિકન દેશોની મુલાકાતે આવ-જા કરી રહ્યા હતા. આફ્રિકા અને બૈજિંગમાં આફ્રિકન દેશોની શિખર પરિષદો યોજાઇ રહી હતી અને બે-ચાર નહીં, ૫૦-૫૦ આફ્રિકન દેશોના વડેરાઓ ચીન અને ચીનની નેતાગીરીનો જયજયકાર કરી રહ્યા હતા. સહુ કોઇને પૂર્વમાંથી વહેતો મૂડીપ્રવાહ કસદાર દેખાતો હતો.
હાથના કર્યા હૈયે વાગ્યા
ચીને લગભગ આ જ નીતિ એશિયામાં અમલી કરી હતી. તેનો (બદ) ઇરાદો વિકાસના પંથે હરણફાળ ભરી રહેલા અને મજબૂત પ્રતિસ્પર્ધી તરીકે ઉભરી રહેલા ભારતને ભીંસમાં લેવાનો હતો. ચીને નાણાંનાં કોથળાં ખુલ્લાં મૂકી દઇને પાકિસ્તાન, શ્રીલંકા, મ્યાંમાર જેવા સાવ પડોશી દેશોમાં પગપેસારો કર્યો. આ દેશો પણ આફ્રિકાની જેમ જ ચીનને આવકારવા હરખભેર દોડી ગયા હતા, પરંતુ સમયના વહેવા સાથે તેમને પણ કડવી વાસ્તવિક્તાનું ભાન થઇ ગયું છે.
જેમ કે, શ્રીલંકામાં ચીનની મદદથી સાકાર થયેલો હંબનટોટા બંદર પ્રોજેક્ટ ધોળો હાથી પુરવાર થયો છે. અદ્યતન બંદરગાહ તો બન્યું પણ તેણે શ્રીલંકાને કમ્મરતોડ આર્થિક ફટકો માર્યો છે. ચીને સમગ્ર પ્રોજેક્ટ પાછળ ૭થી ૮ બિલિયન ડોલરનું જંગી મૂડીરોકાણ કર્યું, પરંતુ એ કંઇ મદદ નહોતી. એ તો ઊંચા વ્યાજ અને આકરી શરતો સાથેની લોન હતી. લોનની પરત ચૂકવણી શરૂ થતાં જ શ્રીલંકન સરકારની આંખે પાણી આવી ગયા. આખરે શ્રીલંકાને દેવું ચૂકવવા માટે પોતાની જ માલિકીનું હંબનટોટા બંદર ચીનને (તેની એક કંપનીને) ૯૯ વર્ષના લીઝ પર સોંપી દેવાની ફરજ પડી. અહીં સુધી તો હજુ સમજ્યા, પણ આ પછી ચીને ત્યાં પોતાના નૌકાદળના યુદ્ધ જહાજો લાંગરવાનો અને હિન્દ મહાસાગર પર ચાંપતી નજર રાખવાની હિલચાલ શરૂ કરી ત્યારે શ્રીલંકા સફાળું બેઠું થઇ ગયું. શ્રીલંકાએ ચીનના મૂડીરોકાણની બીજી યોજનાઓ પર તાકિદની અસરથી પાબંદી લગાવી દીધી. એટલું જ નહીં, શ્રીલંકન મતદારોએ પણ તાજેતરમાં યોજાયેલી ચૂંટણીઓમાં ચીનતરફી ઝોક ધરાવતા મહિન્દા રાજપક્ષેની સરકારને ઘરભેગી કરી દીધી છે.
જોકે શ્રીલંકા કરતાં પણ વધુ ગંભીર મામલો મે-જૂનમાં પૂર્વ આફ્રિકામાં જોવા મળ્યો. કેન્યાના પ્રમુખ ઉહુરુ કેન્યાટા લગભગ દસ દિવસ લાપતા રહ્યા. સોશ્યલ મીડિયા પર જોરદાર તલાશી અભિયાન ચાલ્યું. ટવીટર પર #FindPresidentUhuru નામે સંદેશા ફરતા થયા. જેનો સૂર કંઇક એવો હતો કે ૫ ફૂટ ૮ ઈંચ ઊંચો એક આફ્રિકન પુરુષ બૈજિંગમાં ખોવાઇ ગયો છે. શોધી આપો...
આપણા રાહુલ બાબાની જેમ કેન્યાટા પણ ‘અલોપ’ થઇ ગયા હતા. (વાચક મિત્રો, યાદ છે ને બે’ક વર્ષ પૂર્વે રાહુલ ગાંધી પણ દસેક દિવસ માટે ગુમ થઇ ગયા હતા અને તે સમયે તેઓ ક્યાં ગયા હતા તે વાતનો ભેદ આજ સુધી અકબંધ છે.) કેન્યાટા પણ મોટી મુરાદો સાથે ચીનની મુલાકાતે તો ગયા હતા, પરંતુ ખાલી હાથે પાછા ફર્યા ત્યારે ભારે વિમાસણમાં હતા. કારણ શું હતું?
આખરે કેન્યાટાએ ૭ જૂને મગનું નામ મરી પાડતાં જાહેર કર્યું કે ચીન તો આર્થિક મદદના નામે આપણને રમાડી રહ્યું છે. ચીનની કહેવાતી મદદના નામે મોમ્બાસા-નાઇરોબી રેલવે લાઇનનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. બજેટ હતું આશરે ૧૦-૧૨ બિલિયન ડોલર. મોમ્બાસા-નાઇરોબીના શાસકોથી માંડીને આમ આદમી એવી આશામાં રાચતા હતો કે આ પ્રોજેક્ટ સાકાર થયે સમગ્ર પ્રદેશ પ્રગતિના પંથે હરણફાળ ભરશે. પ્રથમ તબક્કામાં ૪.૭ બિલિયન ડોલરના ૫૦૦ કિલોમીટરનો રેલવે માર્ગ લગભગ તૈયાર થઇ ગયો. આ પછી ચીને પોત પ્રકાશ્યું. હવે પ્રોજેક્ટના બીજા તબક્કામાં ૩.૫ બિલિયન ડોલરના ખર્ચે સાકાર થનારી નાઇરોબી-કિસુમુ રેલ લાઇન નાખવામાં મદદ કરવાનો ચીન ઇન્કાર કરી રહ્યું છે. પરિણામે કેન્યાટા સાહેબને ભારે ઝાટકો લાગ્યો છે. તેઓ નારાજ છે. બગાવત કરવા પણ તત્પર બન્યા છે. પરંતુ અત્યારે તો તેમની હાલત મા મને કોઠીમાંથી કાઢ જેવી થઇ છે.
બાગામોયો બંદરઃ યોજનાની બૂરી હાલત
ટાન્ઝાનિયાના મુખ્ય શહેર અને અગ્રીમ કક્ષાના બંદર દારે સલામની ક્ષમતા વધારવાનું શક્ય ન હોવાથી હિન્દી મહાસાગરમાં ઉત્તરીય તટ ઉપર આવેલા બાગામોયો બંદરને વિકસાવવા માટે ચીને ૧૦ બિલિયન ડોલરનું મૂડીરોકાણ કરવાનું સ્વીકાર્યું હતું. વાચક મિત્રો, આપનામાંથી કેટલાય લોકો પૂર્વ આફ્રિકા સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતા હશે. બાગામોયો એક જમાનામાં સ્લેવ ટ્રેડિંગ સેન્ટર - ગુલામોની લે-વેચના મુખ્ય મથક તરીકે દુનિયાભરમાં કુખ્યાત હતું.
ઉત્તર ટાન્ઝાનિયાના મોશી, અરુશા જેવા વિસ્તારોમાં કોફી, સાઇસલ, ચા તેમ જ અન્ય ખેત પેદાશો અને ખનીજ ઉત્પાદનનો ધીકતો વિકસાવવામાં બાગામોયો ઉપયોગી બની શકે તેમ હતું, પરંતુ ટાન્ઝાનિયાના પ્રમુખ જ્હોન મંગુફુલી પણ આજકાલ ચીનથી ભારે નારાજ છે. તેમણે પણ સાતમી જુને એક ઘોષણા કરી છે કે બાગામોયો બંદરને વિકસાવવાનું આયોજન અચોક્કસ મુદત માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.
કારણ? આ પ્રોજેકટમાં જોડાયેલી ચાઇનીઝ પાર્ટનર કંપનીએ એવી આકરી શરત મૂકી કે આર્થિક સહયોગના બદલામાં તેને આ બંદર ૯૯ વર્ષની લીઝ પર આપવાનું રહેશે. એટલું જ નહીં. ટાન્ઝાનિયા સરકાર દેશમાં અન્ય કોઇ સ્થળે બંદર વિકસાવી શકશે નહીં.
વાચક મિત્રો, માત્ર કેન્યા કે ટાન્ઝાનિયા જ નહીં, આફ્રિકા ખંડના અન્ય દેશો પણ ચીનની આવી જ નાગડદાઇ (દોંગાઇ, લુચ્ચાઇ, નફટાઇ)નો ભોગ બન્યા છે. અવાસ્તવિક આયોજન માટે મબલખ નાણાં ઠાલવવા અને પછી તેનું વ્યાજ કે મુદ્દલ પણ પરત કરવાના ફાંફા પડી જાય અને આખરે કરજદાર દેશને દેવું ચૂકવવા પોતાની અફાટ જમીન લાંબા ગાળા માટે વિદેશી સરકારને કે કંપનીને સોંપી દેવી પડે એ તો કોઇ પણ સ્વતંત્રતાપ્રેમી દેશ કે પ્રજા ન જ સ્વીકારી શકેને? આમ છતાં, આફ્રિકા ખંડના ૧૭ દેશોમાં ચીનની આર્થિક ઘૂસણખોરી વધી રહી છે.
ભારતવંશીઓનું સ્વિકારતું વર્ચસ્વ
આફ્રિકામાં છેલ્લા ૧૦૦થી ૧૫૦ વર્ષો દરમિયાન, સવિશેષ પૂર્વ અને દક્ષિણ આફ્રિકામાં (જેમ કે, કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા, સાઉથ આફ્રિકા, મલાવી, મોઝામ્બિક, ઝિમ્બાબ્વે, ઝામ્બીયા વગેરે દેશોમાં) ભારતીય વંશજો ક્રમે ક્રમે મોટી સંખ્યામાં સ્થાયી થયા છે. જેમાં દુકાવાલાથી લઇને મસમોટી પેઢીઓના (જેમ કે માધવાણી, મહેતા, કરીમજી, વિસરામ વગેરે પરિવારોના) સ્થાપકોનો સમાવેશ થાય છે. એક રીતે જોઇએ તો આફ્રિકાના દેશોમાં ભારતીય વંશજોની સંખ્યા અને મૂડીરોકાણ ચીન કરતાં તો અનેકગણું વધારે છે જ, પરંતુ સૌથી નોંધનીય બાબત છે શાંતિ-સહયોગની આપણી પરંપરાગત નીતિરીતિ. સવિશેષ તો આફ્રિકાની આઝાદીની ચળવળમાં ભારતના સંગીન સાથસહકારના પરિણામે વાતાવરણ સકારાત્મક છે. ચીનની જેમ બળિયાના બે ભાગ જેવી નીતિ તો ભારતીયો ક્યારેય નથી અપનાવતા. આપણે ભારતીયો - દુનિયામાં જ્યાં પણ જઇ વસીએ છીએ, ત્યાનાં લોકો સાથે હળીમળીને, કાયદા-કાનૂનને અનુસરીને કામ કરીએ છીએ.
ઝૂંપડપટ્ટી ઝિંદાબાદ, ઉંચી હવેલી મુર્દાબાદ
વડીલો સહિત સહુ વાચક મિત્રો, ૧૯૬૩માં હું દારે સલામથી પ્રથમ વખત ભારત પરત પહોંચ્યો હતો. મુંબઇ બંદરે ઉતર્યો. બોમ્બે સેન્ટ્રલ સ્ટેશને જતાં રસ્તામાં એક રાજકીય મોરચો જોયો. સામ્યવાદી પક્ષની રેલીમાં આ અને આવા સૂત્રો ગાજતા જોવા મળ્યા હતા. પણ શું ખરેખર આવું હોય છે? ના, હું તો આમાં લગારેય માનતો નથી. સમય-સંજોગ-સ્થિતિના કારણવશ વ્યક્તને ભલે ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરવો પડતો હોય, પરંતુ તેમાં રહેનાર પણ પ્રગતિના માર્ગે પ્રયાણ કરવા આતુર હોય છે. ‘એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી’ તરીકે ઓળખાતી ધારાવીની જ વાત કરોને... આ વસાહત એક શહેર જેવી છે. અહીં વસતાં લોકોને પણ સપનાં છે, અને તેને સાકાર કરવા તેઓ દિવસ-રાત મહેનત પણ કરતા હોય છે. આ વિસ્તારને ભલે ‘ઝૂંપડપટ્ટી’નું લેબલ લાગતું હોય, પરંતુ અહીં નાના-મોટા અનેક ઉત્પાદન એકમો ધમધમે છે. સમયના વહેણ સાથે અહીં વસતા શ્રમિકો જાતમહેનતના જોરે નાના-મોટા એકમના માલિક બન્યાના એક નહીં, અનેક ઉદાહરણ અહીં જોવા મળે છે. કહેવાનું તાત્પર્ય એટલું જ કે આર્થિક અસમાનતા માટે ઊંચી હવેલીમાં રહેતા ધનિકોને ભાંડવાના બદલે ગરીબોને આર્થિક પગભર, શક્ય હોય તો સ્વનિર્ભર બનાવવાની જરૂર છે. તેમને પણ સપનાં હોય છે, તેને સાકાર કરવાની ઝંખના પણ હોય છે, અને આ માટે મહેનત કરવાની તૈયારી પણ હોય છે, તેમને જરૂર હોય છે બસ સમર્થનની. આમ થશે તો આપમેળે જ આર્થિક અસમાનતા ઘટતી જશે. અરે, વાચક મિત્રો, હું પણ ક્યાંનો ક્યાં નીકળી ગયો... ચાલો, આજે તો આપણે વાતને માત્ર ઊંચી હવેલી પૂરતી જ સીમિત રાખીએ...
દુબઇમાં આવેલું બુર્જ ખલિફા ટાવર વિશ્વની સૌથી ઊંચી ઇમારત તરીકે ઓળખાય છે. ૧૦૮ માળની આ ઇમારત આશરે ૧૨૦૦ ફૂટ ઊંચી છે. અહીં એક એપાર્ટમેન્ટની કિંમત ૫ મિલિયન ડોલરથી શરૂ કરીને ૯૩ મિલિયન ડોલર સુધી પહોંચે છે, અને છતાં એકેએક એપાર્ટમેન્ટ વેંચાઇ ગયા છે.
તાજેતરમાં પ્રકાશિત એક રિસર્ચ રિપોર્ટ અનુસાર આજે વિશ્વમાં ૧૫૦ મીટરથી ઊંચા કુલ ૨૦૦૦ રેસિડેન્સિયલ બિલ્ડીંગ છે. અને ૫૦૦થી વધુ બિલ્ડીંગનું નિર્માણકાર્ય પૂરજોશથી ચાલી રહ્યું છે. દુનિયાભરના આવા પ્રોજેક્ટસની જાણકારી રાખતા સ્કાયસ્ક્રેપર્સ સેન્ટરના ઓનલાઇન ડેટાબેઝ અનુસાર, બ્રિટનમાં કેનેરી વોર્ફ, ચેલ્સી, કેન્સીંગ્ટન, સિટી ઓફ લંડન કે પછી આવા અન્ય વૈભવશાળી વિસ્તારોમાં આવેલી બહુમાળી ઇમારતોમાં ત્રણ બેડરૂમના એપાર્ટમેન્ટ ૧.૫ મિલિયન પાઉન્ડ કે તેનાથી પણ ઊંચી કિંમતે વેંચાઇ રહ્યા છે. આપને જાણીને નવાઇ લાગશે કે આવા મોંઘેરા એપાર્ટમેન્ટના ખરીદદારોમાં ૪૦ ટકા જેટલા તો શાંઘાઇ, કુઆલા લમ્પુર, આપણા મુંબઇ - બેંગ્લૂરુ જેવા મહાનગરોના ધનાઢયો હોય છે. આ અલ્ટ્રા લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ આકર્ષક એન્ટ્રન્સથી માંડીને જીમ, સ્વીમીંગ પુલ, ૨૪ કલાક સિક્યુરિટી સહિતની અત્યાધુનિક સાધનસુવિધાઓથી સજ્જ હોય છે.
આ બધું વાંચીને કોઇ પણ વ્યક્તિ એવું માનવા પ્રેરાય કે તો પછી આવા એપાર્ટમેન્ટની ભારે ડિમાન્ડ રહેતી હશે. જોકે હકીકત જુદી જ છે. બેંગ્લૂરુના વતની શ્રી સોનુ ભંડારીનો આ કિસ્સો વાંચીને તમે માથું ખંજવાળતા થઇ જશો કે માળું આ તે વળી કેવું?! ભંડારીજીએ સિટી ઓફ લંડનના અતિશય પોશ એવા વિસ્તારમાં, થેમ્સ નદીના કિનારે સાકાર થયેલા Key Bridge Houseમાં ત્રણ બેડરૂમનો એક એપાર્ટમેન્ટ ૧.૪ મિલિયન પાઉન્ડમાં ખરીદયો. તેમને જાણીતી એસ્ટેટ એજન્સીએ સમજાવ્યું હતું કે હજુ તો પ્રોજેક્ટનું કન્સ્ટ્રકશન ચાલુ છે ત્યાં જ - ઓફ ડ્રોઇંગ ડિલ કરી લો, લાભમાં રહેશો. બે વર્ષમાં પ્રોપર્ટી તૈયાર થઇ જતાં ઓછામાં ઓછા ૧૫ ટકા તો કિંમત ઊંચકાશે જ...
પણ આવું કંઇ ન થયું. આખરે ગયા માર્ચમાં ભંડારીજીએ ૧.૨ મિલિયન પાઉન્ડમાં આ એપાર્ટમેન્ટ વેચી નાંખ્યો. નફો બાંધવાની વાત તો બાજુએ રહી, બે લાખ પાઉન્ડ તૂટ્યા. આને આપણી દેશી ભાષામાં કહેવાય કથરોટ ભાંગીને કૂંડુ કરવું.
પ્રોપર્ટીમાં મૂડીરોકાણ
રહેઠાણ બાબતે બ્રિટિશ અર્થતંત્રની વ્યવસ્થા યુરોપિયન દેશો કરતાં સાવ અલગ છે એમ કહી શકાય. બ્રિટનમાં પોતીકું રહેઠાણ ખરીદવાનું માનસ સર્વત્ર જોઇ શકાય છે. બ્રિટિશ પરિવારોમાંથી લગભગ ૬૦ ટકા લોકો પોતીકી માલિકીના નિવાસમાં રહે છે. સરકારી આંકડા અનુસાર, ભારતીય વંશજોમાં પોતીકી માલિકીના રહેઠાણનું પ્રમાણ ૭૩ કરતાં પણ સ્હેજ વધુ છે. આમાં પણ જે ભારતીયો ત્રણેક દસકાં પૂર્વે બ્રિટનમાં આવીને વસ્યાં છે તેમની માલિકીના બહુમતી નિવાસસ્થાનો પર મોર્ગેજ નથી અથવા તો નહીંવત્ હોય છે.
રેસિડેન્સિયલ પ્રોપર્ટીઝમાં મૂલ્યવૃદ્ધિની વાત કરીએ તો, ૧૯૦૮થી માંડીને ૨૦૧૭ સુધી પ્રતિ વર્ષ સરેરાશ ૬ ટકાના દરે ભાવવધારો થતો જોવા મળ્યો છે. જ્યારે આ જ સમયગાળામાં ફુગાવાનો દર લગભગ ૪ ટકા કે તેનાથી ઓછો રહ્યો છે. આનો સીધોસાદો અર્થ એ થયો કે આ દેશમાં બચત સ્વરૂપે બેન્ક કે શેરબજારમાં કે અન્ય રીતે કરેલા મૂડીરોકાણની સરખામણીએ પ્રોપર્ટીમાં કરેલું મૂડીરોકાણ સારી રીતે નફાકારક હોય છે.
અલબત્ત, આમાં બે મુદ્દે સાવચેતી રાખવી આવશ્યક છે. એક તો, મોર્ગેજ લીધું હોય તો તે કમરતોડ રકમનું ન હોવું જોઇએ. અને બીજું, તેનો વ્યાજદર આપણને પરવડશે કે નહીં તેની ગણતરી વ્યક્તિએ પોતાની આવક-જાવકના પાસાંને નજરમાં રાખીને આગોતરી જ કરી લેવી જોઇએ. લેને ગયે પૂત ઓર ખો આયે ખસમ તેવું ન થવું જોઇએ.
બ્રિટનમાં બહુમતી પ્રજા પોતીકી માલિકીના મકાનમાં રહેવાનું પસંદ કરે છે તો જર્મની કે ફ્રાન્સમાં ૬૦ ટકા લોકો ભાડાના મકાનમાં રહેવાનું પસંદ કરે છે. બ્રિટનમાં પોતીકી માલિકીના રહેઠાણને વેચવાથી થતી આવક પર કેપિટલ ગેઇન ટેક્સ લાગતો નથી. આમ બ્રિટનમાં પ્રોપર્ટીમાં કરેલું મૂડીરોકાણ સરવાળે અત્યંત લાભદાયક સાબિત થાય છે. આપણામાંથી કેટલાય લોકો શરૂ શરૂમાં આ દેશમાં આવ્યા ત્યારે એક-બે રૂમના ભાડાના મકાનમાં રહેતા હતા, આ પછી પોતીકી માલિકીનો ફ્લેટ વસાવ્યો. બાદમાં સમૃદ્ધિ વધી તો ટેરેસ મકાનમાં રહેવા પહોંચ્યા અને સમયાંતરે આર્થિક પાયો વધુ મજબૂત બન્યો તો ડિટેચ્ડ મકાનમાં જઇ વસ્યા. સમયાંતરે સંતાનો વયસ્ક થયાં. પંખીઓ માળો છોડીને ઉડી જાય એટલે ફરી પાછા માતા-પિતા, દાદા-દાદી ફ્લેટમાં રહેવા પહોંચી જાય છે. આમાં કંઇ નવાઇજનક નથી. જિંદગીનો આ જ શિરસ્તો છે.
બ્રિટનમાં મૂડીરોકાણ માટે રેસિડેન્સિયલ કે કોમર્શિયલ બિલ્ડીંગ હોય તે એક રીતે અત્યંત આકર્ષક અભિગમ ગણી શકાય તેમાં બેમત નથી, પરંતુ ચેતતા નર સદા સુખી. બેંગ્લૂરુવાળા ભંડારીજીની જેમ ગળામાં ઘંટ બંધાઇ ન જાય તેનું ધ્યાન રાખો તો વળતર જ વળતર છે. (ક્રમશઃ)

