કાશ્મીર સમસ્યા મુદ્દે મોદી સરકાર સક્રિય

Tuesday 02nd July 2019 08:50 EDT
 

કાશ્મીર ભારતનું ઉન્નત મસ્તક છે, પરંતુ તેના ગૌરવ અને મહત્ત્વની સરકારોએ સતત અવગણના કરી છે. પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ તેમજ સરહદી હુમલાઓના કારણે રાજ્યમાં સતત અશાંતિ ફેલાયેલી રહે છે. સરહદ પર લોકો પોતાના ઘરમાં શાંતિથી રહી શકતાં નથી ત્યારે તેમના માટે જીવન ગુજારવું અશક્ય અને અસલામત બની રહે છે. આ સંજોગોને ધ્યાનમાં રાખીને નરેન્દ્ર મોદી સરકારે સંવેદનશીલ જમ્મુ અને કાશ્મીર માટે અનામત કાયદામાં ફેરફાર કરીને રાજ્યના નબળાં, પછાત વર્ગની સાથોસાથ આંતરરાષ્ટ્રીય સરહદ નજીક રહેતાં લોકો માટે સ્તુત્ય પગલું ભર્યું છે. આ પગલાંથી જમ્મુ અને કાશ્મીરના લોકો મુખ્ય પ્રવાહમાં ભળી શકશે. આ સાથે જમ્મુ અને કાશ્મીરમાં ૨૦ ડિસેમ્બર ૨૦૧૮થી અમલી રાષ્ટ્રપતિ શાસનની મુદત વધુ છ માસ લંબાવવાનો નિર્ણય સરકારે કર્યો છે.
ગૃહ પ્રધાન અમિત શાહે સૌથી મહત્ત્વની વાત લોકસભામાં એ કરી છે કે જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ અસ્થાયી જોગવાઈ છે. શાહે સ્પષ્ટ કર્યું છે કે કાશ્મીર સંદર્ભે અમારો અભિગમ જરા પણ બદલાયો નથી. પંડિત નેહરુથી મનમોહન સિંહ સુધી કોંગ્રેસ સરકારની નીતિઓ સામે સવાલ ઉઠાવતાં તેમણે કહ્યું કે કાશ્મીરમાં લોકતંત્ર મજાક બની ગયું છે. દેખીતી રીતે જ કાશ્મીરની વર્તમાન અરાજકતા અને અશાંતિ માટે દેશના પ્રથમ વડા પ્રધાન પંડિત નેહરુએ કાશ્મીર મુદ્દો યુએન સમક્ષ લઈ જવા સહિત લીધેલા કેટલાક નિર્ણયો જવાબદાર ગણાવી શકાય. જોકે, મોદી સરકારે કાશ્મીરમાં પહેલી વખત ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી આતંકવાદને ખતમ કરવા માટે કોઈ જ કસર નથી છોડી. ભારતવિરોધીઓના મનમાં ડર પેદા કરવા માટે જ આતંક અને અલગતાવાદ સાથે સંકળાયેલા જમાત-એ-ઈસ્લામી અને જેકેએલએફ પર પ્રતિબંધ લાગ્યો છે. આવી સંસ્થાઓના નેતાઓની સુરક્ષા વ્યવસ્થા હટાવી લેવાઈ છે. એક મહત્ત્વની ઘટના એ પણ ધ્યાને લેવી જોઈએ કે ગૃહ પ્રધાન શાહે પહેલી વખત જ કાશ્મીરની મુલાકાત લીધી ત્યારે અલગાવવાદી નેતાઓ દ્વારા બંધ કે હિંસક વિરોધનો પ્રયાસ થયો નથી. છેલ્લા ૩૦ વર્ષમાં આવું પહેલી વખત બન્યું છે.
પાકિસ્તાન સાથે લાઈન ઓફ કન્ટ્રોલ અને આંતરરાષ્ટ્રીય સરહદ પર અશાંતિના કારણે નજીકમાં વસતાં લોકોને શેલ્ટર હોમ્સમાં રહેવાની ફરજ પડે છે. બાળકોને પણ માતા-પિતા સાથે અનેક દિવસ સુધી અહીં રહેવું પડે છે, શાળાઓ બંધ રહે છે અને તેમના અભ્યાસને અસર થાય છે. સરહદ નજીક વસતા સાડા ત્રણ લાખ લોકોનું હિત સચવાય અને તેમના જીવન સુચારુ ચાલતા રહે તે માટે અનામતની જોગવાઈ કરાઇ છે. આંતરરાષ્ટ્રીય સરહદે વસતા લોકો ઉપરાંત સુરક્ષાના કારણોથી અન્યત્ર ચાલ્યા ગયેલાં લોકોને પણ અનામતનો લાભ મળશે. સુધારા બિલના લીધે અનુસૂચિત જાતિ અને જનજાતિ ઉપરાંત, સામાજિક અને આર્થિક રીતે પછાત લોકોને પણ સરકારી નોકરીઓ, પ્રમોશન અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતનો લાભ મળશે. અંદાજે ૩૬ લાખ લોકોને આનાથી ફાયદો થશે. પરિણામે રાજ્યમાં બેરોજગારી ઘટશે અને યુવાનોના હાથમાંથી પથ્થરો અદૃશ્ય થઈ જશે તેમાં શંકા નથી.
ગૃહ પ્રધાને વર્ષના અંતમાં જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી કરાવવાનું જણાવ્યું છે. ચૂંટણી પંચે રમજાન તેમજ અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખી થોડા સમય પછી ચૂંટણી યોજવાનું સૂચન કર્યું છે. તેમના દાવા અનુસાર રાજ્યમાં રક્તરંજિત ચૂંટણીનો માહોલ અનેક વખત જોવા મળ્યો છે, પરંતુ તાજેતરની લોકસભા ચૂંટણીમાં એક પણ વ્યક્તિએ જાન ગુમાવ્યો નથી. સંપૂર્ણ સુરક્ષા આપવી શક્ય ન હોવાથી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે કરાવાઈ ન હોવાનું પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું. સ્વાભાવિક રીતે જ કોંગ્રેસે રાષ્ટ્રપતિશાસન લંબાવવાનો અને અનામત ફક્ત ચૂંટણીમાં લાભ માટે જ અપાઇ હોવાના આક્ષેપ કરીને તેનો વિરોધ કર્યો છે. અગાઉ, રાજ્યમાં નવેસરથી સીમાંકન દ્વારા કાશ્મીર ખીણની સાથોસાથ જમ્મુ અને લદાખને પણ યોગ્ય પ્રતિનિધિત્વ મળે તેની તૈયારીઓ સરકારે આરંભી છે. આમ કેન્દ્ર સરકાર કાશ્મીર સમસ્યા મુદ્દે વધુ સક્રિય બની છે.


comments powered by Disqus