તાજેતરમાં જ જાપાનના ઓસાકા નગરમાં જી-૨૦ દેશોની બે દિવસની મહત્ત્વની બેઠક યોજાઈ હતી, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો દબદબો સ્પષ્ટ જણાઈ આવ્યો હતો. અત્યાર સુધી જે દેશના વડા પ્રધાનને કોઈ ગણતરીમાં લેવાતા ન હતા તેના બદલે દરેક આંતરરાષ્ટ્રીય બેઠકોમાં ભારતનું મહત્ત્વ વધી ગયું છે. જી-૨૦ સમિટની સમાંતરે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, વડા પ્રધાન મોદી અને જાપાની વડા પ્રધાન શિન્જો આબે વચ્ચે ત્રિપક્ષી બેઠક યોજાઈ. તો બીજી તરફ, ‘બ્રિક્સ’ના મુખ્ય દેશો રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન, ચીનના પ્રમુખ શી જિનપિંગ અને વડા પ્રધાન મોદી વચ્ચે પણ બેઠક યોજાઈ હતી.
જાપાન-અમેરિકા-ભારત (JAI - જય) ત્રિપક્ષીય સમૂહની આ બીજી બેઠકમાં મોદીએ ભારતની મહત્તા પર ભાર મૂક્યો હતો. તો તેમણે જી-૨૦ સંગઠન સાથે ભારતના જોડાણનું મહત્ત્વ પણ સમજાવ્યું હતું. આ બેઠકમાં ત્રણેય દેશના વડા વચ્ચે ઊર્જા, વેપાર અને આતંકવાદ તેમજ ઈરાન મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. ઈરાન મુદ્દે તો ટ્રમ્પે કહ્યું કે, અમારી પાસે હજુ ઘણો સમય છે. કોઈ ઉતાવળ નથી. જાપાની વડા પ્રધાન શિન્જો આબે આ વર્ષે શિખર મંત્રણા માટે ભારતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે બે દેશના વિદેશ અને સંરક્ષણ પ્રધાનોની મહત્ત્વની બેઠકો યોજવાનો પણ નિર્ણય લેવાયો છે.
ટ્રમ્પ અને મોદી વચ્ચે સકારાત્મક અને સૌહાર્દભર્યા માહોલમાં થયેલી બેઠકમાં ટ્રમ્પે લોકસભા ચૂંટણીમાં શાનદાર વિજય બદલ મોદીને ફરીથી શુભેચ્છા આપીને ભારત સાથેના સંબંધો વધુ મજબૂત બન્યા હોવાની લાગણી વ્યક્ત કરી હતી તો વડા પ્રધાન મોદીએ પોતાના ‘સબકા સાથ સબકા વિકાસ’ મંત્રને દોહરાવી લોકતંત્ર અને શાંતિ માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી. અમેરિકી પ્રમુખ સાથે ઈરાન સહિત ચાર મુદ્દે ચર્ચા થઈ, પરંતુ રશિયા સાથે એસ-૪૦૦ સોદા અંગે કોઈ ચર્ચા ન થઈ. ઉલ્લેખનીય છે કે અમેરિકાએ ભારતને આધુનિક મિસાઈલ્સ આપવાની ઓફર સાથે રશિયા સાથે સંરક્ષણ સોદો નહિ કરવા તાકીદ કરી છે. જોકે ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે કોઈ પણ નિર્ણય ભારતના હિતને ધ્યાનમાં રાખીને જ લેવાશે. હાલ ભારત દ્વારા અમેરિકી ઉત્પાદનો પર ભારે ટેરિફ લગાવાયા મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. ટ્રમ્પે પણ બેઠક અગાઉ આ ટેરિફ અસ્વીકાર્ય હોવાનું કહ્યું હતું. આમ છતાં, ટ્રમ્પે ભારત સાથે મોટા વેપારી સોદાઓની શક્યતાનો પણ સંકેત આપ્યો છે. આનું કારણ પણ સ્પષ્ટ છે. દુનિયાના ચીન, રશિયા કે અમેરિકા સહિતના દેશો ભારતના વિશાળ કન્ઝ્યુમર માર્કેટને અવગણી શકે તેમ નથી.
વડા પ્રધાન મોદી દરેક આંતરરાષ્ટ્રીય બેઠકમાં આતંકવાદનો મુદ્દો દોહરાવતા જ રહે છે. જી-૨૦ શિખર સંમેલનમાં પણ આતંકવાદનો મુદ્દો ઉઠાવી તેમણે આતંકવાદ વિરુદ્ધ વૈશ્વિક સંમલેન યોજવા પર ભાર મૂક્યો હતો અને આતંકવાદના પ્રસાર માટેના તમામ માર્ગ બંધ થવા જોઈએ તેમ કહીને પાકિસ્તાન પર આડકતરો પ્રહાર પણ કર્યો હતો. કેટલાક દેશો વચ્ચે વેપારમાં એકતરફી નિર્ણય લેવા સામે પણ તેમણે વિરોધ કર્યો હતો.
મોદીએ જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ સાથે પણ આર્ટિફિશિલ ઈન્ટેલિજન્સ, ઈ-મોબિલિટી, સાયબર સિક્યુરિટી, રેલવેના આધુનિકીકરણ અને કૌશલ્ય વિકાસ ક્ષેત્રોમાં સહકાર વધારવાની ચર્ચા કરી હતી. આ ઉપરાંત, વડા પ્રધાને સાઉદી ક્રાઉન પ્રિન્સ સાથે આતંકવાદ તેમજ એનર્જી અને ઓઈલ ક્ષેત્રમાં સહકાર, સાઉથ કોરિયાના પ્રમુખ સાથે દ્વિપક્ષી સંબંધો અને વેપાર, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે પણ ચર્ચા કરી હતી. મહત્ત્વના દેશોના વડાઓએ વડા પ્રધાન મોદી સાથે ચર્ચાની આ તક ઝડપી લીધી તે જ ભારતના વિશ્વમાં વધી રહેલા કદને દર્શાવે છે.
