• સર્વાઈકલ કેન્સર સામેની લંડતના અંતની વૈજ્ઞાનિકોને આશા
HPV રસી સફળ રહી હોવાથી થોડા દાયકામાં બ્રિટનમાંથી સર્વાઈકલ કેન્સરને નાબૂદ કરી શકાશે તેમ વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું. સંશોધકોને જણાયું હતું કે ૨૦૦૮થી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને રસી આપવાનું શરૂ કરાયું ત્યારથી ૧૫થી ૧૯ વર્ષની વચ્ચેની વયની યુવતીઓમાં કેન્સર પેદા કરતા વાઈરસને કારણે ચેપ લાગવાના દરમાં ૮૬ ટકાનો ઘટાડો થયો હતો.
• અડધા જેટલા બ્રિટિશ જેહાદીઓ પરત ફર્યા
‘અતિ જોખમી’ કહી શકાય તેવા જેહાદીઓ યુરોપ પરત ફર્યા હોય તેની ટકાવારી બ્રિટનમાં સૌથી ઉંચી છે. યુરોપોલના અહેવાલમાં જણાવાયું હતું કે આઈએસઆઈએલના ઉદભવ દરમિયાન જે બ્રિટિશરો સીરિયા અને ઈરાક ગયા હતા તેમાંથી લગભગ અડધોઅડધ સલામત રીતે પાછા ફર્યા હતા.
• ટેક્સ પેયરોના નાણાંથી અડધી સ્ટુડન્ટ લોન ચૂકવાશે
સરકારના અંદાજ પ્રમાણે લગભગ અડધી સ્ટુડન્ટ લોન ટેક્સપેયરોના નાણાંથી ચૂકવાઈ રહી છે. જે અગાઉના બે વર્ષ કરતાં ૫૭ ટકા વધુ છે. ૨૦૧૮-૧૯માં જે અંડરગ્રેજ્યુએટ લોન લેશે તે તેમની જાતે માત્ર ૫૩ ટકા પરત ચૂકવશે. જ્યારે બાકીના ૪૭ ટકા કરદાતાઓના ભંડોળમાંથી જશે.
• પતિ પર ધાક જમાવવા બદલ પત્નીની ધરપકડ
નોર્થ યોર્કશાયરના કેટરીકની ૫૮ વર્ષીય મહિલા વેલેરી સેન્ડર્સે તેના ૫૮ વર્ષીય બોડીબિલ્ડર પતિ માઈકલને ઘરકામમાં મદદ કરવાનું કહેતા તેની ધરપકડ કરવામાં આવી હતી. વેલેરીએ દાવો કર્યો હતો કે તેણે માઈકલને તેની કેટલીક જીમ સેશન્સ રદ કરીને વેક્યુમ ક્લિનરથી ઘરમાં સફાઈ કરવા કહ્યું હતું. આમ કહેવા બદલ તેને ૧૭ કલાક જેલમાં વિતાવવા પડ્યા હતા અને ધાક જમાવતી વર્તણુંકના આરોપોનો સામનો કરવો પડ્યો હતો. જોકે, આગળ કાર્યવાહી પહેલા તેનો કેસ કાઢી નંખાયો હતો.
• કબૂતર પાસે પેસ્ટ્રી ફેંકવા બદલ £૧૫૦નો દંડ
કબૂતરને સોસેજ રોલનો ટૂકડો ખવડાવવા બદલ ૫૪ વર્ષીય સેલી-એન ફ્રિકરને ૧૫૦ પાઉન્ડનો દંડ કરાયો હતો. તેઓ તેમની પુત્રી ટોની બ્રેડલી અને બે પૌત્ર સાથે બાથ ખાતે શોપિંગ કરવા ગયા હતા. તે સમયે એક કબૂતર અચાનક તેમની પાસે આવીને બેઠું. ફ્રિકરે કબૂતરને ખાવા માટે પેસ્ટ્રીનો ટૂકડો નાખ્યો. પુત્રી ટોનીના જણાવ્યા મુજબ થોડીક ક્ષણોમાં જ બાથ અને ઈસ્ટ સમરસેટ કાઉન્સિલના એન્ફોર્સમેન્ટ ઓફિસર તેમની પાસે આવ્યા હતા અને વધુ પ્રમાણમાં ખોરાક જમીન પર ફેંકવા બદલ તેમને ૧૫૦ પાઉન્ડનો દંડ કર્યો હતો.
• યોગ્ય સલાહ વિના જ ૬૦ ટકા દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ
વિક્રમ સંખ્યામાં દર્દીઓને પોતાની સંભાળ કેવી રીતે રાખવી તેની યોગ્ય સલાહ આપ્યા વિના જ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાતો હોવાનું વોચડોગ કેર ક્વોલિટી કમિશન (CQC)ને જણાયું હતું. તેના મહત્ત્વની રિપોર્ટમાં જણાવાયું હતું કે ૬૦ ટકા દર્દીઓને હોસ્પિટલમાંથી ઘરે ગયા પછી કેવી રીતે સંભાળ રાખવી તેની લેખિત સલાહ અપાતી નથી.
• વધુ નોટો ભરેલું વોલેટ ચોરાય તો પાછું મળવાની વધુ શક્યતા
વધુ પ્રમાણમાં નાણાં ભરેલું વોલેટ ચોરાઈ જાય તો તે પાછું મળવાની શક્યતા વધુ હોવાનું વૈજ્ઞાનિકોને જણાયું હતું. સંશોધકો વિશ્વના ૪૦ દેશોનો અભ્યાસ કર્યો હતો અને તેમાં હોટલો, બેંકો અને પોસ્ટ ઓફિસ જેવી જગ્યાઓ પર ૧૭,૦૦૦ જેટલાં વોલેટ ભૂલી ગયા હતા. વોલેટમાં રકમ વધવાની સાથે ૩૮ દેશોમાં પ્રામાણિકતાનું સ્તર વધુ હોવાનું જણાયું હતું.
• ફી મુદ્દે પ્રવાસીઓ રેયન એર સામે કાર્યવાહી કરી શકે
બોર્ડિંગ પાસ પ્રિન્ટ કરવા અથવા બુકિંગમાં થયેલી સ્પેલિંગની ભૂલને સુધારવા માટે લેવાતી ૧૧૫ પાઉન્ડ સુધીની ‘અપ્રમાણસર’ ફી માટે પ્રવાસીઓ રેયાન એર સામે દાવો માંડી શકે તેમ એવિએશન વોચડોગ દ્વારા જણાવાયું હતું. સિવિલ એવિએશન ઓથોરિટી દ્વારા જણાવાયું હતું કે આ આઈરીશ બજેટ એરલાઈન્સ તેની બુકિંગ પ્રક્રિયાના મહત્ત્વના હિસ્સામાં પ્રવાસીઓ સાથે વાજબી અને પારદર્શી રીતે વર્તવામાં નિષ્ફળ રહી હતી.
• વહેલા સૂતા પુરુષોને પિતા બનવાની શ્રેષ્ઠ તક
બાળકો પેદા કરવાની તકો સુધારવા માટે પુરુષોએ રાત્રે ૧૦.૩૦ પહેલા સૂવા જવું જોઈએ તેમ એક અભ્યાસમાં જણાયું હતું. વહેલા સૂવા જતા પુરુષોના શુક્રાણુની ગુણવત્તા રાત્રે ૧૧.૩૦ અથવા તે પછી સૂવા જતા પુરુષો કરતાં ચાર ગણી સારી હોય છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે અપૂરતી ઉંઘને લીધે પ્રતિકારક તંત્ર પર અસર થાય છે તેનો ભોગ સ્વસ્થ શુક્રાણુ બને છે. અપૂરતી ઉંઘને લીધે પુરુષ શારીરિક તેમજ માનસિક તાણનો ભોગ બને છે.












