૧૦ વર્ષની સેલાહ ઈસ્ટર યંગેસ્ટ પર્વતારોહક બની

Thursday 04th July 2019 06:43 EDT
 
 

અમેરિકાના કેલિફોર્નિયામાં યોસેમાઇટ પાર્કમાં ઊંચા અને સીધા ખડકોની હારમાળા છે. આ ખડકોનો કેટલોક ભાગ નાકની દાંડી જેવો સીધો અને ઊંચો હોવાથી એના પર ચઢાણ કરવાના માર્ગને નોઝ રૂટ પણ કહેવાય છે. તાજેતરમાં કોલોરાડોમાં રહેતી સેલાહ ઇસ્ટર નામની ૧૦ વર્ષની બાળકીએ અહીંના ૩૦૦૦ ફૂટ ઊંચા એલ કેપ્ટન પર્વતના નોઝ રૂટ પરથી ચઢાણ કર્યું હતું.
આ એ જ જગ્યા છે જ્યાં છેલ્લા કેટલાક સમયમાં ૩૧ પર્વતારોહકો મોતને ભેટ્યા હતા. એમ છતાં સેલાહે તેના પર્વતારોહક પપ્પા સાથે આ કપરા ચઢાણને પાર પાડવાનું બીડું ઝડપ્યું હતું. તેના પપ્પા સાથે મળીને સતત પાંચ દિવસ મહેનત કરીને પર્વતની ટોચે પહોંચી હતી.
આ પર્વત ચઢનારી સેલાહ વિશ્વની સૌથી નાની વયની પર્વતારોહક બની છે. જોકે એ પછી જ્યારે તેને આ સાહસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે મને તો પહાડ ચડવાની બહુ મજા આવી હતી. મેં તો મોજ ખાતર જ આ કામ કરેલું પણ મને વિશ્વાસ નથી આવતો કે મેં આ કામ કરી લીધું. દસ વર્ષની આ બાળાને જ્યારે પૂછવામાં આવ્યું કે હવે પર્વતારોહણ પછી તેની હવે શું ઈચ્છા છે તો તેણે કહ્યું હતું કે મને સૌથી પહેલાં પીત્ઝા ખાવાનું મન થયું છે.


comments powered by Disqus