BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ મુંબઈના વાશી ખાતે બિરાજમાન છે. તે અગાઉ તેઓ બોચાસણમાં બિરાજમાન હતા. ૨૬મી નવેમ્બરને મંગળવારે બોચાસણ ખાતે સવારે સત્સંગ સભા યોજાઈ હતી. પૂજા દર્શન બાદ પૂ. મહંત સ્વામીએ ૧૬ હરિમંદિરોની પ્રતિષ્ઠા અને ચાર હરિમંદિરોનું ખાતમૂહૂર્ત કર્યું હતું. ૨૬મીએ સાંજે સંવાદ અને નૃત્ય ભજવાયા હતા. આશીર્વાદ પાઠવતા પૂ. મહંત સ્વામીએ કહ્યું,‘ શ્રીજી મહારાજની મરજી પ્રમાણે રહેવું તેમાં બધું આવી ગયું.’ ૨૭મીએ સવારે તેમણે સંતો અને હરિભક્તોને પૂજા દર્શન આપ્યા હતા. આશીર્વચનમાં પૂ. મહંત સ્વામીએ કહ્યું,‘ બેસ્ટમાં બેસ્ટ ઉત્તમમાં ઉત્તમ હરિભક્તોના ગુણો ગાયા કરો, બસ બધું આવી ગયું.’ ૨૮મીએ પૂ. મહંત સ્વામી બોચાસણથી મુંબઈ પધાર્યા હતા. પૂ. મહંત સ્વામીએ વાશીમાં BAPSના કલાકેન્દ્રનું વિધિવત ઉદઘાટન કર્યું હતું. વાશીના ડી વાય પાટીલ સ્ટેડિયમમાં ૪થી ડિસેમ્બરે ૯૮મા પ્રમુખ સ્વામી જન્મજયંતી મહોત્સવની ઉજવણી થવાની છે. તેથી પૂ. મહંત સ્વામી વાશીમાં રોકાયા છે. ૩૦મીને સવારે તિથિ પ્રમાણે વચનામૃતને ૨૦૦ વર્ષ પૂરા થયા હતા. તે સવારે પૂ. મહંત સ્વામીએ સંતો અને હરિભક્તોને પૂજા દર્શન આપ્યા હતા. ત્યારબાદ તેમણે પ્રથમનું પહેલું વચનામૃત નિરુપ્યુ હતું. આશીર્વચનમાં પૂ. મહંત સ્વામીએ કહ્યું,‘ મહારાજના વચન પ્રમાણે જ સત્પુરુષોનું જીવન છે. એક તસુ પણ ફેર નહીં.’ ૧લી ડિસેમ્બરે સવારે પૂ. મહંત સ્વામીએ પૂજા દર્શન બાદ આશીર્વચનમાં કહ્યું,‘ દરેકમાં નિર્દોષ બુદ્ધિ રાખવી તો પછી ભગવાનમાં રહે જ.’ સાંજે તેમણે ડી વાય પાટીલ સ્ટેડિયમના કેમ્પસમાં પ્રેસિડેન્ટ વિજય પાટીલની ઓફિસમાં પધરામણી કરી હતી. આ સ્ટેડિયમમાં હોસ્પિટલ અને મેડિકલ કોલેજની સુવિધા છે. ૨જીએ સવારે પૂજાદર્શન બાદ આશીર્વાદ આપતા પૂ. મહંત સ્વામીએ કહ્યું,‘ આપણામાં જ મનુષ્યભાવ છે એને કારણે ભગવાનમાં પણ મનુષ્યભાવ દેખાય છે.’