બ્રેન્ટના જાણીતા કેર હોમના સ્ટાફ દ્વારા ૯૪ વર્ષીય મહિલા પર અત્યાચાર

Wednesday 04th December 2019 05:17 EST
 
 

લંડનઃ બ્રેન્ટના મીરા હાઉસમાં ફરજ બજાવતી ત્રણ મહિલાઓને પાનીબેન શાહ પર અત્યાચાર ગુજારવા બદલ જેલ મોકલી દેવાઈ હતી અને અન્ય બેને કોમ્યુનિટી સર્વિસ ઓર્ડર અપાયા હતા. પાનીબેન પડી ગયા તે પછી પરિવારે માર્ચ ૨૦૧૭માં તેમને મીરા હાઉસમાં મૂક્યા હતા. તેમણે પોતાના પર અત્યાચાર થતાં હોવાનું કહેતા પહેલા તો પરિવાર તેને ડિમેન્શિયાના લક્ષણ હોય તેવું માનતું હતું. જોકે, થોડા મહિના બાદ તેમની તબિયત ઝડપથી કથળતી હોવાનું તેમના ધ્યાન પર આવ્યું હતું. તેમના પુત્ર કિર્તીએ પૌત્ર અમિતની મદદ લઈને તેમના કેરહોમના રૂમમાં ફોટોફ્રેમમાં છૂપો કેમેરો ગોઠવી દીધો હતો.

માર્ચ ૨૦૧૮માં કેરર્સ પાનીબેન શાહ સાથે ગેરવર્તન કરતા,અપશબ્દો બોલતા,ધમકાવતા અને માર મારતા તેમજ તેમના પર ગરમ પાણી રેડતા કેમેરામાં ઝડપાયા હતા.

અમિત શાહે જણાવ્યું હતું,‘ અમે આ માની શકતા નથી. પહેલી નજરે તો આ કેર હોમ પ્રોફેશનલ લાગતું હતું. આ મહિલાઓના હાથે મારા દાદીએ જે યાતનાઓ ભોગવી તે વિચારતા જ કંપારી છૂટી જાય છે. કેરહોમમાં ગયા ત્યારે તેઓ ૯૪ વર્ષના હતા. જોકે, ઉંમરના પ્રમાણમાં તેઓ ખૂબ મજબૂત હતા. જોકે, ત્યારપછી તેમની તબિયત કથળવા લાગી હતી અને તેઓ ભાંગી પડ્યા હતા.’

પરિવારે જણાવ્યું કે પાનીબેને કરેલી ફરિયાદોની જાણ કેર હોમના મેનેજમેન્ટને કરતા પહેલા તો તેમણે તેને ફગાવી દીધી હતી. શાહે જણાવ્યું કે કશુંક ખોટું થઈ રહ્યું છે તેવું લાગતા તેમણે કેમેરા ગોઠવ્યો હતો.

એજવેરની અનિતા કેસી થાપા (૪૬), અનિતા બીસી (૪૯), બોરહેમવુડની હિના પારેખ (૫૫) અને વેમ્બલીના ડોલોન રોય (૩૯) તથા મૌમિતા રોય (૩૪) આ તમામે પાનીબેન પર અત્યાચાર ગુજાર્યો હોવાનું કબૂલ્યું હતું. હેરો ક્રાઉન કોર્ટે થાપાને છ મહિના, બીસીને પાંચ મહિના અને પારેખને ચાર મહિનાની જેલની સજા કરી હતી. મૌમિતા રોયને ૨૪૦ કલાક અને ડોલન રોયને ૨૦૦ કલાક કોમ્યુનિટી સર્વિસની સજા અને બન્નેને વળતર પેટે ૨૦૦ પાઉન્ડ ચૂકવવા આદેશ કર્યો હતો.

જજ લાના વુડે જણાવ્યું હતું,‘પાનીબેન શાહ જે ગરિમા અને આદરભાવ મેળવવા માટે હક્કદાર હતા તેનાથી તેમને વંચિત રખાયા હતા. કરુણા સાથે તેમની સંભાળ રાખવાની જરૂર હતી. પરંતુ, તેમના પ્રત્યે માનવતા દાખવી ન હતી અને કેટલીક વખત તેમના પર શારીરિક હુમલો પણ કર્યો હતો.’

કોર્ટમાં કેમેરાના ફૂટેજ દર્શાવાયા હતા જેમાં થાપા પાનીબેનને લાફો મારતી અને ‘તમે શા માટે મને આટલું બધું મારો છો’ તેવું તેમના ચાળા પાડીને બોલતી જણાઈ હતી. બીજી ક્લિપમાં રડતા પાનીબેનના મોંમાં આંગળી ખોસતી અનિતા બીસી દેખાઈ હતી. બીજા ફૂટેજમાં બીસી અને અન્ય કેરર પીડા વેઠી રહેલા પાનીબેન સાથે ખરાબ વર્તન કરીને કપડાં પહેરાવતા જણાયા હતા.

મીરા હાઉસ દ્વારા આ ઘટના વિશે ટિપ્પણીનો ઈન્કાર કરાયો હતો. મૂળ એશિયાના લોકો માટે મીરા હાઉસ સ્પેશિયાલિસ્ટ કેર હોમ છે. આ પરિવારે ગયા વર્ષે એપ્રિલમાં આ વીડિયો બ્રેન્ટ કાઉન્સિલને બતાવ્યા તે પછી કેર હોમ દ્વારા આ મહિલાઓને સસ્પેન્ડ કરી દેવાઈ હતી. પાનીબેન શાહને ત્યાંથી ખસેડી લેવાયા હતા અને પરિવારે આ પૂરાવા પોલીસને સોંપ્યા હતા.

ગયા મેમાં કેર ક્વોલિટી કમિશન દ્વારા ઈમરજન્સી ઈન્સ્પેક્શન હાથ ધરાયું હતું. ઈન્સ્પેક્ટરોએ આ સંસ્થાનું રેટિંગ ‘ગૂડ’થી ઘટાડીને ‘રિક્વાયર્સ ઈમ્પ્રુવમેન્ટ’ કર્યું હતું. મીરા હાઉસના પ્રવક્તાએ જણાવ્યુ હતું,‘ આ ઘટનાઓને લીધે અમને આઘાત લાગ્યો અને તુરંત કાર્યવાહી હાથ ધરીને તેમાં સંડોવાયેલા સ્ટાફને સસ્પેન્ડ કરી દીધો હતો.’

ઉલ્લેખનીય છે કે મીરા નર્સિંગ હોમના અગાઉના માલિકે પાંચ વર્ષ પૂર્વે આ કેર હોમ અન્યને વેચી નાખ્યું છે.


comments powered by Disqus