• અસામાજિક વર્તન બદલ વિદ્યાર્થીઓને દંડ
૨૦૧૮ના શૈક્ષણિક વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં બેલ્ફાસ્ટના હોલીલેન્ડ વિસ્તારમાં અસામાજિક વર્તન બદલ ક્વિન્સ યુનિવર્સિટી (QUB) અને અલ્સ્ટર યુનિવર્સિટી (UU) એ ૫૮ વિદ્યાર્થીઓને દંડ કર્યો હતો. QUBએ ૩૩ વિદ્યાર્થીઓેને ૪,૯૦૦ પાઉન્ડ જ્યારે Uuએ ૧૭ વિદ્યાર્થીને ૧,૪૦૦ પાઉન્ડનો દંડ કર્યો હતો. આ વિસ્તારમાં ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓને તેમની વર્તણુંક માટે લેખિત ચેતવણી અપાઈ હતી.
• લીડલે પેપરનો £૧૫૦,૦૦૦નો ખર્ચ બચાવ્યો
બ્રિટનની સૌથી લોકપ્રિય ડિસ્કાઉન્ટ ચેન પૈકી એક તરીકે પોતાની પ્રતિષ્ઠા મેળવનારી સુપરમાર્કેટ લીડલે કૂક્ડ લોબસ્ટર ૫.૯૯ પાઉન્ડમાં વેચ્યો હતો. જર્મનની માલિકીનું આ સુપરમાર્કેટ પેપરમાં વર્ષે દોઢ લાખ પાઉન્ડ બચાવતું હોવાનો દાવો કરે છે. લીડલ ખર્ચ પર કાપ કેવી રીતે મૂકે છે તે જાણીને તમને નવાઈ લાગતી હોય તો આપ તેની રીસીપ્ટ જોશો તો તેનો ખ્યાલ આવી જશે. તે રીસીપ્ટમાં ખાલી પડતી જગ્યા ઘટાડીને તેમજ ગ્રાહકે ખરીદેલી દરેક ચીજવસ્તુની વિગતો ટૂંકી કરીને શક્ય તેટલી નાની રીસીપ્ટ બનાવે છે.
• ધાર્મિક માન્યતાને લીધે લોકોને વધુ સંતાનો હોવાનું તારણ
અને ભગવાને નોઆહને કહ્યું,‘ ફળદ્રુપ બનો અને સંખ્યા વધારો, પૃથ્વી પર વિવિધ રીતે સંખ્યા વધારો’. આ બાબત દર્શાવે છે કે ભગવાન પણ ઉત્ક્રાંતિ વિશે જાણતા હશે. ધાર્મિક લોકોને વધુ સંતાનો હોવાનું અભ્યાસમાં જણાયુ હતુ. તેની સામે વૈજ્ઞાનિકોએ દલીલ કરી હતી કે આ તારણ હાલના ધર્મનિરપેક્ષ યુગમાં ધર્મની દ્રઢતાને સમજાવવામાં કદાચ મદદરૂપ થશે.
• બ્રિટનમાંઅંદાજે ૪૦૦,૦૦૦ બાળકો પાસે પોતાના પુસ્તકો નથી
જે બાળકો પાસે પોતાની માલિકીના પુસ્તકો હોય તેમની વાંચનની વય અપેક્ષા કરતાં છ ગણી વધુ હોય તેવી શક્યતા સંશોધનમાં જણાઈ હતી. નેશનલ લીટરસી ટ્રસ્ટના વિશ્લેષણમાં જણાયું હતું કે બ્રિટનમાં લગભગ ૪૦૦,૦૦૦ બાળકો પાસે પોતાની બુક્સ હોતી નથી.
• ફોનની લતથી ૨૫ ટકા ટીનેજર્સના માનસિક સ્વાસ્થ્યને જોખમ
સ્માર્ટફોનનું વળગણ ધરાવતા લગભગ ૨૫ ટકા ટીનેજર્સના માનસિક સ્વાસ્થ્યને જોખમ હોવાનું અભ્યાસમાં જણાયું હતું. યુરોપ, એશિયા અને યુનાઈટેડ સ્ટેટ્સના ડઝનબંધ રિસર્ચ પેપર્સની સમીક્ષામાં જણાયું હતું કે ૨૩ ટકા યુવાનોમાં પ્રોબલેમેટિક સ્માર્ટફોન યુઝેજ (PSU)ના ચિહ્નો હોઈ શકે.
• બોલિવુડના કલાકારો બચી ગયા !
સરેના એશ્ફોર્ડના ફૂટબ્રીજ પાર્કમાં લગભગ ૩૦ કલાકારોનું બોલિવુડનું ગ્રૂપ ફેન્સ પર ચડતું જણાયું હતું. આથી ડોગ સાથે ચાલવા જતા લોકો તેમને ભૂલથી ઈમિગ્રન્ટ્સ માની બેઠા હતા અને તેમણે પોલીસને બોલાવી હતી. પોલીસ અધિકારીઓ તે સ્થળે પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે આ તો ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું અને તેમણે શૂટિંગ કરવા માટે સ્પેલથોર્ન બરો કાઉન્સિલ પાસેથી પરવાનગી મેળવી હતી. .
• સ્કૂલોમાં ખૂબ ઉંચા પગારની તપાસનો અનુરોધ
અડધા મિલિયન પાઉન્ડથી વધુની રકમનો પગાર મેળવતા સર ડેન મોયનીહામે માત્ર થોડી સ્કૂલો ચલાવતા હેડ ટીચરોના પગારની ઉંડી તપાસ માટે અનુરોધ કર્યો હતો. સર ડેન લગભગ ૫૦ સ્કૂલોનું સંચાલન કરતા હેરિસ ફેડરેશનના ચીફ એક્ઝિક્યુટિવ છે અને પગાર તથા બેનિફિટ પેકેજ સાથે તે ૫૫૦,૦૦૦ પાઉન્ડ કમાય છે.
• કાઉન્સિલોને પાર્કિંગ ચાર્જીસમાં £૯૩૦ મિલિયનનો નફો
ગયા વર્ષે ઈંગ્લેન્ડની કાઉન્સિલોએ સંયુક્તપણે પાર્કિંગ ચાર્જીસમાંથી ૯૩૦ મિલિયન પાઉન્ડનો નફો કર્યો હોવાનું નવા આંકડામાં જણાવાયું હતું. લંડનની મોટાભાગની કાઉન્સિલોએ સૌથી વધુ નફો કર્યો હતો. જ્યારે ૪૧ કાઉન્સિલોએ પાર્કિંગના સંચાલનમાં ખોટ કરી હતી.