ઘણી મોટી કવાયત અને વિવાદો પછી પૂર્વોત્તર રાજ્ય આસામમાં નેશનલ સિટિઝન રજિસ્ટર (એનઆરસી)ની જાહેર કરાયેલી અંતિમ યાદીમાં ૩,૧૧, ૨૧૦૦૪ લોકોનાં નામ સામેલ કરાયા છે પરંતુ, હજુ ૧૯,૦૬,૬૫૭ લોકોનાં નામ સામેલ નથી. આટલી મોટી કવાયત સો ટકા સંપૂર્ણ નીવડી શકે તેમ માની લેવું પણ એક મૂર્ખામી છે. ગેરકાયદે નાગરિકોને દેશનિકાલ કરો તો પણ ક્યાં મોકલશો કારણકે બાંગલાદેશે તો અગાઉથી જ કહેવાતા બાંગલાદેશીઓને સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. આસામમાં ગેરકાયદે રીતે ઘૂસી આવેલા બાંગલાદેશી નાગરિકોને દેશનિકાલ કરવા છેલ્લા ઘણાં વર્ષોથી જનઆંદોલન ચાલતું હતું. જોકે, ૧૯૮૫ના આસામ કરાર અન્વયે ૨૪ માર્ચ ૧૯૭૧ની તારીખ સુધીમાં આવેલા તમામ હિજરતી કે શરણાર્થીઓને ભારતીય નાગરિક ગણવાના હતા. નાગરિકતા સાબિત કરવા માટે લોકો પાસે ૧૪ પ્રકારના પ્રમાણપત્ર મંગાવાયા, જેના થકી પરિવાર ૧૯૭૧ પહેલાથી રાજ્યના મૂળ નિવાસી હોવાનું સાબિત થઈ શકે.
સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર એનઆરસીનો ઉદ્દેશ દેશના વાસ્તવિક નાગરિકો અને ગેરકાયદે શરણાર્થીઓની ઓળખ કરવાનો છે. તમે લોકોની ઓળખ નિશ્ચિત કરવા તેમની પાસેથી આશરે ૫૦ વર્ષ જૂના દસ્તાવેજો અને વારસાઈના પેપર્સની માગણી કરતા હો ત્યારે તેમાં વિસંગતતાઓ જોવા મળે તે સાવ સ્વાભાવિક છે. જે લોકો વાસ્તવમાં ભારતના નાગરિક હોય તેવા સ્થાનિકો પણ યાદીમાંથી બાકાત રહ્યાં છે. વિચિત્ર ઉદાહરણ એ પણ ગણાવી શકાય કે દેશના પૂર્વ અને પાંચમા રાષ્ટ્રપતિ ફખરૂદ્દીન અલી અહમદનાં પરિવારનું નામ પણ આ યાદીમાં નથી. એક જ પરિવારના કેટલાક સભ્યો યાદીમાં છે તો કેટલાકને સ્થાન નથી મળ્યુ. માતાપિતાનું નામ યાદીમાં છે પરંતુ, સાત વર્ષની બાળકીનો સમાવેશ નથી થયો. આવા તો ઘણા ઉદાહરણ આપી શકાય તેમ છે.
આસામમાં વિદેશીઓની હાજરીની સમસ્યા આજકાલની નહિ પરંતુ, ઓછામાં ઓછી એક સદી પુરાણી છે. ગેરકાયદે શરણાર્થીઓની ઓળખ માટે આસામમાં ૧૯૫૧માં પહેલી વખત એનઆરસીને અપડેટ કરાયું હતું. જોકે, એ પછી પણ ઘૂસણખોરી સતત ચાલુ રહી અને ખાસ કરીને ૧૯૭૧માં યુદ્ધ પછી બાંગલાદેશના સર્જન પછી તો શરણાર્થીઓની સંખ્યા એટલી વધી કે રાજ્યમાં વસતીનું સ્વરુપ જ બદલાવા લાગ્યું.
એનઆરસી લિસ્ટ સંદર્ભે નામ નહિ ધરાવવામાં મુસ્લિમોની સંખ્યા વધુ છે, જેમને સૌથી મોટો ભય એ છે કે સરકાર તેમને ભારતીય નાગરિક માનવાનો ઇનકાર કરીને દેશનિકાલ કરી દેશે. આસામની કુલ ૩.૨ કરોડની વસતીમાં લગભગ ત્રીજો ભાગ મુસ્લિમ સમુદાયનો છે. લિસ્ટમાં મુસ્લિમો ઉપરાંત હિન્દુ શરણાર્થીઓની પણ મોટી સંખ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં હજારો મહિલાઓ કદી શાળાએ જ ગઇ નથી કે તેમના લગ્નું રજિસ્ટ્રેશન થયું નથી. આથી, તેમની પાસે ઓળખના નક્કર પુરાવા ક્યાંથી હોય? ઘણાં લોકો ભારતીય નાગરિક હોવા છતાં પૂરતા પુરાવાના અભાવે પોતાનું નામ નોંધાવી શક્યા નથી. બીજી તરફ, અનેક લોકો બનાવટી દસ્તાવેજોના આધારે એનઆરસીમાં સામેલ થયાના આરોપ પણ છે. આમ, આસામના હજારો પરિવારો વિખેરાઇ જાય એવી શક્યતા ઊભી થઇ છે. જોકે, લગભગ ૪૭ વર્ષોથી આસામમાં વસી ગયેલા લોકો હવે ક્યાં જશે એ મોટો સવાલ છે.
એનઆરસીથી બહાર થનાર લોકોની સુનાવણી કરવા રાજ્યમાં એક હજાર ટ્રિબ્યૂનલ બનાવાઈ છે અને ૨૦ સપ્ટેમ્બર પહેલા તેની કામગીરી શરૂ કરી દેવાશે. લિસ્ટમાં નામ નહિ ધરાવતા લોકોને અપીલ કરવા ૧૨૦ દિવસનો સમય અપાયો છે. આ બધું તો જાણે બરાબર છે પરંતુ, જેમની પાસે પુરાવા નથી કે આપી શકે તેમ નથી તેઓનું શું? જોકે, વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે એનઆરસીની અંતિમ યાદીમાં નામ નથી તેઓ સ્ટેટલેસ બની જતાં નથી. તેઓ તમામ વિકલ્પોનો ઉપયોગ કરી લેવા સુધી દેશનાં નાગરિક તરીકેની તમામ સુવિધાઓ લઇ શકશે અને તેમની ધરપકડ કરવામાં નહિ આવે.
