કમ્પાલામાં પૂ. મહંત સ્વામીએ કહ્યું,‘ શ્રીજી મહારાજે હાથ પકડ્યો છે, એ છોડવાના નથી.’

Wednesday 04th September 2019 06:31 EDT
 
 

BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ યુગાન્ડાના કમ્પાલા ખાતે બિરાજમાન છે. તેમની પ્રાતઃપૂજા અને સાયંસભામાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહીને તેમના દર્શન અને આશીર્વાદનો લાભ લઈ રહ્યા છે. તેમની નિશ્રામાં વિવિધ દિનની ઉજવણી થઈ રહી છે.૨૯મી ઓગસ્ટે પૂ. મહંત સ્વામી દાર-એ-સલામથી કમ્પાલા ખાતે પધાર્યા હતા. તે અગાઉ ૨૭મીએ દાર-એ-સલામમાં પૂ. મહંત સ્વામીની નિશ્રામાં કિર્તન આરાધનાનો કાર્યક્રમ યોજાયો હતો. સંતો અને હરિભક્તોએ કીર્તનો રજૂ કર્યા હતા. ૨૮મીએ સ્મૃતિ સભાનું આયોજન કરાયું હતું. મહંત સ્વામી ૮મીથી ૨૮મી સુધી દાર-એ-સલામમાં રોકાયા તેની સ્મૃતિ પ્રસંગ કથન, પરિસંવાદ, વીડિયોના માધ્યમથી રજૂ થઈ હતી. સૌએ સમૂહ પ્રાર્થના ગાન પણ કર્યું હતું. ૨૯મીએ પૂ. મહંત સ્વામી કમ્પાલા પધાર્યા હતા. તેમણે મંદિર માટેના નવા મકાન ‘પ્રમુખ સદન’નું ઉદઘાટન કર્યું હતું. ૩૧મીએ સ્વાગત દિન ઉજવાયો હતો. હરિભક્તો અને સંતોએ વૈદિક ષોડષોપચાર વિધિથી હરિકૃષ્ણ મહારાજ અને પૂ. મહંત સ્વામીનું સ્વાગત કર્યું હતું. તે ઉપરાંત, સંવાદ ભજવાયો હતો અને નૃત્ય રજૂ થયું હતું. આશીર્વચન પાઠવતા પૂ. મહંત સ્વામીએ કહ્યું, ‘ શ્રીજી મહારાજે હાથ પકડ્યો છે, એ છોડવાના નથી. તમે છોડો તો વાત જૂદી છે. અભાવ અવગુણમાં પડો તો હાથ છૂટી ગયો.’ ૧લી સપ્ટેમ્બરે બાળદિન ઉજવાયો હતો. સાંજની સભામાં લાઈવ સંવાદ ભજવાયો હતો. તેમાં બાળકોએ મોટા કાર્યકરોની ભૂમિકા ભજવી હતી. તેમણે બે-ત્રણ વર્ષ પછી પૂ. મહંત સ્વામી ફરી આફ્રિકાની મુલાકાતે આવે ત્યારે કેવું આયોજન કરવું તેની ચર્ચા કરી હતી.

૨જીએ વચનામૃત દ્વિદશાબ્દિ દિન ઉજવાયો હતો. તે નિમિત્તે ગ્રંથ પાલખી યાત્રા યોજાઈ હતી અને ગ્રંથની તુલા વિધિ કરવામાં આવી હતી. વધુમાં, વચનામૃતના આધારે ‘સદપુરુષનો મહિમા’ વિષય પર સંવાદની પ્રસ્તુતિ થઈ હતી.


comments powered by Disqus