ક્ષમાપના એક સંજીવની….

-જ્યોત્સના શાહ Wednesday 04th September 2019 06:39 EDT
 

તા. ૨ સપ્ટેમ્બરને સોમવાર (શ્વેતાંબર)અને ૩ સપ્ટેમ્બરને મંગળવાર(સ્થાનકવાસી)જૈનોના પર્યુષણનો છેલ્લો દિવસ એટલે સંવત્સરી પર્વ. આ દિવસે જૈનો પ્રતિક્રમણ કર્યા બાદ દુનિયાભરના તમામ જીવોની પોતાનાથી જાણતા-અજાણતાં, વાણી-વર્તન કે વ્યવહારથી જે કોઇનું મન દુભાવ્યું હોય તે સૌની અંત:કરણપૂર્વક માફી માગે છે અને માફી આપે છે. આ અનોખું પર્વ તન-મનને નિર્મળ બનાવી નવેસરથી જીંદગી જીવવાનો રાહ બતાવે છે. એની ઉજવણી જ્યાં જ્યાં જૈનો વસે છે ત્યાં ત્યાં ક્ષમાના ભાવભેર થઇ.

‘આ એક સાઇકોથેરાપી છે. આપણો વર્તમાન કાયમ કડવી યાદોથી ખરડાયેલો રહે છે. આપણો અપરાધ કરનાર વ્યક્તિ માફી માગે કે ના માગે, તેને ક્ષમા આપી દેવાથી આપણે એ પીડાદાયક ભૂતકાળમાંથી હંમેશ માટે મુક્ત બની જઇએ છીએ. વિખ્યાત ચિંતક નોર્મન કઝીન્સે કહ્યું છે કે, કોઇને માફ કરવા માટે ભારે બહાદૂરીની જરૂર પડે છે. આ વાત આપણને ભગવાન મહાવીરના જીવનમાંથી સચોટ રીતે જાણવા મળે છે.

આજે જેટલા પણ મનોરોગો જોવા મળે છે, તેના મૂળમાં આ સંઘરી રાખવામાં આવેલો રોષ છે. જે ક્ષણે આપણે આ ગુસ્સામાંથી મુક્ત થઇએ છીએ ત્યારે આપણે આપણી જાતે જ સાજા થઇ જઇએ છીએ. આ દ્રષ્ટિએ જોઇએ તો ક્ષમાપના એક સંજીવની છે, જેના અમલથી આપણે રોગ મુક્ત બની શકીએ છીએ.

આજકાલ હતાશા-ડીપ્રેશન જેવી બિમારીઓ પેદા થાય છે એની પાછળ આવા વેરનો ઇતિહાસ છે.

આ ભય અને ભયગ્રંથીમાંથી મુક્ત થવાનો એકમાત્ર ઇલાજ માફી માગવાનો છે. આપણે જેનો અપરાધ કર્યો છે એની ક્ષમા માગી લેવાથી આપણે ભયમુક્ત બની જઇએ છીએ. જેણે આપણો અપરાધ કર્યો છે તેને માફ કરી દેવાથી આપણે રોષ મુક્ત થઇ જઇએ છીએ.

જૈન ધર્મમાં ક્ષમાપનાને અત્યંત સાહજિક બનાવી દેવાઇ છે.જેને કારણે નાના-મોટા કોઇને પણ માફી માગવામાં માફી આપવામાં સંકોચ નડતો નથી! સાચા હૃદયથી ક્ષમાપના કરવા માટે જબરદસ્ત આત્મવિશ્વાસની જરૂર છે. જેમને પોતાની જાતમાં શ્રધ્ધા હોય છે, તેઓ જ માફી માગી શકે છે અને માફી આપી શકે છે. ક્ષમાપનાનો તહેવાર ઉજવાતો હોય તેવો જગતમાં એકમાત્ર જૈન ધર્મ છે અને સદ્નસીબે જૈન-જૈનેતર સૌ કોઇ સરળતાથી એકબીજાને મિચ્છામિ દુક્કડમ્ કહી ખમાવે છે. હા...આ એક માત્ર ઔપચારિકતા બની ન રહે અને સાચા દિલથી માફી મગાય અને અપાય તો આપણું મન નિર્મળ બની જાય છે. પરિણામે હળવાશ અનુભવાય છે, કડવાશ દૂર થાય છે. હતાશા દૂર કરવાનો આ ઉત્તમ માર્ગ છે.

આ મહા પર્વે સમગ્ર વર્ષ દરમિયાન જાણતાં-અજાણતા, લખાણ કે વર્તનમાં ક્યારેય મનમાં રોષની લાગણી જન્મી હોય તો ખરા હૃદયથી દુનિયાના તમામ જીવોની માફી માગી મનને નિર્મળ બનાવી એકબીજાને ‘મિચ્છામિ દુક્કડમ્’ કહી વિશ્વભરમાં મૈત્રીનો મંગલનાદ જગાવીએ એવી ભાવના.


comments powered by Disqus