‘સ્વસ્થ તનમાં સ્વસ્થ મન’ તો આપણે ઘણી વખત સાંભળીએ છીએ, પરંતુ તેનો અમલ કરવામાં પાછાં પડીએ છીએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ જેવી અનોખી પહેલને પ્રોત્સાહન આપ્યું છે. તેમણે ‘મેં ફીટ તો ઈન્ડીયા ફીટ’નો નારો આપ્યો હતો. જોકે, તેમનો આ નારો માત્ર ભારતને લાગુ પડતો નથી. દુનિયાના દરેક દેશના નાગરિક આ નારા સાથે આગળ વધી પોતાના જીવનને તંદુરસ્ત બનાવી શકે છે. ઘણાં લોકોને મનમાં એવો પ્રશ્ન થાય છે કે ‘આ કસરત કરવાનું શું કામ છે? ખાઓ, પીઓ અને મજા કરો!’ દુર્ભાગ્યે આવા લોકો જ લાંબા ગાળે બેઠાડું જીવન અને શ્રમવિહીનતાને કારણે મેદસ્વીપણું, હાઇબ્લડપ્રેશર, ડાયાબિટીસ અને હૃદયરોગ સહિતના અનેક રોગનો ભોગ બનતા હોય છે.
આજે ટેકનોલોજીના આગમન સાથે શારીરિક પ્રવૃત્તિ- સક્રિયતામાં ઘટાડો થયો છે. બેઠાડું જીવન થયું છે, સ્થૂળતાનું પ્રમાણ વધી રહ્યું છે અને જીવનશૈલી વિકૃત થવાના કારણે રોગો ઘર કરી રહ્યા છે. જીવનશૈલીમાં થોડો ફેરફાર કરીને પણ વિકૃતિઓ સુધારી શકીએ છીએ. પહેલાં લોકો આરામથી પાંચ-સાત કિલોમીટર ચાલી નાખતા હતા પરંતુ, હવે ઘરમાં જ સાધન વસાવી ૧૦,૦૦૦ ડગલાંની ગણતરી મંડાય છે.
ફીટનેસ વધારવા માટે જીમમાં જ જવું પડે તેમ નથી. દૈનિક પ્રવૃત્તિમાંથી થોડો સમય ફાળવી લાંબુ ચાલવા જેવી શારીરિક પ્રવૃત્તિઓ કરી શકાય છે. એમ પણ કહેવાય છે કે ‘જે રોજ ચાલે એના રોગ ભાગે.’ આમ, ચાલવું, બાગકામ કરવું, સાઇકલ ચલાવવી કે તરવું આ બધી કસરતો- શ્રમ શરીરને અને તેના થકી મનને તંદુરસ્ત રાખવામાં ઉપયોગી નીવડે છે પરંતુ, તેમાં પણ નિયમિતતા જરૂરી છે. આ તો ‘ટીપે ટીપે સરોવર ભરાય’ જેવી વાત છે. ધીમે ધીમે શરૂઆત કરી તેનો સમય વધારતા જાવ તો લાભ થશે. નિયમિત કસરત કે શારીરિક શ્રમ, યોગાસન-ધ્યાનથી શરીરની કાર્યક્ષમતામાં વધારો થાય છે, ચિંતા અને હતાશા(ડિપ્રેશન)માંથી મુક્ત થઇ શકાય છે, આત્મવિશ્વાસ વધે છે અને માણસ ચિંતામુક્ત અને પ્રફુલ્લિત બને છે.
મેડિકલ જર્નલ લાન્સેટમાં ૨૦૦ દેશોના અભ્યાસ પછી પ્રકાશિત સંશોધન રિપોર્ટ અનુસાર ગત ચાલીસ વર્ષોની અંદર ૧૮ વર્ષ સુધીના બાળકોમાં મેદસ્વિતાના સ્તરમાં ૧૦ ગણો વધારો થયો છે. આનું કારણ પણ દેખીતું છે. ખોરાક પર નિયંત્રણ નહિ અને કસરતની તો વાત નહિ. માત્ર ઈંગ્લેન્ડમાં જ વર્ષ ૨૦૧૭-૧૮માં સ્થૂળતા સંબંધિત રોગના કારણે ૭૦૦,૦૦૦થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આ આંકડો તેની અગાઉના વર્ષની સરખામણીએ ૧૦૦,૦૦૦ વધુ છે. વિશ્વના અન્ય વિકસિત અને વિકાસશીલ દેશોમાં પણ આ પરિસ્થિતિ ગંભીર સ્તર સુધી પહોંચી છે. સ્થુળતાના કારણે જ ૧૩ પ્રકારના કેન્સર, હાર્ટ એટેક, સ્ટ્રોક્સ અને ડાયાબિટીસ જેવા જીવલેણ રોગો તેમજ કોલેસ્ટરોલ, તણાવ અને ડિપ્રેશન જેવી બિમારીઓ શરીરમાં ઘર કરે છે.
સ્પોર્ટ ઈંગ્લેન્ડના સહયોગથી યુકેની ૧૫ અગ્રણી ચેરિટીઝ દ્વારા ‘We Are Undefeatable’ ફીટનેસ કેમ્પેઈન શરૂ કરાયું છે. બહુમતી લોકો શારીરિક અને માનસિક ચુસ્તી- સ્ફૂર્તિ કે તંદુરસ્તી માટે વધુ પ્રમાણમાં કસરત કરવા તૈયારી દર્શાવે છે પરંતુ, તેને અમલમાં મૂકનારા લોકો ઓછાં છે. વાત તો સાચી છે. આપણે તંદુરસ્તી પ્રત્યે ઉદાસીન બની ગયા છીએ. જો આગામી પેઢીના આરોગ્યની ચિંતા હોય તો આજની પેઢીએ ‘પ્રીવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર’ના મંત્રને આત્મસાત કરી વધુ પડતી ચરબી અને ખાંડનું પ્રમાણ ધરાવતા ખાદ્યપદાર્થો લેવાનું ઘટાડવા સાથે ચુસ્ત અને તંદુરસ્ત રહીને દાખલો બેસાડવાની જરૂર છે.
