જૈનો પીસ ગાર્ડન અને પીસ ફોરેસ્ટ સાથે મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી ઉજવશે

Wednesday 04th September 2019 06:46 EDT
 
 

જૈન કોમ્યુનિટીના પ્રયાસોને પરિણામે હેરો કાઉન્સિલે કેન્ટન રિક્રિએશન ગ્રાઉન્ડની કેટલીક જમીન હેરો પીસ ગાર્ડન અને ફોરેસ્ટ માટે મહાત્મા ગાંધીના ૧૫૦મા જન્મજયંતી વર્ષની ઉજવણીરૂપે આપી છે.

બ્રિટનની તમામ જૈન સંસ્થાનું પ્રતિનિધિત્વ કરતા ‘વન જૈન’ સંસ્થાના પ્રોજેક્ટ તરીકે જૈન ધર્મના અહિંસાના મહત્ત્વના સિદ્ધાંતને દર્શાવતા અને મહાત્મા ગાંધીના જીવનકાર્યો અને રાજકીય પ્રવૃત્તિઓમાં કેન્દ્ર સમાન અહિંસાના મૂલ્યનો પ્રચાર કરવા માટે એક સ્થાયી અહિંસા પીસ ફોરેસ્ટ અને અહિંસા પીસ ગાર્ડનની રચના કરાશે.

હેરોના હૃદય સમા આ સ્થાનમાં ૧,૫૦૦થી વધુ વૃક્ષ અને ફૂલ ધરાવતા છોડ રોપવામાં આવશે જેને પરિણામે સ્થાનિક લોકો અને એમની આવનારી પેઢીઓને અત્યંત હરિયાળું અને શાંતિભર્યું સ્થળ પ્રાપ્ત થશે. કેન્ટનના જૈન દેરાસરમાં ગઈ ૨૫મી ઓગસ્ટે પ્રથમ ‘પીસ ટ્રી’ રોપીને આ પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો હતો.

આ વનજૈન પ્રોજેક્ટનું સંચાલન અને અમલીકરણ સભ્ય સંસ્થા શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર યુકે દ્વારા કરવામાં આવશે. આગામી ૧૬ નવેમ્બરે નેશનલ ઈન્ટરફેઈથ સપ્તાહની સાથે ‘અહિંસા પીસ ફોરેસ્ટ’ માટે વૃક્ષારોપણ થશે. આ આખા પ્રોજેક્ટમાં ૧૫,૦૦૦થી ૧૮,૦૦૦ પાઉન્ડનો ખર્ચ થશે અને તેને માટે જૈન કોમ્યુનિટી દ્વારા ફંડ એકત્રિત કરવામાં આવશે.

જગતમાં શાંતિ અને સંવાદિતાનો સંદેશ ફેલાવવાના હેતુથી વ્યાપક પર્યાવરણીય પ્રયાસોના ભાગરૂપે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. પર્યાવરણ અંગેના પ્રયત્નો કરવા અને તે વિશે જાગૃતિ ફેલાવવા માટે દેશભરમાં પીસ ટ્રી, પીસ ગાર્ડન અને પીસ ફોરેસ્ટ સ્થાપવામાં આવશે.

 આ પ્રોજેક્ટને હેરો કાઉન્સિલ, ભારતીય હાઈ કમિશન, ઈન્ટરફેઈથ નેટવર્ક, રિલિજન્સ ફોર પીસ, ટ્રીઝ ફોર સિટીઝ અને અન્ય સંસ્થાઓનો સાથ અને સહકાર સાંપડી રહ્યો છે.


comments powered by Disqus