હેલ્થ ટિપ્સઃ સ્વાદમાં મીઠો અને ગુણકારી ગોળ

Saturday 07th September 2019 06:48 EDT
 
 

સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ગોળમાં લોહી શુદ્ધ કરવાનો અદભુત ગુણ છે. વળી તે શરીરના કચરાને સાફ કરવાનું કાર્ય પણ કરે છે એટલે તેના સેવનથી શરીરનું મેટાબોલિઝમ પણ મજબૂત બને છે. જેમને કબજિયાતની તકલીફ હોય કે પેટમાં ગરબડ રહેતી હોય તેવા લોકો જો નિયમિત એક ગ્લાસ પાણી કે દૂધની સાથે ગોળનું સેવન કરે તો પેટની તકલીફમાંથી મુક્તિ મળશે. જેમને ગેસની તકલીફ હોય તેમણે જમ્યા બાદ એક કટકો ગોળ ખાવો. ગોળ ખાવાથી ગેસ નહીં થાય. ગોળથી બીજી કઈ કઈ તકલીફમાં તમને રાહત મળશે તે વિશે વાત કરીએ.
• મહિલાઓ માટે લાભકારીઃ જે સ્ત્રીઓને માસિક સમયે પેટમાં દુઃખાવો થતો હોય તેમણે રોજ જમતી વખતે ગોળ ખાવો. ગોળ ખાવાથી માસિક સમયનો દુઃખાવો નહીં થાય. માસિક સમયે મોટા ભાગે જે દુઃખાવો થતો હોય તે કબજિયાતને કારણે વધારે થતો હોય છે. ગોળ ખાવાથી પાચનક્ષમતા વધે છે. પાચનક્રિયા સારી બને છે અને પેટના દુઃખાવામાં રાહત મળે છે.
• હાડકાં મજબૂત બનેઃ જો તમે સાંધાના દુઃખાવાથી પરેશાન હો તો ગોળ તમારા માટે ઉત્તમ છે. અલબત્ત, જો આ દુઃખાવો કેલ્શિયમની કમીને કારણે થતો હોય તો ગોળ ખાવાથી શરીરને કેલ્શિયમ અને ફોસ્ફરસ મળશે. આમ તેની અછત પૂરી થતાં શરીરના દુઃખાવામાં રાહત મળે છે.
• શરદી અને કફ માટેઃ ગોળની પ્રકૃતિ મૂળ ગરમ છે તેથી તેના સેવનથી શરદી અને કફમાં રાહત મળે છે. જોકે શરદી અને કફમાં કાચો ગોળ ન ખાવો. સૂંઠનો લાડુ કરી તેનું સેવન કરવું. જો શરદીનો કોઠો હોય તો સૂંઠના લાડુનું સેવન કરવામાં આવે તો શરદીનો કોઠો દૂર થાય છે.
• અસ્થમાઃ અસ્થમાના દર્દીને પણ ગોળ ખાવાથી સલાહ આપવામાં આવે છે. ગોળ શરીરના તાપમાનને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. વળી ગોળમાં એલર્જીને નાથવાનો ગુણ છે, જે અસ્થમાના દર્દી માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે.
• સ્ફૂર્તિવર્ધકઃ વધારે પડતો થાક કે નબળાઈ લાગતા હોય તેવા લોકોએ પણ ગોળનું સેવન અચૂક કરવું જોઈએ. ગોળ જલદીથી પચી જાય છે. તેનાથી સુગર વધવાનો પ્રોબ્લેમ પણ નથી રહેતો અને શરીરને એનર્જી પણ મળે છે. આખો દિવસ કામ કર્યા બાદ જ્યારે પણ તમને થાકનો અનુભવ થાય ત્યારે ગોળનું સેવન કરો, તેનાથી થાક દૂર થશે અને સ્ફૂર્તિ પણ વધશે.
• ઇમ્યુનિટી વધારેઃ ગોળમાં એન્ટિ-ઓક્સિડન્ટ તત્ત્વ, ઝીંક, સેલેનિયમ દ્વારા શરીરમાં પ્રવેશતાં વાઇરસને રોકવાનું કાર્ય કરે છે, જેથી તેનું સેવન ફ્રી રેડિકલ્સના નુકસાનને અટકાવવાનું કાર્ય કરે છે. શરીરની રોગપ્રતિકારકશક્તિ વધે એટલે શરીર આપોઆપ તંદુરસ્ત રહે છે.
ગોળ બાળકો માટે પણ ખૂબ લાભદાયી છે. બાળકોનાં હાડકાં મજબૂત બને તે માટે તેમજ કફનો કોઠો દૂર થાય તે માટે અને વાઇરલ ઇન્ફેકશનથી બચી રહે તે માટે ગોળનું સેવન બાળકોને પણ કરાવવું જોઈએ. શરત માત્ર એટલી જ કે કાચો ગોળ બહુ ન ખવરાવો.


comments powered by Disqus