વડીલો સહિત સહુ વાચક મિત્રો, કૃપા કરીને આજે આપ સહુ આ સેવક સાથે ચાંદોદ-કરનાળીની (સ્મરણ)યાત્રામાં જોડાવ તેવી મારી નમ્ર વિનંતી છે. સમયગાળો ૧૯૪૮નો છે. ૧૧ વર્ષની મારી વય. કરનાળીમાં અમે જૂના ચોરા પાસેના એક મકાનમાં રહેતા હતા. જરાક આગળ ચાલીએ (સોમનાથ મંદિર તરફ) તો જમણા હાથે આવેલી એક પ્રાથમિક શાળામાં હું બીજું અને ત્રીજું ધોરણ એક સાથે ભણ્યો. શાળામાં બધા મળીને પાંત્રીસેક જેટલા છોકરા-છોકરી ભણતા હતા. ખત્રી સાહેબ બધા વર્ગ વચ્ચે એક શિક્ષક અને હેડ માસ્તર પણ એ જ. મને ત્રીજા ધોરણમાં પહેલો નંબર મળ્યો. સ્કૂલ છોડ્યાનું સર્ટિફિકેટ લઇને વધુ અભ્યાસ (?) માટે હું ચાંદોદની મેજર હાર્વે મિડલ સ્કૂલમાં જોડાયો. અહીં ઠક્કર સાહેબ હેડ માસ્તર હતા. સહેજ ઉજળો વાન. સુદૃઢ શરીર અને મોઢામાં હંમેશા તમાકુવાળું પાન હોય. મારું સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટ જોઇને ખુશ થયા. કહ્યું છોકરા, શાબાશ.’ મેં ડરતાં ડરતાં જણાવ્યું કે સાહેબ, સાચી વાત એ છે કે અમારી શાળામાં ત્રીજા ધોરણમાં હું જ એક માત્ર વિદ્યાર્થી હતો!
ખેર, કરનાળીના નિવાસસ્થાનથી આ મિડલ સ્કૂલે પહોંચવા કરનાળી ગામમાં દસેક મિનિટ ચાલવું પડે. ભાઠું પસાર કરીએ એટલે મા નર્મદા અને ઓરસંગના સંગમથી સાવ નજીક ઓરસંગ ઓળંગીને ઢોળ ચઢીએ એટલે માંડવી ગામની સરહદ. ત્યાંથી બીજી પંદરેક મિનિટ ચાલીએ એટલે મિડલ સ્કૂલ આવે. દરરોજ આમ જ અવરજવર થાય. ચોમાસામાં એક સમસ્યા થોડાક મહિના કે સપ્તાહ રહે. વર્ષમાં આઠ-દસ મહિના નદીનું જળસ્તર ઓછું રહે કે તેને પગપાળા ઓળંગી શકાય, પણ ચોમાસાનો વખત હોય તો...
ચોમાસાના દિવસોમાં ઓરસંગ ઓળંગવામાં થઇ રહેલી મુશ્કેલી નિહાળીને એક પરમાર્થીએ વર્ષોથી નાવડીની વ્યવસ્થા કરી હતી. નદીના બન્ને કિનારે પાંચ-સાત-દસ જણા ભેગા થાય એટલે નાવડી સામા કિનારે પહોંચાડી દે. નાના કે મોટા કોઇએ એકે પૈસો ય આપવાનો નહીં.
આમ અમે નદી ઓળંગીએ. પણ જ્યારે મિડલ સ્કૂલમાં ભણીને ઓરસંગ કિનારે પાછા પહોંચીએ ત્યારે જો નાવડીને વાર હોય તો ત્યાં આવેલા એક પીપળાનું શરણું લઇએ. તેને પાક્કો ચોતરો હતો એટલે ત્યાં અડીંગો જમાવીએ. ત્યાં હંમેશા ભીમજી નામનો એક આદિવાસી છોકરડો બેઠો હોય. સહુ કોઇ તેને ભીમના નામે જાણે, પણ ભીમના શરીરનું સમ ખાવા પૂરતું ય એકેય લક્ષણ તેમાં જોવા મળતું નહોતું. અતિશય ગરીબ પરિવારના ભીમનો બાંધો એકદમ સૂકલકડી. નાવડી ચલાવવાનું કામ સંભાળે. ભીમ કાયમ નાવડી ચલાવતાં ચલાવતાં ભજન લલકારતો હોય. તેમાં એક ભજન એટલે મથાળામાં ટાંકેલું ‘જીવનમાં પલ્ટો આવે છે...’ તેમાં આશા અમર છે, કામ કરે જા, ભગવાન ભલું કરશે, એવો બધો ભાવ આવે. અગ્યારેક વર્ષના વિદ્યાર્થીના દિલોદિમાગ પર પંદરેક વર્ષના ભીમનું આ ભજન અમીટ છાપ છોડી ગયું છે. આ ભજનના ભાવાર્થ અનુસાર, ભીમજી ખરા અર્થમાં પરમાત્મામાં અટલ શ્રદ્ધાના દર્શન કરતો હતો.
કાળક્રમે ભીમજી આગળ વધ્યો. સાચ્ચે જ આગળ વધ્યો. ચાંદોદના મલ્હારરાવઘાટ ખાતે આવેલી નાની ચાની લારી પર કામ કરતો થયો અને સમયનાં વહેવા સાથે રામભરોસે ભજીયા હાઉસ શરૂ કરી હતી. સુખી થઇ ગયો મારો વ્હાલો ભીમજી. (૧૯૬૩માં તેને છેલ્લે મળ્યો હતો, તગડો થયો હતો.)
મારા વ્હાલા આત્મીયજનો, આ તો કથાનો પ્રારંભ છે. એક પણ ઘટના કે વાતચીત લગારેય કાલ્પનિક નથી. કરનાળીથી નીકળેલો પ્રવાસી હવે અડધી સદીથી લંડનમાં વસે છે અને આ કથાનો મુખ્ય પ્રવક્તા છે. હું મારી જાતને ભારે સદ્ભાગી સમજું છું કે મને દર સપ્તાહે ધાર્મિક, સામાજિક કે અન્ય પ્રકારના પાંચ-સાત કાર્યક્રમો માણવાનો અવસર સાંપડે છે.
આવા જ એક પ્રસંગે હાજરી આપવા તાજેતરમાં હું માંચેસ્ટર ગયો હતો. અમે ભોજન લઇ ઉઠ્યા ત્યાં એક ભાઇ આવ્યા. પાંસઠેક વર્ષની ઉંમર હશે. લાગલા જ હૈયું ઠાલવવા લાગ્યા કે ભ’ઇ સીબી, આ તમારો ભાઇબંધ તો ભારે હેરાન કરે છે... મારા કાન ચમક્યા. જવાબ આપ્યો કે મારા એવા તે કોઇ ભાઇબંધ નથી, જે બીજાને પજવે. તમે કોની વાત કરો છો? સજ્જને જવાબ આપ્યોઃ અરે, હું ડાયાબિટીસની વાત કરું છું... તમે ભલે તેને ભઇબંધ ગણાવતાં મને તો ભારે પજવે છે.
વડીલે વીતક વર્ણવતાં કહ્યું કે સવારે ઉઠવું, ડોક્ટરો કહે છે તેમ સોયા ખોંસીને લોહી લેવાનું. ભલે ટીપું તો ટીપું, પણ પીડા તો થાય જને?! પછી મીટરમાં ચેક કરવાનું ૧૦ - ૧૨ - ૧૪ યુનિટ આવે એટલે પાછી ચિંતા. સુચના પ્રમાણે ઇન્સ્યુલિનનો સોયો ખોંસવાનો... હું તો આટલાથી થાકી ગયો છું, ભઇસા’બ, અને તમે કહો છો કે લોહી ચેક કરવા દિવસમાં બેથી ત્રણ વખત સોયા ખોંસું છું. તમે કેમના પહોંચી વળો છો?
મિત્રો, મેં હૈયાવરાળ ઠાલવી રહેલા વડીલ સામે મારી રોજનીશી રજૂ કરીને સમજાવવા પ્રયાસ કર્યો. કહ્યું કે જાતઅનુભવથી કહી રહ્યો છું કે મારા માટે તો ડાયાબિટીસ વરદાન બનીને આવ્યું છે. ૪૦ - ૪૦ વર્ષથી તે મારો ભાઇબંધ છે. હું તેને અનુકૂળ જીવનશૈલી જીવીને તેની કાળજી લઉં છું અને તે મારી કાળજી લે છે. મને લગારેય હેરાન નથી કરતો. હું વારંવાર કહું છું કે તમારા શરીરમાં ડાયાબિટીસનું આગમન ચેતવણીના સંકેતસમાન છે કે જો તમે સાવચેતી નહીં દાખવો તો શરીરમાં બીજી તકલીફો પ્રવેશી શકે છે. એ તમને સાબદા કરે છે કે જો તમે તેને સાચવી લેશો તો ભયો ભયો... એ અવશ્ય તમારા શરીરને સાચવી લેશે.
વડીલ મિત્ર, મારી રજૂઆત સાથે કેટલા સંમત હશે અને કેટલા અસંમત એ તો હું નથી જાણતો, પરંતુ મેં તો તેમના શુભચિંતક તરીકેની મારી ફરજ બજાવી. ડાયાબિટીસ છતાં પણ કઇ રીતે સદાબહાર સ્વાસ્થ્ય જાળવી શકાય એ મેં સમજાવ્યું, તેને ‘મિત્ર’ ગણવા પાછળનું કારણ પણ સમજાવ્યું. વાત નાની હોય કે મોટી, સમસ્યા ક્ષુલ્લક હોય કે વિશાળ, આપણે તેના પરત્વે કેવો અભિગમ અપનાવીએ છીએ તેના પર બધો દારોમદાર હોય છે. નજર નજરમાં જ ફરક હોય એવું નથી, અભિગમ અભિગમમાં પણ ફરક હોય છે. તમે જે ઘડીએ હકારાત્મક અભિગમ અપનાવો છો તે ઘડીએ જ સમસ્યા કે મુશ્કેલીને અડધોઅડધ નાથી લો છો તે હંમેશા યાદ રાખો.
માંચેસ્ટરની સવા દિવસની મુલાકાત દરમિયાન જ બીજા પણ એક વર્ષોજૂના મિત્ર મળી ગયા. પ્રેસ્ટન ૧૯૮૮માં રામકથા યોજાયેલી તે વેળા પરિચય થયેલો તે આજ દિન સુધી સંબંધ બનીને સચવાયો છે. ગુજરાત સમાચારના દસકાઓ જૂના ગ્રાહક, વાચક ને ચાહક. સમયાંતરે ફોન પણ કરે અને પત્ર થકી પણ સંપર્કમાં રહે. તેમની વિટંબણા જરા જુદી હતી.
યુગાન્ડામાંથી હકાલપટ્ટીનો ભોગ બનેલાઓમાં તેમનો પરિવાર પણ સામેલ. બ્રિટન આવ્યા. આપણા બીજા ભાઇભાંડુઓની જેમ કોઇ રાહતછાવણીમાં શરણાર્થી તરીકે રહ્યા. થોડાક સપ્તાહ બાદ લેન્કેશાયરમાં સ્થાયી થયેલા મોટા ભાઇનું તેડું આવ્યું. તેઓ ઇદી અમીનના અત્યાચાર પૂર્વે જ અહીં આવી વસ્યા હોવાથી કંઇક અંશે ઠરીઠામ થઇ ગયા હતા. મિત્રના જ શબ્દોમાં કહું તોઃ
મોટા ભાઇની આર્થિક સ્થિતિ મધ્યમ, બાંધી આવક, પણ તેમણે અને ભાભીએ અમને બધાને સાચવ્યા. યુગાન્ડાથી આવેલા ૨૨ સગાંસ્વજનોને પોતાના ટેરેસ મકાનમાં હેતભાવ સાથે રાખ્યા. ઘર નાનકડું હતું, સાંકડમુકડ હતી, પણ તેમના દિલ વિશાળ હતા. બધાને એક પછી એક શિક્ષણ, નોકરી, વેપાર-ધંધામાં જ્યાં મેળ પડ્યો ત્યાં ઠરીઠામ કર્યા. ભાઇ-ભાભીએ માવતર જેવી ફરજ બજાવી હતી... સમય વિતતાં અમે ઠરીઠામ થયા. બીજા ગામમાં સારૂં ગોઠવાયું. પણ એક વખત મોટા કાકા સાથે મારા દીકરાને ગેરસમજ થઇ, અને વર્ષોજૂના સંબંધના પાયા હચમચી ગયા. હવે અમારી વચ્ચે ખાસ કંઇ સંબંધ રહ્યા નથી. મનમાં મોટો ખટકો રહી ગયો કે જેમણે અમારા જીવન ઘડતરમાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે તેમની સાથે સંબંધ બગડ્યા? આજે અમે બધા સુખી-સંપન્ન છીએ, પણ અંતર વધી ગયું છે. મેં ફરી નાતો જોડવા પ્રયાસ કર્યો, પણ કંઇ મેળ પડતો નહોતો.
વાચક મિત્રો, આ વડીલ ખરા અર્થમાં સંપન્ન-સમૃદ્ધ છે. સમાજમાં પાંચમાં પૂછાય તેવું મોભાદાર સ્થાન ધરાવે છે, પણ લાગણીભીના સંબંધના મામલે બે બાજુથી પીસાઇ રહ્યા છે. આવા દુભાયેલા મિત્રને આપણે બીજું તે શું કહી શકીએ? તેમને એટલું જ સમજાવ્યું કે સંબંધ આટલી હદે વણસી ગયા હોય તો હવે જે સંતાપ છે, વ્યથા છે તે છોડો, જૂનું બધું ભૂલી જાવ અને નવેસરથી શરૂઆત કરો. એક બાજુ મોટા ભાઇના પરિવાર સાથેનો સંબંધ છે અને બીજી બાજુ દીકરા સાથેનો સંબંધ છે. તમે સંબંધો સાચવવા, નિભાવવા અંતઃકરણપૂર્વક પ્રયાસ કરી ચૂક્યા છો, હવે બધું પરમાત્માને હવાલે કરી દો, એકને એક દિવસ સહુ સારાવાના થઇ રહેશે. આપણા વાણી-વિચાર-વર્તન જ આપણા અંકુશમાં હોય છે, અન્યના નહીં. આપણે એવી અપેક્ષા રાખી શકીએ નહીં કે બીજા લોકો પણ આપણી ઇચ્છા-કે અપેક્ષા અનુસાર વર્તે. આવી અપેક્ષા આખરે તો વ્યક્તિને નિરાશાની ગર્તામાં જ ધકેલતી હોય છે.
હવે ત્રીજો પ્રસંગ કહું...
સતત ચાલતા સમાજભ્રમણના ભાગરૂપે તાજેતરમાં શ્રીનાથધામના કાર્યક્રમમાં હાજરી આપવાનો સોનેરી અવસર મને સાંપડ્યો. અહીં મળેલા એક વડીલે તો વળી નવો જ મુદ્દો છેડ્યો. પારિવારિક કે સામાજિક નહીં, સીધો જ રાષ્ટ્રીય મુદ્દો! મને આવીને સીધું જ કહેઃ આ બ્રેક્ઝિટનું તો બહુ તૂત ચાલ્યું છે હોં... સીબી. આ ફેંસલો અર્થતંત્રને એક પછી એક ફટકા મારી રહ્યો છે. પાઉન્ડ ગગડ્યો છે, શેરબજારમાં કડાકો બોલી ગયો છે, હજારો બેકાર થઇ ગયા છે અને થઇ રહ્યા છે. તમે જોજો હજુ તો ચીજવસ્તુઓનું ઉત્પાદન પણ ઘટવાનું છે, તંગી સર્જાવાની છે એટલે ચીજવસ્તુઓના ભાવ પણ વધશે...દવાઓ મળશે નહીં.
વડીલ એક જ હતા, પણ તેમની ચિંતાના મુદ્દા અનેક હતા. અને તે પણ સીધા જ રાષ્ટ્ર સાથે સંકળાયેલા. આ બધું વાંચીને કદાચ આપ વિચારતા હશો કે આ વડીલ પણ બ્રેક્ઝિટથી સર્જાયેલા સંજોગોથી દાઝ્યા હશે એટલે આવા મુદ્દા ઉઠાવી રહ્યા છે. પરંતુ સ્પષ્ટતા કરી દઉં કે આવું કંઇ નથી.
આ ‘ચિંતાતુર’ વડીલની વય છે ૭૦ આસપાસ. ખાધેપીધે પરિવાર સુખીસંપન્ન છે. પોતાની માલિકીનું મકાન છે, ને મોર્ગેજની ચિંતા નથી. સંતાનો ભણીગણીને પોતાની લાઇફમાં સારી રીતે સેટલ થઇ ગયા છે. કોઇ પણ જાતની પારિવારિક જવાબદારી નથી. કરન્સી એક્સચેન્જનો બિઝનેસ છે એવું પણ નથી, અને કોઇ નાના-મોટા ધંધાધાપાનું સંચાલન કરે છે તેવું પણ નથી. પતિ-પત્ની બન્ને ૨૦૦ પાઉન્ડના સરકારી પેન્શન મેળવે છે. વધારામાં સુખેથી જીવે એવી બેઠી આવક છે.
આ બધું હું જાણું, એટલે મારે સ્વભાવથી વિપરિત જઇને તેમને લાગલું જ કહેવું પડ્યુંઃ ‘અરે, સાહેબ... શા માટે દુનિયા આખીની ચિંતાના પોટલા લઇને ફરો છો? બ્રેક્ઝિટ આવે કે જાય તમારી જીવનશૈલીને તે રતિભારેય અસર કરવાનું નથી, તો પછી માથેથી બોજ ઉતારીને હળવા થઇ જાવને... જે બાબત અંગે નિર્ણય લેવાનો તમને અધિકાર નથી, તમારી પહોંચ નથી, અસરકર્તા નથી, જેની સાથે તમારે કંઇ લાગતુંવળગતું નથી તો પછી તેની પીંજણ કરવાનો ફાયદો શો છે? દેશહિતમાં ઠીક હશે તે થશે. તમે ખાઇ-પીને જલ્સા કરો...’
મિત્રો, સમાજમાં આવા પણ ‘ચિંતાતુર’ હોય છે હોં... ખાસ ચિંતા ન હોય તો પણ ખુણેખાંચરેથી મુદ્દા શોધી શોધીને તેના પર ચિંતા કરનારાઓને આ જગતમાં તોટો નથી. આવા લોકોને આપણે કોઇ રીતે મદદરૂપ થઇ શકતા નથી.
વાચક મિત્રો, આ કિસ્સાઓ ટાંકીને હું એટલું જ જણાવવા માગું છું કે જીવન છે તો સમસ્યા પણ છે, છે અને છે જ. દરેક વ્યક્તિને તન-મન-ધનની નાનીમોટી સમસ્યા સતાવતી જ હોય છે. ધનની સમસ્યા આમ જૂઓ તો આ દેશમાં ખાસ જટિલ નથી. સામાન્ય વ્યક્તિ જો સરળતાથી અને સહજતાથી જીવન જીવવા પ્રવૃત્ત હોય તો બ્રિટન જેવા રામરાજ્યમાં અન્નને અને દાંતને વેર થાય તેવું જવલ્લે જ બને છે. વ્યક્તિને વસવાટ માટે નાનુંમોટું રહેઠાણ પણ મળી રહે તેવી સગવડ પણ શાસકોએ ઉપલબ્ધ કરી છે. આરોગ્ય, શિક્ષણ સહિતની અનેક સેવાઓ ઉપલબ્ધ છે.
મારે રહેવા માટે સરસ મજાનો નાનો, પણ તમામ સગવડસુવિધાથી સજ્જ ફ્લેટ છે. કાર હવે નથી રાખી. એશોઆરામના કોઇ ઉપકરણ ધરાવતો નથી, પણ મારી રીતે જીવન જીવી જાણું છું. મિત્રો, અગાઉ એક વેળા લખી ચૂકેલો પ્રસંગ - આ સમયે એકદમ બંધબેસતો હોવાથી - ફરી ટાંકી રહ્યો છું.
આઠેક વર્ષ પૂર્વે આપણા એક આનંદ મેળામાં સ્ટેજ પર પ્રાર્થના - ગીતસંગીત, નૃત્ય સહિતના મનોરંજક કાર્યક્રમો ૩૦ જેટલા કલાકારોએ રજૂ કર્યા હતા. સાતથી ૨૦ વર્ષના આ કલાકારોના પ્રદાનને બિરદાવવા આપણા ‘શક્તિ હોલ’માં નાસ્તાપાણી સાથે એક નાનકડું ગેટ-ટુગેધર રાખ્યું હતું. બાળ કલાકારોમાં ૧૨-૧૩ વર્ષની એક બોલકી દીકરી પણ ખરી. હું મારી આદત અનુસાર નાનકડા ટેણિયાઓથી માંડીને મોટેરાઓ સાથે વાતચીત કરી રહ્યો હતો તે દરમિયાન આ બોલકી દીકરીએ પૂછ્યછયુંઃ ‘દાદા, તમે બહુ પૈસાવાળા છો?’
આ બાળકીએ ખરેખર મને મૂંઝવી દીધો. મેં તેને પૂછ્યછયું કે તારે કેમ આવું પૂછવું પડ્યું? તો કહે કે મારા દાદી કહેતા હતા કે જે સીબીદાદાએ તમને બોલાવ્યા છે એ તો બહુ પૈસાવાળા છે. આ પછી મેં દીકરીને કહ્યું કે હા, તારા દાદીમાને કહેજે કે આ દુનિયામાં જે કરોડો લોકો વસે છે તેમાં સીબીદાદા સૌથી વધુ પૈસાવાળા છે. તે બોલીવૂડના હીરો કરતાં વધુ હેન્ડસમ છે અને લક્ષ્મી નિવાસ મિત્તલ કે હિન્દુજા જેવા બિલિયોનેર્સ કરતાં પણ વધુ સંપત્તિ ધરાવે છે.
વાચક મિત્રો, બાળકો તો મને આવું બોલતાં સાંભળતા જ રહ્યા. સમજદાર ટીનેજર્સ અને ઉપસ્થિત મોટેરાઓના મોં મારા જવાબથી પહોળા થઇ ગયા. પછી મેં હળવેકથી ઉમેર્યુંઃ આ બધા તો ભ્રમ છે. મારે તો એટલું જ કહેવાનું છે કે હું સ્વાવલંબી છું. પરમાત્માનો કૃપાવંત છું. તેમની અઢળક કૃપા મારા પર વરસી છે.
મિત્રો, આજે એટલે જ બીજી વખત કહું છું કે તનનો, મનનો કે ધનનો પ્રશ્ન હોય તો હતાશ થવાની લગારેય જરૂર નથી. પ્રમાણિકતાપૂર્વક કબૂલ કરું છું કે ૩૦-૩૫ સાથીદારો હોય, ૨૦ હજારથી વધુ ગ્રાહકો હોય, સમાજ સાથે ઘનિષ્ઠ તાણાવાણા જોડાયેલા હોય અને છતાં જો હું એમ કહું કે મને કોઇ મૂંઝવણ કે મુશ્કેલી નથી તો તે નર્યો દંભ જ ગણાય. આ સદંતર જૂઠ જ ગણાય...
તો આવા મૂંઝવણભર્યા સમયે હું શું કરું છું? માર્ગ ક્યાંથી કાઢું છું?
આવા સમયે હું ‘ગીતાધ્વનિ’ વાંચવાનું પસંદ કરું છું. હું માનું છું કે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં આપણી તમામ મૂંઝવણો, સમસ્યાઓ, મુશ્કેલીઓનો ઉકેલ સમાયેલો છે. આ સિવાય મારા બેડરૂમમાં ‘હતાશને...’ ભજનની એક પ્રિન્ટેડ નકલ પણ કાયમ માટે રાખી છે. આ પ્રેરણાદાયી ગીતના રચયિતા છે કાયાવરોહરણના પરમપૂજ્ય સ્વામીશ્રી કૃપાલાનંદજી.
આ ગીતને વાંચજો. ખૂબ જ ધ્યાનથી વાંચજો. અને પછી તેના શબ્દો અંગે વિચારજો. તેનો ગૂઢાર્થ વિચારજો. સુખ હોય કે દુઃખ, આખરે તો તે મનમાંથી નીપજેલું પરિણામ જ હોય છે. મન દૃઢ હશે, માંહ્યલો મજબૂત હશે અને ઉપરવાળામાં અચળ શ્રદ્ધા હશે તો સમજી લેજો ઝખ મારે દુનિયા...(ક્રમશઃ)
હતાશને
(મંદાક્રાન્તા)
આઘેથી તું તિમિરદલને દેખતાં હામ છોડી-
શાને બેઠો રુદન કરતો મસ્તકે હાથ ઠોકી?
ઊભો થા! ને પથ પર પડ્યા શુષ્ક બે કાષ્ઠ ખોળી
એમાંથી તું મથનબલથી સુપ્ત ઢંઢોળ જ્યોતિ
તારા ભાલે અકલ લિપિમાં લેખે કોયે ન કોર્યા,
એ તો કર્મે ગત સમય તેં તેજ-અંધાર ઢોળ્યાં,
ભૂતે ભાળી નયને થકવે નિર્બલો ભાગ્ય જોતાં,
ત્યારે પેલા નર સબલ તો કાર્યમાં મગ્ન રે’તાં.
થાકે વૃદ્ધો શિથિલ સઘળાં ગાત્ર જેનાં થયાં તે,
તારાં ગાત્રો, નવયુવક ઓ! શક્તિ-શૌર્યે ભર્યાં છે,
થાકે જેનું હૃદય નબળું ઉદ્યમી તો ન થાકે,
એ તો આગે ચરણ ધરતો ધ્યેયમાં ધ્યાન રાખે.
સાથીહીણા ડગ નવ ભરે અન્ધ કે પંગુઓ જ,
તારે નેત્રો, પગ સબલ બે, આત્મશક્તિ અમોઘ,
તોયે શાને સ્વબલ વિસરી આમ બેઠો? ચકોર!
ઉત્સાહીને કઠિન ન કશું, કાર્યમાં ચિત્ત જોડ.
નીચી આંખે ચરણતલના કંટકો શેં નિહાળે?
ના જોતા ઘા સમર-રમતા શૂર તો કોઈ કાળે,
વીરોને તો અચલ ડગલાં ધારવાં એ જ છાજે
શસ્ત્રો છાંડી રણ પર હરે માતની કૂખ લાજે.
ઊંચી ડોકે સ્થિર નયનથી શક્તિનો સાર ફીણી,
લોકો સામે અડગ મનથી તેં પ્રતિજ્ઞા કરી’ તી,
કે, ના છોડું વિકટ પથ આ, ના કરું પ્રાણ પ્રીતિ,
તેનું આજે સ્મરણ કર તું, ત્યાગ આ તુચ્છ ભીતિ.
આદર્શોનું જતન કરતાં વૈભવોમાં જ લોક,
કષ્ટોમાં તો સકલ જનમાં ધીર ને વીર કોક,
ઝંઝાવાતે તરુવર નમે, અદ્રિ રે’ તો અડોલ,
દુઃખે એવા અણનમ રહે ભીષ્મના ભદ્ર બોલ.
આશાકેરા અજયગઢના મસ્તકે રોપવાને,
હાથે ઝાલી વિજયધ્વજ ને ચાલ, આગે પ્રવાસે,
ઊભો રે’છે ભય મલકતો કાયરોના જ માર્ગે,
નિર્ભીતોથી ભય ભયધરી નાસતો, ના ખડો રે.’
------------------------

