આપણે સહુ એક ડાળના જ પંખી

સી. બી. પટેલ Thursday 06th June 2019 01:58 EDT
 
 

આમ તો કહેવાય કે ‘ધાર્યુ ધણીનું થાય’ પરંતુ ભારતની લોકસભાની ચૂંટણીમાં ધાર્યુ પ્રજાનું થયું છે. પ્રજાએ જંગી જનાદેશ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની ટીમને બીજી વખત પાંચ વર્ષ માટે સત્તાના સૂત્રો સોંપ્યા છે, જેથી તેઓ દેશબાંધવોના કલ્યાણના માર્ગે આગળ વધી શકે. વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતની જનતાએ લોકસભાની ૨૦૧૯ની ચૂંટણી માટે મતદાનનો આરંભ કર્યો ત્યારથી જ તેમના ભારે અપેક્ષિત વિજય વિશે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા સતત ઊંડાણપૂર્વક વિશ્લેષણ શરુ કરી જ દેવાયું હતું. મેં જ્યારે આવા વિશ્લેષણાત્મક અહેવાલોનો અભ્યાસ કર્યો ત્યારે મને જાણ થઈ જ કે ભારતીય રાજકારણ વિશે જેમને સારું જ્ઞાન નથી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલીથી પરિચિત નથી તેવા કેટલાક મીડિયા ધૂરંધરો અને નેતાઓને પણ તેમના આ વિજયથી ભારે આશ્ચર્ય થયું હતું. મારે એ બાબત તો સ્વીકારવી જ રહી કે સમગ્ર દેશે નરેન્દ્ર મોદીને જ ચૂંટી લાવવાનો સર્વાનુમતે નિર્ણય કર્યો હોય તેવી સ્થિતિ કે સંજોગો અથવા ‘મોદીલહેર’ને વિદેશી મીડિયા આંખો બંધ કરીને સ્વીકારી લેશે તેવી મારી ધારણા કદી પણ ન હતી. આમ છતાં, ભારતની પ્રજા, ભારતના રાજકારણ અને છેલ્લે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વિશે તેઓનું અજ્ઞાન આટલી હદનું હોઈ શકે તેની ધારણા પણ ન હતી.
મોદી ભારતના સાચા સ્વપ્નદ્રષ્ટા હોવાનું દર્શાવતા અસંખ્ય સંકેતો છે. તેમણે પોતાના દેશ માટે કયા પ્રકારની ક્રાંતિ અથવા કહીએ કે ઉત્ક્રાંતિની માનસિક યોજના ઘડી હશે તે હજુ પ્રજા સમજી શકે તેમ નથી. ભારતની સ્વતંત્રતાના પ્રથમ ૬૫ વર્ષ તરફ દૃષ્ટિપાત કરીએ તો તેનું અર્થતંત્ર ગોકળગાયની મંથર ગતિએ ચાલતું (‘Hindu rate of growth’) કહેવાય તેવી અવસ્થામાં હતું કારણકે ભારતની જનતા અને દેશની સરકારો પાસે કશું ક્રાંતિકારી વિચારવાની કે આચરવાની પૂરતી તર્કશીલતા કે સાહસ જ ન હતાં.
જે લોકો નરેન્દ્ર મોદીની ખામીઓ તરફ અંગૂલિનિર્દેશ કરવા તત્પર થઈને બેઠા છે તેમને મારે એટલું જ કહેવાનું છે કે ગત ચૂંટણીમાં આપેલા બધા વાયદાઓ કે વચનો પૂર્ણ કરવામાં મોદી સફળ થયા નથી તે હું સ્વીકારું છું. જોકે, વર્તમાન ચૂંટણી પરિણામોથી તો એ સ્પષ્ટ થાય જ છે કે તેમણે આજના સમયના કોઈ પણ ભારતીય રાજકારણીની સરખામણીએ વધુ સારી કામગીરી બજાવી છે. તમને ગમે કે ના ગમે, મોદી સાચી દિશામાં જઈ રહ્યા છે અને મારી વાત કરું તો મને જરા પણ આષ્ચર્ય થયું નથી કારણકે સાચા ઉદ્યોગસાહસિક અને સ્વપ્નદ્રષ્ટાના આવા જ લક્ષણ અને ગુણ હોય છે. એ પણ એટલું જ સત્ય છે કે કેટલાંક આંતરિક અને બાહ્ય પરિળોએ તેમની મદદ કરી છે પરંતુ, આક્રમક સાહસિકતા, આ હું કરીશનો રચનાત્મક અભિગમ, ટેકનોલોજીનો સુચારુ અમલ તેમજ ઉત્પાદકતાની ગતિશીલ વૃદ્ધિના મરીમસાલા નાખનાર તો મોદી જ છે.
તેમના શાસનની પ્રથમ મુદતના આરંભથી જ તેમની પદ્ધતિઓ અને એકલક્ષિતા તદ્દન અલગ પ્રકારનાં હતાં. ઉદાહરણ આપું તો, ભારતના કોઈ પણ વડા પ્રધાને સ્વાતંત્ર્ય દિને લાલ કિલ્લા પરથી સંબોધન કરતા સમગ્ર દેશમાં સ્વચ્છતા અને દરેક ઘરમાં શૌચાલયની આવશ્યકતા હોવાં વિશે વાત કરી હોય. અત્યાર સુધી તો ભારતના વડા પ્રધાને શા માટે આ પ્રકારના વિષયની અને તે પણ આવા મહત્ત્વના રાષ્ટ્રદિને વાત કરવી જોઈએ તેની કલ્પના કરવી પણ મુશ્કેલ હતી. આ જાહેરાત થઈ એટલું જ નહિ, આઠ કરોડ જેટલાં શૌચાલય લોકોના ઘરમાં બાંધવામાં આવ્યા તેની નોંધ પણ લોકોએ લીધી. બીજી વાત પણ કરીએ, અત્યાર સુધી ગામડાંમાં સ્ત્રીઓ રસોઈ કરે ત્યારે લાકડાં, કોલસા અને છાણાંનો ઉપયોગ કરતી હોય, ચૂલા ફૂંકે ત્યારે શ્વાસ અને આંખમાં ઝેરી ધૂમાડાં જતાં હોય તે દ્રશ્ય તો જોયું જ હશે. આ વર્ષોથી ચાલતું હતું. આવી લાખો સ્ત્રીઓના રસોડામાં ગેસ સિલિન્ડરની સુવિધા અપાય તેની કલ્પના પણ તમે કરી હતી? ગત પાંચ વર્ષમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણનો દર કલ્પનાતીત રહ્યો અને સૌથી મહત્ત્વની વાત તો એ કહેવાય કે શાસક પાર્ટી પર દોષારોપણ કરી શકાય તેવાં કોઈ નાણાકીય કૌભાંડો જોવાં કે સાંભળવાં પણ ન મળ્યાં. આ બધા માટે તમે શું કહેશો?
આ બધી સફળતાએ નરેન્દ્ર મોદીને કલ્પનામાં પણ ન આવે અને તેથી પણ આગળ અશક્યને હાંસલ કરવાનો આત્મવિશ્વાસ આપ્યો તેમાં જરા પણ શંકા નથી. પરંતુ, આ તમામ યશના અધિકારી તેઓ એકલા જ નથી. કોઈ પણ રાષ્ટ્ર ગમે તેટલું શક્તિશાળી હોય તેમ છતાં, તેને નિર્ભય, આત્મવિશ્વાસી અને ઉત્તરોત્તર વિકાસ માટે વ્યક્તિની જરુર રહે છે. એટલું જ નહિ, તેની કલ્પનાને સાકાર કરવા સમર્પિત એક સારી ટીમની પણ જરુર પડે છે. આ બાબત માત્ર ભારતને જ લાગુ પડતી નથી.
આપણે યુકેનું જ ઉદાહરણ લઈએ. ભારતથી આવેલા ગઈકાલના ઈમિગ્રન્ટ્સ, અથવા અન્ય દેશોથી આવેલા ભારતીયો, જેઓ મબલખ મહેચ્છા, મહત્ત્વાકાંક્ષા પરંતુ, મર્યાદિત ભૌતિક સંસાધનો સાથે આ દેશના તટ પર આવી પહોંચ્યા હતા. આજે તેમણે ઘણું હાંસલ કર્યું છે. આનો અડધોઅડધ યશ તો બ્રિટિશ સત્તાવાળા અને તેની પ્રજાને જ આપી શકાય. મારું નમ્ર નીરિક્ષણ એ રહ્યું છે કે કેટલીક કોમ્યુનિટીઓ અન્યની સરખામણીએ વધુ સારી કામગીરી કરી શકે છે.
આપણે જરા ભૂતકાળમાં ડોકિયું કરી લઈએ. જ્યારે ૧૮મી સદી ૧૯મી સદી તરફ પ્રયાણ કરી રહી હતી ત્યારે ભારતીય સમુદાય અથવા એશિયનો ઈસ્ટ આફ્રિકા સ્થળાંતર કરી ગયા હતા. ઘણાં ઓછાં લોકો ભવિષ્ય તરફ નજર કરી શક્યાં હતા. આ વિસ્તારમાં શિક્ષણ અને શાળાના દેખીતા અભાવ મધ્યે દરેકને મદદરુપ થવાના હેતુસર જ પટેલ અને કચ્છી સમુદાય દ્વારા મોમ્બાસા અને દારે સલામ તથા અન્ય સ્થળોએ બોર્ડિંગ શાળાઓ શરુ કરી હતી. આ વિસ્તારોમાં કોઈ સ્રોતો નહિ ધરાવતા છોકરાઓ ટુંક સમયમાં આવી સંસ્થાઓમાં આવવા લાગ્યા હતા.
વર્તમાન બ્રિટનમાં, નાની કોમ્યુનિટીઓ પરિવર્તનમાં અગ્રેસર છે. તેઓ ‘તમે જેવું વિશ્વ ઈચ્છો છો તે જ પરિવર્તન તમારામાં લાવો’ની મહાત્મા ગાંધીની ફીલોસોફીના માર્ગને ધાર્મિક આસ્થાની માફક જ અનુસરે છે. યુકેમાં વોહરા, મેમણ, ઈશનાશરી, ઈસ્માઈલી તેમજ અન્ય મુસ્લિમ સમુદાયોમાં થઈ રહેલાં પરિવર્તનોથી હું માહિતગાર છું. તેઓ પોતાની કોમ્યુનિટીઓ માટે કેટલી પહેલ કરે છે, તમામ વયજૂથના લોકોને સુવિધા પુરી પાડે છે. શીખોની વાત આવે ત્યારે, મોટી કોમ્યુનિટીમાં ઘણાં પેટાજૂથો છે અને દરેક પોતાની રીતે સમુદાયને આગળ વધારવા કાર્યરત હોય છે. મને તો શીખોની સામૂહિક ભાવના ઘણી જ ગમે છે.
હિન્દુઓ, જૈનો, ગુજરાતીઓની વાત આવે ત્યારે ખાસ કરીને લોહાણાઓની યુકેમાં આશરે ૩૦,૦૦૦થી ૪૦,૦૦૦ની વસ્તી છે. લોહાણાઓ પરંપરાગત લડાયક કોમ કહેવાય પરંતુ, હવે તેમણે મોટા પાયે વેપાર અને વ્યવસાયો સંભાળી લીધા છે. ઓશવાલ સમુદાયની માફક જ લોહાણાઓએ યુકેમાં વિશિષ્ટ અસર ઉપસાવી છે. લોહાણાની એકતા દર્શાવતી પદ્ધતિ પણ વિશિષ્ટ છે. દાખલા તરીકે, કોઈ પણને ત્યાં મૃત્યુની ઘટના બને ત્યારે કોમ્યુનિટીના દરેક ઘરને તેની માહિતી આપી દેવાય છે, સ્વયંસેવકો પોતાની યથેચ્છ સેવા આપવા પહોંચી જાય છે ને તેનો કોઈ ચાર્જ લેવાતો નથી. મેં તો જોયું છે કે સામાન્ય વ્યક્તિથી માંડી લોર્ડ્સ અને અન્ય નામાંકિત અગ્રણીઓ સહિત સેંકડો લોકો પ્રાર્થનાસભામાં પોતાનું દુઃખ વ્યક્ત કરવા અને સાંત્વના આપવા પહોંચી જાય છે.
ઓશવાલની વાત કરીએ તો, આ કોમ્યુનિટીનો તો વિશેષ ઉલ્લેખ કરવો ઘટે. મારી જાણકારી અનુસાર ૧૮૯૯ સુધી તો આ કોમ્યુનિટીનો કોઈ સભ્ય આફ્રિકા માઈગ્રેટ થયો ન હતો. એક સન્નારીએ જામનગરના એક ગામમાં સ્થાયી થયેલા અને મુખ્યત્વે ખેતી પર જ આધારિત ઓશવાલ લોકોની મીટિંગ યોજી હતી. આ ગામમાં જમીન એટલી ફળદ્રુપ ન હતી અને વરસાદ પણ ખાસ પડતો ન હતો. સિગ્મા ફાર્માસ્યુટિકલ્સના કો-ચેરમેન ડો. ભરત શાહે થોડા વર્ષો અગાઉ એક પુસ્તક પ્રસિદ્ધ કર્યું હતુ, જેમાં ઓશવાલ લોકોનો ઈતિહાસ દર્શાવાયો છે. યુકેમાં અન્ય સંસ્થા-સંગઠનોની માફક ‘ધ ઓશવાલ એસોસિયેશન ઓફ યુકે’ પણ વિવિધ સ્તરે સક્રિય છે, જેમાં કારકીર્દિ, પરિવાર અને લોકકલ્યાણ સહિત પ્રવૃત્તિનો સમાવેશ થાય છે.
રવિવારે પોટર્સ બારના હેડક્વાર્ટ્સમાં આરોગ્ય અને સારસંભાળની જાગૃતિ વિશે એક દિવસનો મોટો કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની મને તક સાંપડી હતી અને મને આશ્ચર્ય થયું કે તે નિયમિત યોજાતા હેલ્થ સેમિનાર કરતા પણ અલગ હતો. આ કાર્યક્રમ વિશે અખબારમાં વધુ વિગતો સાથે સમાચાર યોગ્ય સમયે પ્રસિદ્ધ કરાશે. સંસ્થાએ ઓશવાલ વિદ્વાનો, શિક્ષણશાસ્ત્રીઓ, સિદ્ધિઓને વરેલા સફળ અને પ્રેરણાદાયી મહાનુભાવો દ્વારા નિયમિત પ્રવચનોની શ્રેણી પણ શરુ કરી છે. પાંચ જૂનના સત્રમાંમહેમાન વક્તા અન્ય કોઈ નહિ પરંતુ, ખુદ ડો. ભરત શાહ છે અને તેમના પ્રવચનનો વિષય છે, ‘હાઉ ટુ સ્ટાર્ટ, ગ્રો, સસ્ટેઈન એન્ડ હેન્ડઓવર અ ફેમિલી બિઝનેસ’. કોમ્યુનિટી દ્વારા આવા પ્રવચનો નિયમિતપણે યોજવામાં આવે છે, જેનાથી સમુદાયના સભ્યોને જાણકારી અને જ્ઞાન પ્રાપ્ત થઈ શકે.
નાની કોમ્યુનિટીઓ આશ્ચર્યજનક સેવા પૂરી પાડે છે. આજના બ્રિટિશ-એશિયનો કોઈ સરહદમાં બંધાઈ રહ્યા નથી. તેઓ સમાજને વધુ યોગદાન આપવા તત્પર અને તૈયાર છે. એક મહાતરંગ સર્જાયો છે અને તેના મોજાં તમામ સમુદાયોના તમામ સભ્યોને રચનાત્મક અસર પહોંચાડે છે.
(Asian Voiceમાં આ સપ્તાહે પ્રકાશિત ‘As I See It’ કોલમનો ભાવાનુવાદ)


comments powered by Disqus