લોકસભાની ચૂંટણીમાં શાસનસૂત્ર ગ્રહણ કરવાનું સ્વપ્ન જોઈ રહેલી કોંગ્રેસને સત્તાની વાત જવા દો પરંતુ, ગૃહમાં વિરોધપક્ષનું નેતાપદ મળે તે પ્રમાણમાં બેઠકો નહિ મળતાં પક્ષમાં ભારે નિરાશા વ્યાપી ગઈ છે. પરિણામોથી હતાશ પક્ષપ્રમુખ રાહુલ ગાંધીએ રાજીનામાની જાહેરાત કર્યા પછી મનામણા ચાલુ થઈ ગયા છે. રાહુલે નવા અધ્યક્ષ પસંદ કરવા માટે પાર્ટીને એક મહિનાનો સમય આપ્યો છે. આ પરિસ્થિતિમાં કોંગ્રેસના રાજ્યસભાના ૫૦ અને લોકસભામાં નવનિર્વાચિત બાવન સાંસદોએ સોનિયા ગાંધીને સંસદીય બોર્ડના અધ્યક્ષ તરીકે ચૂંટ્યા છે. હવે લોકસભામાં કોંગ્રેસના નેતા તરીકે કોની પસંદગી કરાશે તેના પર બધાની નજર છે.
જોકે, કોંગ્રેસ અને ગાંધી પરિવાર માટે કિલ્લા સમાન અમેઠીની બેઠકમાં પરાજય પછી પણ રાહુલ ગાંધીનો જુસ્સો ઘટ્યો નથી. તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે,‘સોનિયા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ એક પ્રભાવી અને મજબૂત વિપક્ષી પાર્ટી સાબિત થશે જે ભારતના બંધારણની રક્ષા માટે સંઘર્ષ કરશે.’ તેમણે વિચારધારા માટે ઈંચ-ઈંચ લડવાનું કોંગ્રેસીઓને આહ્વાન કર્યું છે. રાહુલ ગાંધીએ સમજવું જોઈએ કે પરાજય પછી પણ સેનાપતિ રાજીનામું આપી શકે નહિ. તેણે તો ફરી યુદ્ધ કરવા માટે સજ્જ થવું જ પડે.
ખરેખર તો રાહુલ ગાંધી અને તેમની નીતિઓ પક્ષના પરાજય માટે ખાસ જવાબદાર બને છે. મધ્ય પ્રદેશમાં યુવાનેતા જ્યોતિરાદિત્ય સિંધિયાની ઉપેક્ષા કરી જૂના જોગી કમલનાથની તાજપોશી કરાઈ તેમજ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના વિજયમાં યુવાનેતા સચિન પાઇલટની મહત્ત્વની ભૂમિકા હોવાં છતાં મુખ્યપ્રધાનપદ અશોક ગેહલોતને આપવાનો નિર્ણય પણ રાહુલ ગાંધીનો હતો. તેમને જાણ હતી કે ચિદમ્બરમ, કમલનાથ, અશોક ગેહલોત કે દિગ્વિજયસિંહ જેવા જૂના જોગીઓ પોતાના પુત્રો માટે ટિકિટનું દબાણ કરી સગાંવાદ આચરે છે તો તેમને વશ થયા વિના નવા ચહેરાઓને તક આપવી જોઈતી હતી. જો તેમનો પરાજય થાત તો પણ પ્રજામાં સારો સંદેશ જાત કે રાહુલ કોંગ્રેસની નવરચના કરવા માગે છે અને સગાંવાદને પોષવા ઈચ્છતા નથી. એક સમયે કોંગ્રેસમાં નેતાઓ અને પાયાના કાર્યકરોનું સબળ પ્રમાણ હતુ. આજે પરિસ્થિતિ ઉલટાઈ ગઈ છે. કહેવાતા નેતાઓની ફોજ છતાં કોંગ્રેસને પરાજયના સમયમાં દોરવણી આપી બેઠી કરી શકે તેવો કોઈ નેતા રહ્યો નથી.
લોકસભાની ચૂંટણીનો પરાજય કોંગ્રેસમાં આંતરિક સમસ્યાને સ્પષ્ટ કરે છે. ભાજપની સરખામણીએ કોંગ્રેસમાં કુશળતા અને પ્રોફેશનાલિઝમનો સદંતર અભાવ છે. કોંગ્રેસે દેશના વર્તમાન રાજકારણ અને જનમાનસને સમજવા નવેસરથી કવાયત કરવાની આવશ્યકતા છે. ભાજપના નેતાઓ અને ખાસ કરીને નરેન્દ્ર મોદીને ખરાબ ચીતરવાથી આપણે સારા થઈ જતા નથી તે કોંગ્રેસ અને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી-વાડ્રાએ સમજવું પડશે. લોકોને પણ નકારાત્મકતા ગમતી નથી તે આ ચૂંટણીએ સ્પષ્ટ કરી દીધું છે. કોંગ્રેસે મતદારોને આકર્ષવા નવા કાર્યક્રમો હાથ ધરવા જોઈએ. પાર્ટીમાં મહેનતુ અને નિષ્ઠાવાન કાર્યકરોને આગળ આવવા પ્રોત્સાહિત કરવા પડશે. આમ થશે તો જ કોંગ્રેસને સત્તા નહિ મળે તો પણ સબળ વિરોધપક્ષની કામગીરી સાથે પોતાનું કૌવત મતદારોને દર્શાવવાની નવેસરથી તક મળશે અને પછી તો તેમના માટે પણ દિલ્હી દૂર નહિ રહે.
