પૂ. મહંત સ્વામીએ કહ્યું,‘ માયા સામે લડે તે અક્ષર પુરુષોત્તમના યોદ્ધા’

Wednesday 05th June 2019 06:38 EDT
 
 

BAPS ના વડા પૂ. મહંત સ્વામી હાલ સારંગપુર ખાતે બિરાજમાન છે. ૨૮મી મેથી સારંગપુરમાં ‘અક્ષરપુરુષોત્તમના યોદ્ધા’ થીમ પર અખિલ ભારતીય બાળ અધિવેશન યોજાયું હતું. તેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા ૨,૦૦૦ જેટલાં બાળકો અને બાલિકાઓએ ભાગ લીધો હતો. ૨૯મીએ સાંજની સભામાં બાળકોએ પૂ. મહંત સ્વામીને તેમના નિર્ણાયક બનવા કહ્યું હતું. તે સાથે જ તેમણે વાર્તા સંભળાવવાનો આગ્રહ કરતાં પૂ. મહંત સ્વામીએ તેમને ‘સંપ’ની વાર્તા કહી હતી. ૩૧મીએ યોગીજી મહારાજની જન્મજયંતી હતી. સાંજે બાળકોને પ્રેરણા પૂરી પાડે તેવો સંવાદ ‘જંગલનો સંગ્રામ’ રજૂ કરાયો હતો. ૧લી જૂને સ્પર્ધા વિજેતા બાળકોને ઈનામ વિતરણ કરાયું હતું. આ પ્રસંગે બાળકોએ સંવાદ દ્વારા ‘ઈનામોની કોઈ કિંમત નથી. ગુરુનો, સ્વામીનો રાજીપો થાય એ જ સાચું ઈનામ છે’ તેવો સંદેશો આપ્યો હતો. ૨જીએ પૂ. મહંત સ્વામીએ બાળકોને આશીર્વાદ આપતા કહ્યું,‘ સાચા અર્થમાં યોદ્ધા થશો તો સ્વામી ભેગા જ છે. માયા સામે લડે તે અક્ષરપુરુષોત્તમના યોદ્ધા છે.’

૪થી જૂને અખિલ ભારતીય યુવક યુવતી અધિવેશનનો પ્રારંભ થયો હતો. બે ભાગમાં યોજાયેલા આ અધિવેશનના પ્રથમ ભાગમાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી આવેલા લગભગ ૨,૦૦૦ જેટલાં યુવક-યુવતી ભાગ લઈ રહ્યા છે. પૂ. મહંત સ્વામી અને સંતોએ દીપ પ્રગટાવીને તેનું ઉદઘાટન કર્યું હતું. અધિવેશનમાં ભાગ લેવા માટે કેવી તૈયારી કરી છે અને શેનો ત્યાગ કરવો પડયો તે વાત યુવકોએ સંવાદ દ્વારા રજૂ કરી હતી. પૂ. મહંત સ્વામીએ આશીર્વચનમાં કહ્યું,‘ તમારી શ્રદ્ધા જોઈને ભગવાન રાજી કેમ ન થાય ? મોટામાં મોટું ઈનામ તો ભગવાનનો, સંતનો રાજીપો છે.’

સારંગપુરમાં પૂ. મહંત સ્વામીની નિત્ય પ્રાતઃપૂજામાં મોટી સંખ્યામાં સંતો અને હરિભક્તો ઉપસ્થિત રહે છે. તેમની પૂજા અને આશીર્વાદનો લાભ લે છે.


comments powered by Disqus