ઑક્સફર્ડ યુનિવર્સિટીનું નામ વિદ્યા જગતમાં ખૂબ આદર અને સન્માનથી લેવાય છે. વિશ્વના સારા સારા વિદ્વાનો અને નિષ્ણાતો આ યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે. લંડનથી દોઢેક કલાકના અંતરે આવેલી આ યુનિવર્સિટી આમ તો સ્થાનિકો અને દેશવિદેશથી આવેલા વિદ્યાર્થીઓથી ભરેલું શહેર બની ગઈ છે. જો કે આપણે ગુજરાતમા યુનિવર્સિટી કેમ્પસ અંગે જેવો ખ્યાલ હોય તેની સાથે સરખાવીએ તો અહીંની વ્યવસ્થા થોડી જુદી તરી આવે. આખી યુનિવર્સિટી એક કેમ્પસમાં આવેલી નથી. પરંતુ પૂરા શહેરમાં ફેલાયેલી છે, જેની કેટલીક ઈમારતોમાં કોલેજો, કાફે-રેસ્ટોરન્ટ, રહેણાંક, એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડીંગ, મ્યુઝિયમ કે બુકસ્ટોર એકબીજા સાથે હળીમળી ગયા હોય તેમ લાગે.
૩૧મી મે ના રોજ ભારતના હાઈ કમિશનર શ્રીમતી રુચિ ઘનશ્યામે ઑક્સફર્ડ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. ત્યાં તેણીએ હિન્દુ સેન્ટર, આશમોલિયન મ્યુઝિયમ તથા સમરવીલે કોલેજની મુલાકાત લીધી. આ ઉપરાંત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાથેની મુલાકાતમાં તેમણે બંને દેશો વચ્ચે શિક્ષણ ક્ષેત્રે વધારે સહકાર કેવી રીતે સ્થાપી શકાય તેના અંગે વાટાઘાટો કરી. સમરવીલે કોલેજમાં ભારતથી આવેલા વિદ્યાર્થીઓ સાથે હાઈ કમિશનરે વાતચીત કરી અને તેમના અનુભવો અને પ્રશ્નો સાંભળ્યા. ત્યારબાદ હાઈ કમિશનરે કોલેજના કેમ્પસમાં મહાત્મા ગાંધીની ૧૫૦મી જયંતી નિમિત્તે વૃક્ષારોપણ કર્યું. સમરવીલે કોલેજના પ્રિન્સિપાલે હાઈ કમિશનર અને ભારતીય રાજદૂતોના માનમાં ડિનરનું આયોજન કર્યું હતું. મુલાકાત દરમિયાન હાઈ કમિશનરે ભારતીય સંસ્કૃતિ પરના પુસ્તકો કોલેજને ભેટમાં આપ્યા.
૨૦૧૯નું વર્ષ ભારત અને ઑક્સફર્ડના સંબંધોમાં એટલા માટે પણ મહત્વ ધરાવે છે કે કાર્નેલિયા સોરબજી નામની ભારતીય પારસી મહિલા ઑક્સફર્ડ ખાતે કાયદાનો અભ્યાસ કરવા આવી તેને ૧૩૦ વર્ષ થયા. કાર્નેલિયા ઓક્સફર્ડમાં કાયદો ભણનાર પ્રથમ મહિલા હતી અને એટલા માટે પ્રથમ ભારતીય મહિલા પણ ખરી. ઉપરાંત ભારત અને યુકે બંનેમાં કાયદાની પ્રેક્ટિસ કરનાર પ્રથમ મહિલા હોવાનું સન્માન પણ તેમને ફાળે જાય છે. તેમના સન્માનમાં ૨૦૧૬થી ભારતીય લૉ સ્ટુડન્ટ્સ માટે એક છાત્રવૃત્તિ પણ શરુ કરવામાં આવી છે.
નોંધપાત્ર છે કે ઑક્સફર્ડ હિન્દુ સેન્ટર ભારતીય હાઈ કમિશનના પેટ્રોનેજ હેઠળ કાર્ય કરે છે અને તે સમયાંતરે ભારતીય સંસ્કૃતિ, કલા, તથા હિન્દુ, બૌદ્ધ, જૈન અને શીખ જેવા, ભારતમાં ઉદભવેલા ધર્મો અંગે વિવિધ કોર્સ, કાર્યક્રમ અને કોન્ફરન્સનું આયોજન પણ કરે છે. આ ઉપરાંત આશમોલિયન મ્યુઝિયમમાં પ્રદર્શિત અનેક કલાકૃતિઓ પણ ભારતના વૈવિધ્યપૂર્ણ અને પ્રાચીન સાંસ્કૃતિક વારસાની યશગાથા સમાન બની રહી છે.
ઑક્સફર્ડમાં ૧૪૦થી વધારે દેશોમાંથી આવેલા ૨૩૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ભણે છે જેમાં ભારતના લગભગ ૪૦૦ વિદ્યાર્થીઓ છે. ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પણ ૧૯૩૭માં ઑક્સફર્ડની સમરવીલે કોલેજમાં મોડર્ન હિસ્ટરીનો અભ્યાસ કરવા આવેલા. યુકેના માર્ગારેટ થેચર પણ ત્યાં જ ભણેલા. એવા તો કેટલાય મહાનુભાવોના નામ આ યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે. જો કે એ જાણીને આશ્ચર્ય થાય કે યુકેમાં ભારતના વિદ્યાર્થીઓની સંખ્યા વીસ હજારથી ઓછી છે, જ્યારે યુએસએમાં એક લાખથી વધારે ભારતીય વિદ્યાર્થીઓ જાય છે. કેનેડા, ઓસ્ટ્રેલિયા, જર્મની, ચીન, ન્યુઝીલેન્ડ વગેરે દેશોમાં પણ મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ દર વર્ષે અનેકવિધ ડિગ્રી મેળવવા માટે જતા હોય છે. આશા રાખીએ કે યુકેમાં આવતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થશે.
(અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)

