મોદી મંત્રીમંડળઃ અનુભવ, સેવા અને તાજગીનો સમન્વય

Thursday 06th June 2019 01:54 EDT
 

જંગી જનાદેશ સાથે પુનઃ સત્તાસ્થાને આસીન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ લોકોની આશા અને આકાંક્ષા પરિપૂર્ણ કરવા સહિતના પડકારો અને જવાબદારીઓ પણ છે. તેમની બીજી મુદતમાં કામગીરી વધુ જોશપૂર્ણ રહેશે તેનો સંકેત તેમણે પ્રધાનમંડળની રચના સાથે આપી દીધો છે. તેમના પ્રધાનમંડળમાં અનુભવ, સેવા અને યૌવનની તાજગીનો સમન્વય જોવા મળ્યો છે. વડા પ્રધાન મોદીએ મિનિસ્ટર્સની પસંદગીમાં કાર્યક્ષમતા ઉપરાંત દરેક ક્ષેત્રને પ્રતિનિધિત્ત્વ આપવા સાથે વ્યાવહારિક નિર્ણયો લીધા છે.
કેબિનેટ રચનામાં સૌથી મહત્ત્વપૂર્ણ નાણાં, ગૃહ, સંરક્ષણ અને વિદેશ મંત્રાલય કોને સોંપાશે તેના પર વધુ નજર હતી. આ વખતે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને નાણાં મંત્રાલય સોંપાશે તેવી ધારણાથી વિપરીત તેમને હોમ મિનિસ્ટ્રી સોંપાઈ છે. આ ખરેખર સાચી પસંદગી કહેવાય કારણકે ગુજરાતમાં નરેન્દ્ર મોદી સરકારમાં પણ તેમણે ગૃહ મંત્રાલયમાં કામગીરી બજાવી જ હતી. આંતરિક અને સરહદી સુરક્ષા, કાશ્મીર સમસ્યા, આંતકવાદનો સામનો, આસામ અને દેશભરમાં નાગરિક રજિસ્ટર, ત્રિપલ તલાક કાયદો, અને રામમંદિર નિર્માણ જેવી વિકરાળ સમસ્યા તેમની સમક્ષ છે.
ભાજપના ટ્રબલશૂટર નાણાપ્રધાન અરુણ જેટલી તેમના નાદુરસ્ત સ્વાસ્થ્યના કારણે કેબિનેટનો હિસ્સો બની શક્યા નથી ત્યારે પ્રથમ ઈનિંગમાં સંરક્ષણ પ્રધાન તરીકે કસોટીમાંથી પાર ઉતરેલાં નિર્મલા સીતારામનને નાણાંવિભાગનો ભાર સોંપવામાં મોદી જરા પણ ખચકાયા નથી. જોકે, તેમણે ઘણા મોરચે લડવાનું થશે. આર્થિક વિકાસ મંદ પડ્યો છે, બેરોજગારી, નિકાસક્ષેત્રે પીછેહઠ, ક્રુડ ઓઈલની આયાત સહિતના આર્થિક મુદ્દા તેમની ક્ષમતાને કસોટીની એરણે ચડાવશે.
ભારતીય રાજકારણ અને ભાજપમાં મહત્ત્વના ચહેરા રાજનાથસિંહ પાસેથી ગૃહવિભાગ લઈ તેમને સંરક્ષણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે તેમાં કોઈ રાજકારણ નથી પરંતુ, દેશ પાકિસ્તાન અને ચીન જેવા શત્રુઓથી ઘેરાયેલો છે ત્યારે રાજનાથસિંહ જેવું વ્યક્તિત્વ રાષ્ટ્રસુરક્ષાને ઊંચા સોપાને લઈ જશે. તેમણે ગૃહમંત્રાલય સંભાળ્યું હોવાથી આંતરિક સુરક્ષા વિશે તો સભાન છે.
આંતરરાષ્ટ્રીય વિશ્લેષકોના મતે વિદેશનીતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળની સૌથી મોટી સિદ્ધિઓમાંની એક છે. કેન્દ્રીય કેબિનેટમાં સફળ વિદેશપ્રધાન સુષમા સ્વરાજના સ્થાને કોને પસંદ કરાશે તેની પણ ભારે ચર્ચા હતી ત્યારે વડા પ્રધાને પૂર્વ વિદેશ સચિવ સુબ્રમણ્યમ જયશંકરની પસંદગીથી સૌને ચોંકાવી દીધા છે. જયશંકર સફળ આંતરરાષ્ટ્રીય રાજદ્વારી તરીકે પ્રખ્યાત છે. અમેરિકા, ચીન અને રશિયામાં તેમણે કામગીરી બજાવી છે અને આ મહાસત્તાઓના આંતરિક વણલોથી તેઓ સારી રીતે જાણકાર છે.
દેશના વિકાસમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો ધમની સમાન છે. નીતિન ગડકરીને તેમનું મંત્રાલય ફરી અપાયું છે, જે તેમના રોડ ટ્રાન્સપોર્ટના કાર્યોમાં વિશ્વાસ દર્શાવે છે. આ જ રીતે, કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ, રેલવે મિનિસ્ટર પિયુષ ગોયેલ, માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરિયાલ તેમજ શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી સંતોષ ગંગવાર, ટેક્સટાઈલ્સ મિનિસ્ટર સ્મૃતિ ઈરાની સહિતના પ્રધાનોને જાળવી રખાયા છે.
મોદી મિનિસ્ટ્રીમાં સૌથી વધુ ચર્ચા થઈ હોય તો તે રાજ્યમંત્રી પ્રતાપ ચંદ્ર સારંગીની છે. બાલાસોરના ‘ઓરિસ્સાના મોદી’ નામથી પ્રખ્યાત આ સાંસદની સાદગીપૂર્ણ જીવનચર્યા અને આદિવાસી વિસ્તારોમાં કામગીરીએ લોકમાનસને જીતી લીધું છે. આવી જ એક અન્ય પસંદગી આસામના દિબ્રૂગઢના સાંસદ રામેશ્વર તેલીની છે. ખેતરોમાં હાથલારી ખેંચવામાં પણ નાનમ નહિ અનુભવતા તેલીને મોટી જવાબદારી સોંપાઈ છે, જેમાં તે મહેનત કરવામાં પાછળ નહિ પડે તે સમજી શકાય તેવું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉની ટર્મમાં જે વાયદા કરાયા હતા અને પૂર્ણ થઈ શક્યા નથી તેવા કાર્યોને પરિપૂર્ણ કરવાની જવાબદારી નિભાવવા આવા સભ્યોને પસંદ કરી પોતાની દિશા સ્પષ્ટ કરી છે કે તેમને કામ કરે તેવા પ્રધાનોની જરુર છે.


comments powered by Disqus