• એરપોર્ટ પર સિક્યુરીટી ચેક માટેની લાઈનો ભૂતકાળ બનશે
સરકારની સહાયથી એસ્ટ્રોફિઝિસિસ્ટ્સ સ્ટાર – સર્ચિંગ ટેક્નોલોજી આધારિત બોડી સ્કેનર્સ વિક્સાવી રહ્યા હોવાથી એરપોર્ટ્સ પર લાગતી સિક્યુરિટી ચેક માટેની લાઈનો હવે ભૂતકાળ બની જશે.
• વિમાનના ઘોંઘાટ વિશે એક વ્યક્તિએ ૧૬,૪૦૭ ફરિયાદ કરી
વિમાનની અવરજવરના રૂટ નીચે રહેતી એક વ્યક્તિએ વિમાનના ઘોંઘાટ અંગે એક દિવસમાં એરપોર્ટને ૮૪૨ ફરિયાદ કરી હતી. ચેશાયરના વોરિંગ્ટનમાં રહેતી અજાણી વ્યક્તિએ લીવરપૂલ જહોન લેમન એરપોર્ટને જૂલાઈ ૨૦૧૮ અને આ વર્ષના માર્ચ વચ્ચે કુલ ૧૬,૪૦૭ ઈમેઈલ કર્યા હતા.
• LGBT શિક્ષણના વિરોધ દેખાવો સામે હાઈકોર્ટનો મનાઈહુકમ
બર્મિંગહામ શહેરની પ્રાઈમરી સ્કૂલ એન્ડરટન પાર્ક પ્રાઈમરીમાં LGBT શીખવવા સામે મોટા પાયે થઈ રહેલા વિરોધ દેખાવો બંધ કરવા હાઈકોર્ટે બર્મિંગહામ સિટી કાઉન્સિલની તરફેણમાં મનાઈહુકમ આપ્યો હતો. છેલ્લાં થોડાં અઠવાડિયાથી આ સ્કૂલ પર મુસ્લિમ વાલીઓ અને અન્યો દ્વારા દરરોજ દેખાવો થાય છે. ટીચરો વિદ્યાર્થીઓેને એલજીબીટીને લગતું સાહિત્ય આપવાનું બંધ કરે તેવી તેમની માગ છે. દેખાવોને લીધે સ્કૂલના સ્ટાફ, બાળકો અને તેમના વાલીઓની સલામતી વિશે ચિંતાની લાગણી ઉભી થઈ છે.
• સ્થૂળતાને લીધે કેન્સરના કેસ વધવાની NHSના વડાની ચેતવણી
સ્થૂળતા ‘નવું સ્મોકિંગ’ બની ગયું હોવાથી હવે સ્થૂળતાને લીધે વજન સંબંધિત કેન્સરના દર્દીઓની સંખ્યા દસ વર્ષમાં બમણી થઈ જશે તેવી ચેતવણી એનએચએસ ના વડાએ ઉચ્ચારી હતી. એનએચએસની આગાહી દર્શાવે છે કે આગામી ૨૦૩૫ સુધીમાં એનએચએસ સ્થૂળતા સાથે સંબંધિત કેન્સરના ૪૦,૦૦૦થી વધુ કેસોની સારવાર કરતી હશે. ૨૦૧૫માં આ સંખ્યા ૨૨,૮૦૦ હતી.
• બૂટ્સ દ્વારા જીવલેણ જેબની ભલામણ
ટાન્ઝાનિયાની ટ્રીપ દરમિયાન બૂટ્સ કમ્પ્યુટરે યલો ફિવર જેબની ભલામણ કરી હતી. તે લીધા બાદ ૬૭ વર્ષીય અગ્રણી કેન્સર નિષ્ણાત માર્ટિન ગોરનું મૃત્યુ થયું હતું. સામાન્ય રીતે ટાન્ઝાનિયામાં આ રસીની જરૂર પડતી નથી. ભાગ્યે જ જોવા મળતાં રસીના રિએક્શનને લીધે તેમનું મૃત્યુ થયું હતું. ૬૦ વર્ષથી વધુની વયના લોકોમાં આ રસીને લીધે જોખમ વધી ગયું હોવાનું ઈન્ક્વેસ્ટમાં જણાવાયું હતું.
• વિદ્યાર્થીએ પેનમાં નીબની જગ્યાએ બ્લેડ ભરાવી
યર ૮ના એક વિદ્યાર્થીએ હાઈલાઈટર પેનની નીબ કાઢી નાંખીને તેની જગ્યાએ શાર્પનરની બ્લેડ મૂકી દીધી હતી. પોલીસે પેન જપ્ત કરી લીધી હતી. સ્ટેફર્ડશાયરના કેનોકની એક સ્કૂલમાં ૧૨થી ૧૩ વર્ષનો આ વિદ્યાર્થી આ હથિયાર લાવ્યો હતો.
• નાઈટ શિફ્ટથી બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા વધતી નથી
અગાઉના પૂરાવાથી તદ્ન વિપરિત એક અભ્યાસ મુજબ નાઈટ શિફ્ટને લીધે બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા વધતી ન હોવાનું જણાયું હતું. બ્રિટિશ જર્નલ ઓફ કેન્સરમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં જણાયું હતું કે નાઈટ શિફ્ટમાં કામ કરતી મહિલાઓને સવારથી સાંજ સુધીના સમયમાં કામ કરતી મહિલાઓ કરતાં બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા વધતી નથી.
• મેકેન્ઝી બેઝોસ £૧૪ બિલિયન દાનમાં આપશે
એમેઝોનના સ્થાપક જેફ બેઝોસની ભૂતપૂર્વ પત્ની મેકેન્ઝી બેઝોસે જાહેરાત કરી હતી કે તે ડિવોર્સમાં તેને મળેલી ૩૫.૬ બિલિયન ડોલર (૨૮ બિલિયન પાઉન્ડ) સંપત્તિમાંથી અડધી સંપત્તિ દાનમાં આપી દેશે. ‘ગીવીંગ પ્લેજ’ સાથે જોડાવાના નિર્ણયની વ્યાપક પ્રશંસા થઈ રહી છે. ગીવીંગ પ્લેજ એક સ્કીમ છે જેમાં મિલ્યોનેર્સ અને બિલ્યોનેર્સ તેમની સંપત્તિમાંથી ૫૦ ટકા સંપત્તિ ચેરિટીના કાર્યો માટે આપે છે. વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ જેફ બેઝોસે પોતે આવું પ્લેજ લીધું નથી.
• લોકો વર્ષે ૫૦ દિવસ ઈન્ટરનેટ પાછળ ગાળે છે
લોકો હવે ફેસબુક અને યુ - ટ્યૂબ પર પર એક અઠવાડિયા સાથે વર્ષના પૂરા ૫૦ દિવસ ઈન્ટરનેટ પર વીતાવતા હોવાનું ઓફ્કોમના નવા અભ્યાસમાં જણાયું હતું. ગયા વર્ષે વયસ્કોએ ઓનલાઈન રહેવા પાછળ દરરોજ સરેરાશ ત્રણ કલાક અને ૧૫ મિનિટ વીતાવી હતી. જે ૨૦૧૭ કરતાં ૧૧ મિનિટ વધુ હતી. ઓફ્કોમના આ પ્રથમ એવા ઓનલાઈન નેશન રિપોર્ટમાં જણાવાયું હતું કે લોકો સ્ક્રોલિંગ અને બ્રાઉઝિંગમાં વધુ સમય ગાળે છે. તેના લીધે ખાસ કરીને બાળકોને થતાં નુક્સાન અંગે લોકો વધુ ચિંતિત જણાયા હતા.
• બ્લડ ટેસ્ટ કીટ વેચવા NHSનો બજારમાં પ્રવેશ
નાણાં ઉભા કરવાના એક વિવાદાસ્પદ સાહસમાં NHS ગંભીર બીમારીના લક્ષણોના ચિહ્નોના પરીક્ષણ માટે કન્ઝ્યુમર બ્લડ ટેસ્ટનું વેચાણ કરવા બજારમાં ઉતર્યું છે. આ ટેસ્ટ હૃદયરોગ, ડાયાબિટીસ અને ઓસ્ટિઓપોરોસિસ જેવા રોગ થવાની શક્યતાનું વિશ્લેષણ કરીને તેવા રોગોને અટકાવી શકશે. ઓનલાઈન આ ટેસ્ટ ખરીદનારા લોકો ૨૪ પાઉન્ડ અને તેથી વધુ રકમ ખર્ચશે તેવી આ અગ્રણી હોસ્પિટલ લેબોરેટરીને આશા છે. પરંતુ, GP ને ભય છે કે તેના લીધે સર્જરીમાં તેમને વધુ સમય આપવો પડશે.
