BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ મહેળાવ ખાતે વિચરણ કરી રહ્યા છે. નીલકંઠવર્ણી અને ગુરુ પરંપરાની મૂર્તિપ્રતિષ્ઠાના મુખ્ય ઉદ્દેશ સાથે પૂ. મહંત સ્વામી મહેળાવ પધાર્યા હતા. તા.૩૦ને બુધવારે સવારે યજ્ઞ અને સાંજે ભવ્ય નગરયાત્રાનું આયોજન થયું હતું. જેમાં મોટી સંખ્યામાં સંતો અને હરિભક્તો જોડાયા હતા. સાંજે સન્માન સમારોહ સભા યોજાઈ હતી. તેમાં આ કાર્ય માટે યોગદાન આપનાર હરિભક્તો અને વ્યક્તિઓનું સન્માન કરાયું હતું.૩૧મીએ સવારે પૂ. મહંત સ્વામીના હસ્તે નવા અભિષેક મંડપમાં નીલકંઠવર્ણી તેમજ ગુરુપરંપરાની મૂર્તિપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આશીર્વચનમાં પૂ. મહંત સ્વામીએ કહ્યું હતું કે આ સત્સંગમાં વફાદારી એ જ મૂદ્દો છે. પૂ. શાસ્ત્રીજી મહારાજને યાદ કરતાં તેમણે જણાવ્યું હતું કે શાસ્ત્રીજીએ સહન કર્યું છે, સામનો નથી કર્યો. ૧લી ફેબ્રુઆરીએ કાર્યકર દિન નિમિત્તે તેમણે કાર્યકરોના વિવિધ પ્રશ્રો સાંભળ્યા હતા અને સારા બની શકાય તેવા આશીર્વાદ આપ્યા હતા. ૨જીએ બાળયુવાદિન ઉજવાયો હતો. તેમાં વનરાજ સંવાદ રજૂ થયો હતો. ૩જીએ ‘સુવર્ણતુલા મહોત્સવ’ અને ‘ફૂલોં સે હોલી’નું આયોજન કરાયું હતું. હરિભક્તોએ શ્રદ્ધા અને શક્તિ મુજબ દાન કર્યું હતું. પૂ. મહંત સ્વામીએ પુષ્પપાંદડીઓથી હરિભક્તોને રંગ્યા હતા. ૪થીએ પૂ. મહંત સ્વામીની નિશ્રામાં બીએપીએસ સ્વામીનારાયણ છાત્રાલય, વિદ્યાનગરનો વાર્ષિકોત્સવ ઉજવાયો હતો. મહેળાવમાં પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાનો મોટી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો હતો અને તેમના દર્શન તથા આશીર્વચન મેળવ્યા હતા. તે ઉપરાંત, સમીપ દર્શનમાં પણ હરિભક્તોએ પૂ. મહંત સ્વામીના નજીકથી દર્શનનો લાભ લીધો હતો. તા.૫ને મંગળવારે તેમણે વિચરણ માટે ધૂળે જવા પ્રસ્થાન કર્યું હતું.

