લંડનઃ ૩૦ જાન્યુઆરીએ ઈન્ડિયા લીગ દ્વારા રસેલ સ્ક્વેર ખાતે યુકે ખાતેના ભારતના હાઈ કમિશનર રુચિ ઘનશ્યામ, લોર્ડ રણબીરસિંઘ સુરી, સાંસદ વીરેન્દ્ર શર્મા, મેયર ઓફ કેમડન કાઉન્સિલર જેની હેડલામ – વેલ્સ તેમજ ભારતીય ડાયસ્પોરાના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં મહાત્મા ગાંધી નિર્વાણ દિન મનાવવામાં આવ્યો હતો.
ભારતના રાષ્ટ્રપિતા તરીકે જાણીતા મહાત્મા ગાંધીની ૧૯૪૮માં આ દિવસે નથુરામ ગોડસેએ હત્યા કરી હતી. ગાંધીજી સ્વાતંત્ર્ય સંગ્રામને લીધે ભારતમાં જ નહીં પણ દક્ષિણ આફ્રિકામાં પણ તેમના આંદોલનોને લીધે વિખ્યાત હતા. ઈન્ડિયા લીગના ચેરમેન અને ગુજરાત સમાચાર/એશિયન વોઈસના પ્રકાશક/તંત્રી સી બી પટેલે તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું,‘૧૯૬૬ના અંતમાં અમને ગાંધીજીની પ્રતિમાનું નિર્માણ કરવાનો વિચાર આવ્યો હતો. તે વખતે ભારત વિશ્વફલક પર મજબૂત કે પ્રખ્યાત ન હતું. અમારી પાસેથી કોઈપણ રકમ લીધા વિના આ વિસ્તારમાં અમને આ સુંદર સ્થળ ભેટમાં આપવા બદલ અમે કેમડન બરો કાઉન્સિલના વડાઓના આભારી છીએ.’
પૂ. બાપૂની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. હાઈ કમિશનર રુચિ ઘનશ્યામે ભારત અને દુનિયાએ ગાંધીજીને માત્ર શારીરિક રીતે ગુમાવ્યા છે અને તેમના વિચારો આજે પણ સતત આપણી સાથે જ છે તેની વાત કરતાં કહ્યું હતું, ‘ગાંધીજીના વિચારો અને આદર્શો, તેઓ જે લડત લડ્યા હતા તે, પ્રેરણા અને સ્વાતંત્ર્યની જે જ્યોત તેમણે જગાવી હતી તે બૂઝાઈ નથી. હજુ આજે પણ પ્રગટેલી છે. વિશ્વભરમાં આપણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ ત્યારે કઈ મૂલ્ય પદ્ધતિ આપણા સમાજને અને લોકોને બળ આપે છે તે આપણે જાણતા નથી. મહાત્મા ગાંધીની વિચારસરણી, અહિંસા વિશેની તેમની ફિલસૂફી અને સત્યાગ્રહ તરીકે ઓળખાતી તેમની અજોડ સંઘર્ષ પદ્ધતિનો આપણને વિચાર આવે છે. તેમના આદર્શો આજે પણ પ્રસ્તુત છે.’
કેમડન કાઉન્સિલર જેની હેડલામ – વેલ્સે જણાવ્યું હતું,‘ આજના કમનસીબ દિવસે વિશ્વના મહાન નેતાઓ પૈકીના એક એવા મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી. આપણા સૌ માટે શાંતિ અને માનવતાના પ્રતિક એવા વિશિષ્ટ વ્યક્તિની ૭૧મી પુણ્યતિથિએ તેમને યાદ કરવામાં હું આપ સૌની સાથે જોડાઈ છું તેનું મને ગૌરવ છે.’
ઈલિંગ સાઉથોલના સાંસદ વીરેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે ગાંધીજીએ માત્ર ભારતમાં રહેતા ભારતીયોને જ નહીં પરંતુ, નાત. જાત. ધર્મ અને જાતિથી પર રહીને આપણે જે મૂલ્યો અને નૈતિકતાનું પાલન કરવું જોઈએ તેના વિશે સમગ્ર દુનિયાને સંદેશ આપ્યો છે.’
ત્યારબાદ યુકેના ભારતીય વિદ્યા ભવન સેન્ટરની યુવતીઓએ ગાંધીજીને પ્રિય ભજન ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ રજૂ કર્યું હતું. નિપ્પોન્ઝાન માયોહોજી સેક્ટ ઓફ બુદ્ધિઝમના બે જાપાની મિત્રોએ સંગીતમય કૃતિ પ્રસ્તુત કરી હતી.

