ગંભીર વિષયની હળવી માવજતથી બનેલી ફિલ્મ ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’

Wednesday 06th February 2019 05:57 EST
 
 

ડિરેક્ટર શેલી ચોપરા ધરની પ્રથમ ડિરેક્ટેડ ફિલ્મ ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’ એક ધનાઢ્ય ભારતીય પણ પ્રમાણમાં થોડા રૂઢિચુસ્ત પરિવારની અસામાન્ય છોકરીની ફિલ્મ છે. આ ફિલ્મમાં ગંભીર સામાજિક વિષય હોવા સાથે ફિલ્મ હળવી છે અને મનોરંજક પણ છે. ફિલ્મના ટ્રેલર લોન્ચમાં જ ફિલ્મનો વિષય સ્પષ્ટ હતો કે આ ફિલ્મ સમલૈંગિક સંબંધ પર આધારિત છે.
વાર્તા રે વાર્તા
બલબીર ચૌધરી (અનિલ કપૂર) પંજાબના મોગા શહેરનો ગારમેન્ટ બિઝનેસ ધરાવતો ધનાઢ્ય અને નામાંકિત ઉદ્યોગપતિ છે. માસ્ટર શેફનું ખ્વાબ અધુરું છૂટી ગયેલા બલબીરની દીકરી સ્વીટી (સોનમ કપૂર)ની લગ્નની ઉંમર થતાં તેના માટે યોગ્ય કુંવરની તપાસ ચાલે છે, પણ સ્વીટીનું પોતાનું એક સિક્રેટ છે! જેથી તે દિલ્હી ભાગી જાય છે. ત્યાં તેને નાટ્યલેખક સાહિલ મિર્ઝા (રાજકુમાર રાવ) મળે છે. સ્વીટીનો ભાઈ ઘરમાં કહે છે કે સ્વીટીને એક મુસલમાન છોકરા સાથે પ્રેમ છે. સ્વીટીના ઘરમાં ધમાલ થતાં સાહિલ મોગા આવે છે. સાહિલ સાથે આવેલી રસોયણ છત્રો (જૂહી ચાવલા) પણ આવી હોય છે. તે ઘરમાં ચાલતી મૂંઝવણોને દૂર કરવામાં મદદ કરે છે. જોકે એક દિવસ સ્વીટી સ્પષ્ટ કરે છે કે મારો પ્રેમ કોઈ મુસલમાન છોકરો નથી. અરે, મારો પ્રેમ કોઈ છોકરો જ નથી. હું છોકરીને પ્રેમ કરું છું. એ પછી ફિલ્મમાં શું થાય છે એ જોવાની મજા અલગ જ છે.
દમદાર એક્ટિંગ
ફિલ્મમાં અનિલ કપૂર, રાજકુમાર રાવ, સોનમ કપૂર, જૂહી ચાવલા સહિત દરેક કલાકારની એક્ટિંગ જોરદાર છે. વિષય વિશે ખ્યાલ હશે તો આશ્ચર્ય થશે, ઝટકો નહીં લાગે.
ફિલ્મમાં કોમિક ટાઈમિંગ ખૂબ જ માવજતથી અને યોગ્ય ટાઈમે મુકાયા હોવાથી અનિલ કપૂર, રાજકુમાર રાવ, બિજેન્દ્ર કાલા, સીમા પાહવાની કોમિક સેન્સ ખીલે છે. ડાયલોગ અને સિચ્યુએશન પણ સરસ છે તેથી ફિલ્મમાં કોમેડી જચે છે.
મજબૂત પટકથા
શેલી અને ગઝલ ધલિવાલની પટકથા ખૂબ જ મજબૂત છે સાથે મ્યુઝિક પણ કર્ણપ્રિય છે.


comments powered by Disqus