લોકસભાની ચૂંટણી આડે ગણતરીના મહીના બાકી રહ્યા છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોની નારાજગી, મોંઘવારી, યુવાનો અને શ્રમિકોમાં બેરોજગારી વિશે અસંતોષ તેમજ હિન્દુઓમાં રામમંદિરના નિર્માણનું વચન પરિપૂર્ણ ન કરાયા સહિતના કારણોએ કચવાટનો સામનો કરી રહી છે ત્યારે દેશની જનતાને ખુશખુશાલ કરી દેવાની આશા અને અપેક્ષા હતી તેવું જ બજેટ સરકારે દેશ સમક્ષ રજૂ કરવાની તક ઝડપી લીધી છે. નવી સરકાર મે-૨૦૧૯ સુધીમાં સત્તા સંભાળે ત્યાં સુધી લેખાનુદાન અથવા અંતરિમ બજેટ રજૂ કરવાની જવાબદારી કાર્યકારી નાણા પ્રધાન પિયુષ ગોયલે સુપેરે પાર પાડી છે. તેમણે આ બજેટમાં લગભગ તમામ વર્ગને થોડી ઘણી લહાણી કરી છે, જેમાં સીમાંત ખેડૂતો માટે આર્થિક સહાય, દેશના સૌથી મોટા અસંગઠિત વર્ગના શ્રમિકો માટે પેન્શન યોજના તેમજ પગારદાર, પેન્શનર સહિતના મધ્યમ વર્ગને આયકર મુક્તિમર્યાદાની મોટી રાહતનો સમાવેશ થાય છે, પરંતુ મહિલા અને યુવાવર્ગ, શિક્ષણ અને નોકરી-રોજગાર જેવાં મુદ્દાઓ ટાળી દીધાં છે. જોકે, બજેટ જોગવાઈઓને નવી સરકાર દ્વારા કદાચ જુલાઈમાં રજૂ થનારા સંપૂર્ણ બજેટમાં બહાલી મળવી આવશ્યક છે. બધી સરકારોના પ્રવક્તાની માફક, તેમણે પણ ભૂતકાળની સિદ્ધિઓ અને યોજનાઓનો ઉલ્લેખ કર્યો, પરંતુ લોકો ભૂતકાળ નહિ વર્તમાન અને ભવિષ્યનો જ વધુ વિચાર કરતા હોય છે.
નાણા પ્રધાન પિયુષ ગોયલના શબ્દમાં જ કહીએ તો તેમનું બજેટ ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક’ ફિલ્મ જેવું જ છે. મોદી સરકારે ખેડૂતોની નારાજગીને ધ્યાને લઇને તેમના માટે વિશેષ યોજના જાહેર કરી છે. ગત વર્ષોમાં દેશભરમાં ખેડૂતોએ ઘણાં આંદોલનો કર્યાં છે ત્યારે આગામી ચૂંટણીમાં ખેડૂત વર્ગને સાચવવો અત્યંત જરૂરી છે. નાના ખેડૂતોના બેન્ક ખાતામાં વાર્ષિક છ હજાર રૂપિયા ત્રણ હપ્તામાં જમા કરવાની યોજનાનો લાભ બે હેક્ટરથી ઓછી જમીન ધરાવતા દેશના ૧૨ કરોડ નાના અને સીમાંત ખેડૂત પરિવારોને અથવા તો અંદાજે ૬૦ કરોડ લોકોને મળશે તેવો દાવો કરાયો છે. વાવણી ચક્ર અનુસારની આ યોજના ડિસેમ્બર ૨૦૧૮થી શરૂ થયેલી ગણાશે અને તેનો પ્રથમ હપ્તો માર્ચ ૨૦૧૯ અગાઉ મળી જશે. મોદી સરકારની આ યોજના હિન્દી બેલ્ટના ત્રણ રાજ્યોમાં કોંગ્રેસ સરકારો દ્વારા જાહેર ખેડૂતોની દેવાંમાફીનો જવાબ અને વિશ્વમાં સૌથી મોટી ઈન્કમ સપોર્ટ સ્કીમ બની રહેશે તેમ મનાય છે. જોકે, માસિક રૂ. ૫૦૦ જેટલી સહાયથી ગરીબ ખેડૂતનું કેટલું દળદર ફીટશે તે મહાપ્રશ્ન છે. મોદી સરકારે દેશમાં ખેડૂતોની કુલ વસતીના ૮૫ ટકા નાના અને સીમાંત ખેડૂતો માટે પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિની યોજનામાં ૭૫ હજાર કરોડ રૂપિયા અને વર્તમાન નાણાવર્ષ માટે ૨૦ હજાર કરોડ ફાળવવાં ઉપરાંત, મનરેગા યોજના માટે રૂ. ૬૦,૦૦૦ કરોડની ફાળવણી કરી છે.
મોદી સરકારે વચગાળાના બજેટનો લાભ લઈ આગામી ૧૦ વર્ષ એટલે કે ૨૦૩૦ સુધીમાં ભારતનું ચિત્ર કેવું હશે તે દર્શાવવાનો પણ પ્રયાસ કર્યો છે. ભારતના અર્થતંત્રનું કદ આગામી પાંચ વર્ષમાં પાંચ ટ્રિલિયન અને આઠ વર્ષમાં આઠ ટ્રિલિયન ડોલરે પહોંચાડાશે. એનડીએ સરકારની આ પરિકલ્પનામાં માર્ગો, રેલવે, એરપોર્ટ્સ સહિત અત્યાધુનિક માળખાં તેમજ ડિજિટલ ઈન્ડિયાની પહોંચ દરેક વર્ગ સુધી પહોંચાડવાનો સંકલ્પ પણ દર્શાવાયો છે. વડા પ્રધાન મોદીએ બજેટની સાથે ભારતીય કરદાતાઓની પ્રમાણિકતાની પ્રશંસા કરી આ બજેટ તો ફક્ત ટ્રેલર છે, જે લોકસભાની ચૂંટણી પછી ભારતને વિકાસના પથ પર દોરી જશે તેવી ટીપ્પણી પણ કરી હતી. આનો એક અર્થ એ પણ છે કે સરકાર ૨૦૧૯ની ચૂંટણી જીતવા આત્મવિશ્વાસી છે અને અંતરિમ બજેટની જોગવાઈઓને હજુ આગળ લઈ જવા પ્રતિબદ્ધ છે. બજેટના બહાને મોદી સરકારે લોકસભાની ચૂંટણી ઉપર જ નિશાન તાક્યું છે. વચગાળાના બજેટની લહાણીઓથી સરકાર
લોકોને રિઝવવામાં કેટલી હદે સફળ રહે છે તે જ જોવાનું રહે છે.
