રાજકારણનું ચક્કર હવે દોડવા લાગ્યું છે; કારણ સાફ છે. ૨૦૧૯ના ત્રીજા-ચોથા મહિને તો દિલ્હી દરબારમાં ચૂંટણી પછીનો રાજ્યાભિષેક થશે. લોકતંત્ર છે એટલે પ્રજા જ પોતાની કેન્દ્ર સરકાર અને વડા પ્રધાનને નક્કી કરે એ તો સ્વાભાવિક છે, પણ આ વખતે ‘દેવડી નાની અને ભગત ઝાઝા’નો ખેલ શરૂ થઈ ગયો. એટલે કે વડા પ્રધાન બનવાની ખ્વાહિશ એક નહીં, બે નહીં, ડઝનબંધ નેતાઓને છે. જેલવાસી લાલુ પ્રસાદે ય ખોંખારો ખાધો ‘હું પણ છું જ!’
અને બીજા બધા?
હમણાં શરદ પવાર ગુજરાતમાં આવ્યા હતા. ચહેરા પર તેમની બિમારી દેખાય છે પણ મનડું હજું રાજકારણથી અલિપ્ત નથી. થોડાંક વર્ષો પહેલાં સુરેન્દ્રનગરની એક સભામાં સનત મહેતા એવું બોલ્યાં કે હવે આપણી અવસ્થા થઈ છે. બહુ દોડાદોડ થઈ શકે નહીં. એ દિવસોમાં સનત મહેતાને એનસીપીનો ગુજરાતનાં નેતૃત્વનો ભાર સોંપવાની ચર્ચા પણ હતી. (પછી એવું થયું ખરું, પણ જલદીથી સનતભાઈ વર્તુળથી બહાર નીકળી ગયા હતા!) ત્યારે મંચ પર બેઠેલા શરદરાવ પવારે રાજકારણનું સનાતન સત્ય પોતાનાં ભાષણમાં કહ્યુંઃ ‘સનતભાઈ, રાજકારણીને કદી અવસ્થા આવતી જ નથી. સત્તા એવી ચીજ છે, જે તેને હંમેશાં સક્રિય રાખે છે.’
શરદ પવાર હાલના સંજોગોમાં કોંગ્રેસની સાથે અથવા કોંગ્રેસ વિનાના મહાગઠબંધનને આ દૃષ્ટિથી જુએ છે. કદાચ, વડા પ્રધાન બની પણ જવાય!
કદાચ...
અને,
પણ...
આ ‘ઇફ એન્ડ બટ’ના મામલાએ ભારતને ‘આકસ્મિક વડા પ્રધાનો’ આપ્યા હતા. દેવે ગૌડાને કર્ણાટકથી વિમાન ના મળ્યું ને ટ્રેનમાં ઝોકાં ખાતાં ખાતાં (જાહેર ભાષણોમાં પણ તેની ટેવ જાણીતી રહી) દિલ્હી આવ્યા. હાથણીએ કળશ ઢોળ્યો ને વડા પ્રધાન બનીને ખાસ પ્લેનમાં બેંગલોર પાછા ફર્યા હતા! ઇન્દરકુમાર ગુજરાલનું પણ એવું જ બન્યું. ચંદ્રશેખર પાસે ક્યાં બહુમતી હતી? વિશ્વનાથ પ્રતાપસિંહને ય કેટલા અવરોધ હતા? ચંદ્રશેખરે કોંગ્રેસનો (તકવાદી) ટેકો લીધો અને વી.પી.ની સાથે ડાબેરીઓ વત્તા ભાજપ હતા. સમય આવ્યે બધાએ હાથ પાછો ખેંચી લીધો. પણ દિલ્હી દરબારનાં ગેઝેટમાં આ ત્રણે વડા પ્રધાન તરીકે નોંધાઈ તો ગયાને?
અરે, આપણે ત્યાં અમરસિંહ ચૌધરી, દિલીપ પરીખ અને સુરેશ મહેતાએ ક્યારેય એવું ધાર્યું હતું ખરું કે પોતે મુખ્ય પ્રધાન બનશે? આવી ધારણા તો એકલા ચીમનભાઈ પટેલે જ રાખી હતી અને તેવું જણાવવામાં કદી છૂપાછૂપી કરી નહીં. લોકશાહીનો આ તકાજો છે, પણ ઘણાને તે ગળે ઉતરતો નથી.
નેહરુ-ગાંધી ખાનદાનને હજુ એવું લાગે છે (અને તેમ માનવા આખેઆખી કોંગ્રેસ તેની પાછળ જુલુસ કાઢીને તૈયાર છે!) કે વડા પ્રધાન પદ તો અમારો અબાધિત અધિકાર! જુઓને, પંડિત મોતીલાલ કોંગ્રેસ પક્ષના પ્રમુખ બનાવાયા (કહે છે કે ગાંધીજીને મનાવી લેવાયા હતા) પછી જવાહરલાલ બે વાર પ્રમુખ બન્યા (તેમાં મોતીલાલે ગાંધીજીને આગ્રહ રાખ્યો હતો). ભારત આઝાદ થયું તો જવાહર નારાજ થઈને કોંગ્રેસ છોડી નવો પક્ષ સ્થાપશે એવી આશંકાથી ગાંધીજીએ તેમને વારસદાર ગણાવ્યા અને સરદારને બદલે જવાહરલાલ વડા પ્રધાન બન્યા. (આ તથ્ય મોરારજીભાઈએ જણાવ્યું હતું) નેહરુ ઘણી બધી વાર ‘પદ છોડી દઈશ’ એવી ધમકી કોંગ્રેસ કારોબારીમાં આપતા તો ખરા, પણ એવું કદાપિ કર્યું નહીં.
કુલદીપ નાયર તેના પુસ્તકમાં નોંધે છે. ‘એક વાર લાલ બહાદુર શાસ્ત્રીની સાથે વાત કરતાં તેમણે કહ્યું કે પંડિતજીના મનમાં વડા પ્રધાન તરીકે તેમની પુત્રી છે.’ (કુલદીપ નાયર શાસ્ત્રીજીના માહિતી સચિવ હતા.) વડા પ્રધાન બન્યા પછી ટકી રહેવા માટે ઇન્દિરાજીએ કોંગ્રેસનાં જ ફાડચાં કરી નાખ્યાં હતાં અને જ્યારે તેમની હત્યા થઈ ત્યારે કોલકાતાથી રાજીવ ગાંધી વિમાન માર્ગે પાછા ફરતા હતા, સાથે પ્રણવ મુખરજી હતા. સિનિયર મોસ્ટ કોંગ્રેસી નેતા. વડા પ્રધાન બનવાની તમામ યોગ્યતા અને સજ્જતા પણ રાષ્ટ્રપતિભવનમાં શું રંધાયું કે પ્રણવ મુખરજીને બાજુ પર ધકેલી દેવાયા. રાજીવ ગાંધી વડા પ્રધાન બન્યા અને પ્રણવદાએ કોંગ્રેસ છોડીને નવો પક્ષ પણ રચ્યો હતો. રાજીવ પછી નરસિંહ રાવ આવ્યા, ગાંધી-નેહરુ પરિવારે માંડ સહન કર્યા અને વળી પાછા સોનિયા ગાંધી વડા પ્રધાન બને તે માટે પેરવી શરૂ થઈ ગઈ. સીતારામ કેસરી (સનત મહેતા કહેતાઃ ગંદુ ગંજી પહેરીને બેઠેલા કેસરીની રાજનીતિ પણ એવી હતી!) એ તો સોનિયા ગાંધીના પગમાં પોતાની ટોપી મૂકીને ‘નેતૃત્વ’નો આગ્રહ કર્યો હતો. આ જ સીતારામને પછીથી નેતાપદેથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
અહીં શરદ પવારને યાદ કરવાના આવે છે. સોનિયા ગાંધી વડા પ્રધાન ન બની શકે તે મુદ્દા સાથે શરદ પવારે કોંગ્રેસની સાથે છેડો ફાડીને એનસીપી (નેશનલ કોંગ્રેસ પાર્ટી)ની સ્થાપના કરી હતી તે યાદ છેને? આ રાજકીય દુકાન હજુ ચાલે છે. આવી દુકાનો જેવા ૨૭૦૦ રાજકીય પક્ષો દેશમાં છે. કેટલાક ચૂંટણી પંચના ચોપડે છે, કેટલાક પાટિયાધારી છે. આમાંના કેટલાક ‘મહાગઠબંધન’ માટેની કસરત તો કરી રહ્યા છે પણ તેમાં ‘પડી એક તકરાર’ વાળી દલપતરામ કવિની કવિતાનું સ્મરણ થઈ આવે. એક ભ્રષ્ટ અધિકારીને બચાવવા સત્યાગ્રહ-ધરણા કરનારા પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીનો હેતુ સાવ જુદો છેઃ મહાગઠબંધનના મુખ્ય નેતા તેમને બનવું છે. એવું થાય તો વડા પ્રધાન બની શકાય... કદાચ!
વળી ‘કદાચ’ શબ્દ આવ્યો. ગઠબંધનમાં મને-કમને જોડાયેલા પક્ષોના નેતાઓ પણ બૂમરાણ કરવા માંડ્યા કે બંધારણની સુરક્ષા માટે અમે પણ મમતાજીની સાથે છીએ... રસપ્રદ વંચના તો જુઓ કે એક ભ્રષ્ટ અધિકારીને બચાવવાનો આ ‘સત્યાગ્રહ’ અને તે પણ ગાંધીજીની ૧૫૦મી સ્મૃતિ ઊજવણીના વર્ષે!
મૂળ મુદ્દો જ રાજકીય મહત્ત્વાકાંક્ષાનો છે. શરદરાવ પવાર, અખિલેશ સિંહ, માયાવતી, સ્તાલિન, ચંદ્રાબાબુ નાયડુ, દેવે ગૌડા, કુમાર સ્વામી, ફારુક અબદુલ્લા, અરવિંદ કેજરીવાલ.... આ યાદી પણ અધૂરી છે. પ્રચ્છન્ન રાજકીય મહત્ત્વાકાંક્ષાના વરરાજાઓ એક નહીં, અનેક છે. કોંગ્રેસને માટે તો વણલખ્યા નિયમ જ છે કે નેહરુ-ગાંધી પરિવારથી તાજપોશી જ થાય, પણ હવે તેમાં બે ફાંટા પડ્યા. એક રાહુલ ગાંધીનો, બીજો પ્રિયંકા વાડરાનો.
કોંગ્રેસજનો અંદરોઅંદર ચર્ચા કરવા માંડ્યા છે કે રાહુલ કરતાં પ્રિયંકા નેતા તરીકે વધુ શોભે તેવાં છે. જુઓને, શ્રીમતી ઇન્દિરા ગાંધી જેવી જ છટા છે! માથાના વાળ એવા, બોલચાલ એવી, હાવભાવ એવા... જાણે દેશનો ઉદ્ધાર કરવા કાજે શ્રીમતી ઈન્દિરા ગાંધીએ પુનરાવતાર લીધો છે! કોંગ્રેસના વિધિસર રીતે પાંચ-દસ રૂપિયાના સભાસદ છે કે નહીં તેની કોઈનેય ખબર નથી પણ કોંગ્રેસના પ્રભારી વત્તા મહામંત્રી તો બની જ ગયા! ચૂંટણી પણ લડશે અને જો જીતશે તો...
વળી પાછું ‘તો’!
૨૦૧૯ની સામાન્ય ચૂંટણીની ખાસિયત એટલી જ છે કે કોંગ્રેસ સહિતના વિપક્ષોની પાસે દેશ માટેના કાર્યક્રમોનો એજન્ડા તો જરૂરી જ નથી, એક જ એજન્ડા મોદી હટાવ!
પછી તેમાં ઉમેરો થયો છે મોદી હટાવ! ભાજપ હટાવ!
હજુ કંઈક અધૂરું લાગ્યું એટલે રાહુલ ગાંધીએ છેક લંડન આવીને આરએસએસને ‘મુસ્લિમ બ્રધરહુડ’ની સાથે સરખાવીને હવે સૂત્ર મૂક્યું કે આરઆરએસને પણ હટાવો, પરાસ્ત કરો!
અને પછી?
પ્રેમાનંદનાં ‘ઓખાહરણ’ આખ્યાનમાં એક ભાગ આવે છે - ‘ઋતુપર્ણનો વરઘોડો!’ અહીં જે રાજકીય વરઘોડો બની રહ્યો છે તેમાં એક સાથે બાર-બાર મુરતિયા અને તેમની જાન રહેશે. કેટલાક ‘માનવ અધિકારવાદીઓ’, ‘સેક્યુલરો’, જેએનયુની ‘ટૂકડે ટૂકડે ગેંગ’, ‘અર્બન નક્સલીઓ’, મુસ્લિમ સંગઠનો તેમાં જોડાશે. બેગાની શાદીમેં અબદુલ્લા દિવાના!
ધારો કે આ બધા કોઈને કોઈ રીતે બહુમતી મેળવે, બહુમતીની નજીક રહે તો નવી સરકાર કેવી હશે? આપસી લડાઈ અને ઇચ્છાઓથી રાજકીય
અસ્થિરતા અને અરાજકતાથી ઘેરાઈ જશે. એવું માનનારો મોટો વર્ગ છે.

