યુકેની BAPS સ્વામીનારાયણ સંસ્થા (BAPS)ની મહિલા ફોરમ દ્વારા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કળા સંસ્થા ‘કાઈનેટિકા’ના સહયોગથી ‘ડાયવર્સિટી થ્રુ આર્ટ્સ’ તરીકે ઓળખાતો પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. આ પ્રોજેક્ટ બે મહિના સુધી ચાલ્યો હતો. તેમાં ૧૭થી ૧૯ ડિસેમ્બર, ૨૦૧૮ સુધી BAPS સ્વામીનારાયણ મંદિર, લંડન ખાતે પ્રારંભિક વર્કશોપ યોજાયા હતા. કળા અને સંસ્કૃતિમાં વૈવિધ્ય અને સમાનતાની વ્યાપક ભૂમિકા વિશે જાગૃતિ કેળવવા અને તેનો પ્રસાર કરવાના પ્રયાસ રૂપે આ પ્રોજેક્ટને ગ્રાન્ટ-ફંડ આર્ટ્સ કાઉન્સિલ ઈંગ્લેન્ડ દ્વારા અપાયું હતું.
આ પ્રોજેક્ટમાં સમાજમાં મહિલાઓએ મેળવેલી સિદ્ધિઓ વિશેની વાત વર્ણવતા સિલ્ક સ્ક્રોલ્સ બનાવવાનો સમાવેશ થતો હતો. કાઈનેટિકાના આર્ટિસ્ટિક ડિઝાઈનર અલી પ્રેટી અને લીડ આર્ટિસ્ટ લિસા મિહાનના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટમાં સિલ્ક સ્ક્રોલ્સ બનાવાયા હતા. અલી પ્રેટીએ જણાવ્યું હતું કે મહિલાઓની આ ટીમને મળવાનો, તેમની પાસેથી શીખવાનો અને સાથે કામ કરવાનો ખૂબ આનંદ આવ્યો. તેમનામાં વ્યાપક રચનાત્મક કૌશલ્ય છે જે તેમણે સિલ્ક પેઈન્ટિંગ પ્રોસેસમાં દર્શાવ્યું છે.
પ્રોજેક્ટમાં ભાગ લેનારી મહિલાઓએ જુદા જુદા વિષય પર ૧૦ સિલ્ક સ્ક્રોલ્સ તૈયાર કર્યા હતા. તેમાં એકતા, નિઃસ્વાર્થ સેવા, બલિદાન, જ્ઞાન, માનવતા, શ્રદ્ધા અને મુક્તિ, સત્ય, શક્તિ , ગર્વ જેવા વિષયોનો સમાવેશ થતો હતો. આ સ્ક્રોલ્સ નીસડન ટેમ્પલ ખાતે ૧૦ માર્ચ, ૨૦૧૯ને રવિવારે દસમા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી દરમિયાન રજૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં અલગ અલગ વયની મહિલાઓએ ભાગ લીધો હતો અને સાથે મળીને કામ કરવાના અનુભવનો આનંદ લીધો હતો.

